આણંદના મીતલી ગામે પહેલીવાર ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ ઉજવાયો
અંતરિયાળ ગામડાઓ સુધી બહુજન મહાનાયકોની વીરગાથા પહોંચી. બહુજન સમાજે તેમના પૂર્વજોને ગર્વથી યાદ કર્યા.
ગઈકાલે સમગ્ર દેશમાં ભીમા કોરેગાંવ શૌર્ય દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભીમા નદીના કાંઠે આવેલા સ્મારક ખાતે હજારો બહુજનો ઉમટી પડ્યા હતા. 500 મહાર યોદ્ધાઓએ પેશ્વાઓની 28000 હજારની સેનાને ભોં ભેગી કરીને વિજય મેળવ્યો હતો. એ દિવસ હતો 1 જાન્યુઆરી 1818. ડો.આંબેડકરની પ્રેરણાથી પછી તો દેશના વિવિધ ભાગોમાં આ ઘટનાને શૌર્ય દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરાયું હતું.
ગઈકાલે 1લી જાન્યુઆરીએ આણંદ જિલ્લાના મીતલી ગામે પહેલીવાર બહુજન સમાજ દ્વારા ભીમા કોરેગાંવ શૌર્ય દિવસની ઉજવણી કરી હતી. મીતલી ગામના આગેવાનો, યુવા મિત્રો અને મહિલાઓ દ્વારા પ્રથમ તથાગત બુદ્ધની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી, બાબાસાહેબ આંબેડકર તથા બહુજન મહામાનવને ફૂલહાર કરી શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બુદ્ધ વંદના કરી અને પબુદ્ધ સુમેધબોધીજીએ બુદ્ધ વંદના વિશે માહિતી આપી હતી. ડૉ. સુગતરાજ શાક્યજીએ આજના દિવસનું મહત્વ અને ભીમા કોરેગાવ શૌર્ય દિવસની વાત કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનિલ આંબેડકરજીએ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવા મિત્રો, આગેવાનો અને મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં તથા બહાર ગામના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જેમાં સિલવર્ધન બૌદ્ધ બાવળા, દિલીપભાઈ ખેડા, તરૂણભાઈ અને તેમની ટીમ, પાંદડની ટીમ, કસ્બારા ટીમ વગેરે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ધીરુભાઈ, વિનોદભાઈ ચાવડા અને તેમની મીતલી ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પહેલીવાર મીતલીમાં આ પ્રકારનું આયોજન કરાયું હોવાથી સમગ્ર બહુજન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે આ રીતે દર વર્ષે આયોજન કરીને પોતાના પૂર્વજોના પરાક્રમોને યાદ કરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો-કાન્હુ સહિત સંથાલ આદિવાસીઓની શૌર્યગાથા