આજે 68મા મહાપરિનિર્વાણ દિવસે SSD દ્વારા સુરતમાં મહારેલી
ડૉ.બાબાસાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે દેશભરમાં ભીમ યોદ્ધાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાનાર છે. સૌથી મોટો કાર્યક્રમ SSD દ્વારા સુરતમાં યોજાશે.
આજે મહાનાયક ડો.બાબાસાહેબ આંબેડકરનો 68મો મહાપરિનિર્વાણ દિવસ છે. આજના દિવસે બહુજન સમાજના ઉદ્ધારક મહાનાયક બાબાસાહેબે અંતિમ શ્વાસ લીધા હતા. આ દિવસે દેશભરમાં બહુજન સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં પણ લગભગ તમામ શહેરો અને નાના કસ્બાઓમાં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
સૌથી મોટો કાર્યક્રમ આ વખતે સુરતમાં યોજાઈ રહ્યો છે. જ્યાં સ્વયં સૈનિક દળ (SSD) દ્વારા જંગી ભીમ રેલી અને મહા સલામીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય એસએસડીના તમામ યુનિટ દ્વારા દરેક શહેરો, ગામડાઓમાં પણ આ જ પ્રકારના શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાશે.
સુરતના કાર્યક્રમની વાત કરીએ તો વહેલી સવારે 9 વાગ્યે ભીમ રેલીનું પ્રસ્થાન શ્યામધામ મંદિર કામરેજ રોડથી થશે. આ જંગી રેલીમાં એસએસડી રીતસરનું શક્તિ પ્રદર્શન કરશે. આ ભીમ રેલીમાં 500 જેટલી વોલ્વો બસ, 1400થી વધુ કાર અને 3000થી વધુ બાઈક તથા અન્ય વાહનો જોડાશે. રેલી સવારે 9 વાગ્યે શરૂ થશે. ત્યારબાદ વીઆઈપી સર્કલ મોટા વરાછા ખાતે મહા સલામીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યાં મહાનાયક ડો.આંબેડકરને ગુજરાતભરમાંથી આવેલા એસએસડીના કાર્યકરો અને ભીમયોદ્ધાઓ સલામી આપશે.
ત્યારબાદ બપોરે 2.00 વાગ્યાથી 4.00 વાગ્યા સુધી કેપિટલ ગ્રાઉન્ડ, વીઆઈપી સર્કલની બાજુમાં, મોટા વરાછા ખાતે જંગી મહાસભાનું આયોજન કરાયું છે. જેમાં પણ હજારો લોકો ઉમટી પડશે.
ઉલ્લેખનીય છે કે, એસએસડી ગુજરાત સહિત દેશભરમાં ડો.આંબેડકરની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતું સૌથી મોટું સંગઠન છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, અહીં કોઈ નેતા નથી, સૌ કાર્યકરો છે અને એટલે જ તેના કાર્યક્રમોમાં હાજર રહેતો સ્વયંસેવક સ્વખર્ચે ત્યાં પહોંચે છે. SSD આ પ્રકારના કાર્યક્રમો દરમિયાન ભવિષ્યના કાર્યક્રમોની રૂપરેખા પણ આપતું હોય છે. એ મુજબ આગામી ચાર વર્ષમાં 6ઠ્ઠી ડિસેમ્બરના કાર્યક્રમો હવે ભૂજ, ગોધરા અને પાટણ ખાતે યોજાશે. જ્યારે 14મી એપ્રિલનું રાષ્ટ્રીય સ્તરનું આયોજન વર્ષ 2025માં કલકત્તામાં, 2026માં ભોપાલમાં અને 2027માં બેંગલુરુમાં થશે. જ્યારે વર્ષ 2028માં ચૈત્યભૂમિ દાદર-મુંબઈમાં 2 કરોડ મૂળનિવાસીઓ એકસાથે બૌદ્ધ ધર્મ અંગિકાર કરશે તેવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમોમાં એસએસડીનું માઈક્રો મેનેજમેન્ટ અને કાર્યકરોનું સમર્પણ સ્પષ્ટ રીતે ઉડીને આંખે વળગે છે. જેમાથી અન્ય સંગઠનો પણ ઘણું બધું શીખી શકે છે.
આ પણ વાંચો: 6th December Special: નિર્વાણ, પરિનિર્વાણ અને મહાપરિનિર્વાણમાં ફરક છે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Devjay bhim namo buddhay