સરપંચના છોકરાએ 10 સાગરિતો સાથે મળી દલિત યુવકની હત્યા કરી
દલિત યુવકની બાઈક સાથે સરપંચના છોકરાએ પોતાની કાર અથડાવી અને પછી હોકી લઈને તૂટી પડ્યાં. દલિત યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.
જાતિવાદના એપીસેન્ટર યુપીમાં થર્ટી ફર્સ્ટના દિવસે એક દલિત યુવકની ગામના સરપંચના છોકરાએ તેના સાગરિતો સાથે મળીને હત્યા કરી નાખી. વાળ કપાવીને પરત ફરી રહેલા દલિત યુવક અને તેના મિત્રને આરોપીઓએ ઘેરી લીધા અને માર માર્યો, જેના કારણે એક યુવકનું મોત થયું, જ્યારે અન્ય એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધી છે અને સરપંચના પુત્ર સહિત તેના સાગરિતોની ધરપકડ કરી છે. દલિત યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મુઝફ્ફરનગરના પલડી ગામની ઘટના
ઘટના 31 ડિસેમ્બર મંગળવારના રોજ બની હતી. મુઝફ્ફરનગર જિલ્લાના પલડી ગામના રહેવાસી દલિત યુવકો સની અને શીલુ વાળ કપાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં ગામના સરપંચનો છોકરો અંકુર કાર લઈને સામે આવ્યો હતો. તેણે દલિત યુવકની બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે બંને યુવકો નીચે પડી ગયા હતા. જો કે આરોપીઓ આટલેથી અટક્યા નહોતા અને તેમણે માફી માગવાને બદલે બંને દલિત યુવકો પર લાકડીઓ, હોકીથી હુમલો કરી દીધો હતો. જેમાં બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સરપંચનો છોકરો અંકુર અને તેના 8-10 સાથીઓ તેમને ત્યાં જ ગંભીર હાલતમાં છોડીને ભાગી ગયા હતા. સ્થાનિકોની સૂચના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને ઘાયલ યુવકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. ગંભીર રીતે ઘવાયેલા સનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે શીલુની સારવાર ચાલુ છે.
મૃતક સનીનો સાથી શીલુ શું કહે છે?
શીલુએ આ ઘટના અંગે મીડિયાને માહિતી આપતા કહ્યું, "એ લોકો ચાર મોટરસાઇકલ અને કેટલીક ગાડીઓ પર આવ્યા હતા. તેમણે આવતાની સાથે જ મારી બાઇકને ટક્કર મારી હતી. અમે ખતૌલીમાં વાળ કપાવવા માટે ગયા હતા અને ત્યાંથી ગામમાં પાછા ફરી રહ્યા હતા. ગામના સરપંચનો છોકરો તેના 10 જેટલા સાગરિતો સાથે આવ્યો હતો. અમને ખબર નથી કે આ ઘટના કેમ બની છે. અમારી સાથે તેની કોઈ દુશ્મની નથી. પહેલા તેમણે ગાડીથી અમારી બાઈકને ટક્કર મારી અને પછી હોકીથી માર્યા. આ ઘટનામાં સનીનું મોત થયું છે. અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે."
પોલીસે શું કહ્યું?
મુઝફ્ફરનગરના એસપી સિટી સત્યનારાયણ પ્રજાપતિએ જણાવ્યું કે, આ ઘટનાની જાણકારી મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે મુખ્ય આરોપી અંકુર અને તેના સાગરિતોને કસ્ટડીમાં લઈ લીધા છે. મૃતકના પરિવારની ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચો: દલિત શિક્ષકની મંગેતરના એકતરફી પ્રેમી યુવકે અપહરણ કરી હત્યા કરી