બજરંગ દળના કાર્યકરોએ દલિત પ્રોફેસરને ઓફિસમાં ઘૂસી માર્યા
ડીન જેવા પ્રતિષ્ઠિત હોદ્દા પર રહેલા પ્રોફેસર સાથે બજરંગ દળના કાર્યકરોએ મારામારી કરી, જેમાં પ્રોફેસર ઘાયલ થઈ ગયા.
જ્યારથી આરએસએસ સાથે જોડાયેલો પક્ષ સત્તામાં આવ્યો છે ત્યારથી બજરંગદળ, વીએચપી જેવા કથિત સંગઠનોના મનમાંથી જાણે કાયદો-વ્યવસ્થાનો ડર ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ છે. સામાન્ય માણસ જે કરતા કાયદાનો ડર અનુભવે તેવું કૃત્ય આ લોકો જાહેરમાં અને ખૂલ્લેઆમ કરતા ખચકાતા નથી. જાણે લોકોને સંદેશો ન આપતા હોય કે, સરકાર અમારી છે અને અમારું કોઈ કશું કરી લે તેમ નથી.
વીએચપી, બજરંગ દળ સહિતના સંગઠનોના નામે કાયદો વ્યવસ્થાને પડકારતા અનેક કારનામા બોલે છે અને તેમાં વધુ એક ઉમેરો આંધ્રપ્રદેશમાં થયો છે. અહીં તિરુપતિની શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીના કેમ્પસમાં બુધવારે એક દલિત પ્રોફેસર ડૉ. ચંગૈયા પર જમણેરી જૂથના સભ્યો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. ડૉ. ચાંગૈયા, જેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના ડીન છે, અને સામાજિક ન્યાય તથા દલિત અધિકારો માટે તેમની સક્રિયતા માટે જાણીતા છે, તેમની સાથે આ બન્યું હતું.
એક મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના ત્યારે ઘટી જ્યારે બજરંગ દળ સાથે જોડાયેલા હોવાનું કહેતા કેટલાક લોકો યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી ગયા અને ડૉ. ચંગૈયા સાથે દલીલ કરવા લાગ્યા. થોડા સમય પછી દલીલ મારામારીમાં ફેરવાઈ ગઈ, જેમાં પ્રોફેસર ઘાયલ થઈ ગયા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ હુમલાથી દલિત સમાજના લોકોની સુરક્ષા અંગે ચિંતા વધી રહી છે, કારણ કે એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે. અગાઉ 27 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં 27 વર્ષીય દલિત યુવક નારદ જાટવને ખેતરમાં પાણી વાળતી વખતે ગામના સરપંચ અને તેના સાગરિતોએ મળીને હત્યા કરી દીધી હતી.
અન્ય એક ઘટનામાં લખનૌ યુનિવર્સિટીના એક દલિત આસિસ્ટન્ટ પ્રોફેસર પર કેમ્પસમાં સમાજવાદી છાત્ર સભાના સભ્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ આ જ પ્રોફેસર પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યકરો દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, આ બાબતોમાં યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
આ ઘટનાઓએ શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સ્થળોએ દલિત સમાજના લોકો સામે વધતી હિંસાને ઉજાગર કરી છે. જે કાનૂની કાર્યવાહી અને સંસ્થાકીય જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
આ પણ વાંચો: યુપી પેટાચૂંટણીમાં RSSના કાર્યકરો અનામત-બંધારણ મુદ્દે દલિતોને સમજાવશે