દલિત મહિલાએ મજૂરી કરી બે દીકરીઓને કુસ્તીબાજ બનાવી

ખાધેપીધે સુખી સવર્ણ પરિવારમાં જન્મેલી કુસ્તીબાજ ગીતા-બબીતાની કહાની તમે જાણતા હશો. હવે એક દલિત મજૂર મહિલાની દીકરીઓ મુસ્કાન અને કાજલ વિશે પણ જાણી લો.

દલિત મહિલાએ મજૂરી કરી બે દીકરીઓને કુસ્તીબાજ બનાવી
image credit - Google images

હરિયાણા તેના કટ્ટર જાતિવાદની સાથે કુશ્તીના કારણે પણ જાણીતું છે. આમીર ખાનની ફિલ્મ દંગલ બાદ અહીંના સવર્ણ જાટ પરિવારની બે દીકરીઓ ગીતા-બબીતાની સાથે તેની બહેન વિનેશ ફોગાટને પણ હવે સૌ ઓળખે છે. સવર્ણ જાતિમાં જન્મી હોવાથી ત્રણેય અમુક હક-અધિકારો અને સુવિધાઓ આપમેળે મળી ગયા હતા. હવે તો લોકલાગણીનો ફાયદો ઉઠાવીને આ ફોગાટ બહેનો કુશ્તીમાંથી નિવૃત્તિ લઈને ભાજપ અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય પણ બની ગઈ છે. તેમના પરિવાર પાસે ઘણી બધી ખેતીની જમીન પણ છે અને સરકારી ક્વોટામાંથી પણ તેઓ ભરપૂર લાભ મેળવે છે. આટલી બધી સગવડો કોઈ દલિત-આદિવાસી કે ઓબીસીને ક્યારેય મળતી નથી. કમનસીબે રાજકીય પક્ષો પણ તેમની જાતિના કારણે તેમને મહત્વ આપતા નથી. પરિણામે આ ત્રણેય જાતિના લોકોએ તેમની લડાઈ જાતે જ લડવી પડે છે. આ કહાની પણ આવી જ છે, જેમાં એક દલિત મજૂર મહિલા તેની દીકરી અને પૌત્રીને કુશ્તીબાજ બનાવવા માટે તનતોડ મજરી કરીને પણ સતત લાગેલી છે.

મજૂરીના પૈસામાંથી કુશ્તીની તાલીમની ફી ભરે છે

હરિયાણાના દાદરીમાં રહેતી સુશીલા અને તેમના પતિ ખેતમજૂરી કરે છે અને તેમના પરિવારની બે દીકરીઓ મુસ્કાન અને કાજલને કુશ્તીબાજ બનાવવા મહેનત કરી રહી છે. આર્થિક સંકટ વચ્ચે પણ આ પરિવાર બંને દીકરીઓના ભવિષ્યને લઈને કોઈ કસર બાકી છોડવા માંગતો નથી. સુશીલાની દીકરી મુસ્કાનને એક દિવસ તેની સ્કૂલના શિક્ષકે કોઈપણ પ્રકારની તાલીમ વિના હિસારમાં યોજાયેલી કુશ્તી સ્પર્ધામાં ભાગ લેવા મોકલી દીધી હતી. જ્યાં આ 'ભીમ કી બેટી' સિલ્વર મેડલ લઈ આવી હતી. તેની આ સફળતા જોઈને તેના શિક્ષકે તેની માતા અને પરિવારને મુસ્કાનને કુશ્તીમાં આગળ વધારવા માટે વિનંતી કરી. તેમની એ વિનંતી તેની માતા સુશીલાએ માની લીધી અને બંને દીકરીઓને કુશ્તીની તાલીમ આપવાનું શરૂ કર્યું. એ પછી યોજાયેલી રાજ્ય સ્તરની કુશ્તી સ્પર્ધામાં તેણે ફરી મેડલ જિત્યો એટલે સુશીલાએ તેને વધુ આકરી તાલીમ આપવાનું શરૂ કર્યું છે. હાલ સુશીલા તેની પુત્રી મુસ્કાન અને પૌત્રી કાજલને કુશ્તીની તાલીમ અપાવવા માટે રાજસ્થાનના ભરતપુરના મહારાણી કિશોરી કેસરી દંગલમાં લઈને આવી છે. દલિત દીકરીઓ મુસ્કાન અને કાજલનું સપનું છે કે, તેઓ દેશ તરફથી ઓલિમ્પિકમાં મેડલ જીતે અને ભારતને ગૌરવ અપાવે.

પરિવાર મજૂરી કરે છે, દીકરી દંગલની પ્રેક્ટિસ કરે

તાજેતરમાં આયોજિત અખિલ ભારતીય મહારાણી કિશોરી કેસરી દંગલમાં સુશીલા તેની પુત્રી મુસ્કાન અને પૌત્રી કાજલ સાથે પહોંચી હતી. મુસ્કાન અને કાજલ બંનેએ કુસ્તીમાં રાજ્ય કક્ષાએ મેડલ જીત્યા છે. સુશીલાએ જણાવ્યું કે તે, તેના પતિ, પુત્ર અને પુત્રવધૂ બધા મજૂરી કરે છે, તેમ છતાં તેઓ તેમની પુત્રીઓ અને પૌત્રીઓને કુસ્તીની તાલીમ આપી રહ્યા છે. સુશીલાએ જણાવ્યું કે તેઓ જે કંઈ કમાય છે તેનો ઉપયોગ તેઓ તેમની દીકરીઓને કુસ્તી માટે તૈયાર કરવા માટે કરે છે. સુશીલાએ એ પણ જણાવ્યું કે એકવાર તેમની દીકરી મુસ્કાનને સ્કૂલના શિક્ષકે કોઈ તૈયારી વિના હિસારમાં કુસ્તી લડવા માટે મોકલી હતી. એમાં મુસ્કાનને સિલ્વર મેડલ જિત્યો હતો એ પછી તેને કુશ્તીમાં રસ પડ્યો અને ત્યારથી તે નિયમિતપણે તેની પ્રેક્ટિસ કરવા લાગી.

ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું

મુસ્કાન એ દિવસ યાદ કરતા કહે છે કે, તે પાંચમા ધોરણમાં હતી ત્યારની એ વાત છે. શિક્ષકે તેને કહ્યું કે, તું કુસ્તી લડવા જઈશ અને મેં હા પાડી દીધી. હું કોઈપણ પ્રકારની તૈયારી વિના ત્યાં ભાગ લેવા પહોંચી ગઈ. મારો પરિવાર મજૂરી કરે છે એટલે અમારે તો જિંદગી અને જાતિવાદ બંને સામે દરરોજ કુસ્તી લડવાની હોવાથી અમને સંઘર્ષની જરાય નવાઈ નથી. કદાચ એટલે જ હું એ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી લાવી હતી. એ પછી મેં કદી પાછું વળીને જોયું નથી. મેં નિયમિત રેસલિંગની પ્રેક્ટિસ શરૂ કરી. મારું સપનું ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતવાનું છે. 

કાજલને ઈન્ડિયન આર્મીમાં જવું છે

સુશીલાની પૌત્રી કાજલે કહે છે કે, તેણે એક વર્ષ પહેલા તેની કાકી મુસ્કાનને જોઈને કુસ્તી શરૂ કરી હતી. હવે તે પણ રાજ્ય સ્તરે મેડલ જીતીને ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું સેવીને તૈયારીઓ કરી રહી છે. કાજલનું સપનું ઈન્ડિયન આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવાનું છે. બહુજન સમાજની આ દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ક્રાંતિકારી જય ભીમ.

આ પણ વાંચો: જામનગરની નેહા ચૌહાણની સિદ્ધી, વાલ્મિકી સમાજમાંથી પ્રથમ એર હોસ્ટેસ બની


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Jeshingbhai
    Jeshingbhai
    બાબાસાહેબે કહ્યું હતું કે, "કોઈ પણ દેશની કેટલી પ્રગતિ થઈ છે એ જાણવા માટેનો માપદંડ તે દેશની મહિલાઓની કેટલી પ્રગતિ થઈ છે એ છે." બસ એ જ રીતે, "કોઈપણ સમાજની પ્રગતિ એ સમાજની મહિલાઓની પ્રગતિથી જ માપી શકાય !" સુશીલાબેનને લાખ લાખ વંદન અને કાજલબેન તેમજ મુસ્કાનબેનને અભિનંદનની સાથે સાથે ભાવિ સફળતા અને ઉજ્વળ ભવિષ માટે ખૂબ ખૂબ શુભેરછાઓ. આજ બાબાસાહેબના નિર્વાણ દિને એમની દેશની પ્રગતિની પરિભાષા સાકાર કરવામાં એક કદમ આગળ વધવા બદલ ત્રણેય મહિલાને ફરી એકવાર અભિનંદન. જય ભીમ નમો બુદ્ધાય