પોલીસે પહેલા જાતિ પૂછી, પછી દારૂ પી દલિત યુવકને નગ્ન કરી માર્યો
એક દલિત યુવકને પોલીસે પહેલા તેની જાતિ પૂછી, પછી ચિક્કાર દારૂ પીધો અને ચોકીમાં જ નગ્ન કરી તે બેભાન થયો ત્યાં સુધી માર્યો.
ભારતના બંધારણમાં પોલીસને દેશના રક્ષક કહેવાયા છે. પણ આ રક્ષકો પ્રત્યે દેશના સામાન્ય નાગરિકના મનમાં માન-સન્માનને બદલે ભારે બીક રહેલી છે. ખાખી વરદીની આડમાં પોલીસ સામાન્ય માણસ સાથે જે રીતે વર્તે છે, તેના લીધે લોકો તેમની પાસે જવાનું તો દૂર, નામ સાંભળીને પણ ડરે છે. એમાં પણ જ્યારે આરોપી કોઈ દલિત કે આદિવાસી સમાજનો હોય ત્યારે કોણ જાણે ક્યાંથી પોલીસકર્મીઓમાં અચાનક કાયદાના રખેવાળની જગ્યાએ જાતિવાદી માણસ પેદા થઈ જાય છે. દેશમાં દલિતો પર અત્યાચારની અનેક ઘટનાઓ બને છે તેમાં ન્યાય મળતો નથી. એટ્રોસિટીના કેસોમાં સજાનો દર 3 ટકા કરતા પણ ઓછો છે તેની પાછળ પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા રહેલી છે અને તે હવે દલિત-આદિવાસી સમાજનું નાનું બાળક પણ સમજે છે. પોલીસની આવી જ નકારાત્મક ભૂમિકાને ઉજાગર કરતી વધુ એક બર્બરતાપૂર્ણ ઘટના સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે એક ગામમાં દલિત યુવકની પત્નીએ તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસ ચોકીના પોલીસકર્મીઓ યુવકના ઘરે પહોંચી ગયા અને તેને પોલીસ ચોકીએ લઈ આવ્યા. અહીં તેમણે તેને ઢોર માર માર્યો અને જાતિસૂચક ગાળો ભાંડી તેની પાસે પગ દબાવડાવ્યા હતા. પોલીસકર્મીઓએ પહેલા યુવકની જાતિ પૂછી હતી અને પછી મોડી રાત સુધી ચિક્કાર દારૂ પીને તેને લાકડી-દંડાથી બેરહેમ રીતે ફટકાર્યો હતો. જેના કારણે યુવક બેભાન થઈ ગયો હતો. એ પછી જ્યારે તે ફરી ભાનમાં આવ્યો, તો તેની પાસે પગચંપી કરાવાઈ હતી અને ફરી માર્યો હતો. સવારે જ્યારે યુવકે ઘરે જઈને તેના પરિવારને આખા મામલાની જાણ કરી અને શરીર પરના મારના નિશાન બતાવ્યા ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. એ પછી દલિત સંગઠનોએ હોબાળો મચાવતા પોલીસ ખાતા દ્વારા બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીં રામપુર જિલ્લાના શાહબાદ પોલીસ સ્ટેશનની ઢકિયા પોલીસ ચોકીમાં ભંવરની ઝદીદ ગામના એક દલિત યુવક સાથે બે પોલીસકર્મીઓએ બર્બરતાપૂર્ણ વર્તન કર્યું હતું. આ બંને પોલીસકર્મીઓ યુવકની પત્નીની ફરિયાદના આધારે તેને રાત્રે પોલીસ ચોકીએ ઉઠાવી લાવ્યા હતા. જ્યાં પહેલા તેને તેની જાતિ પૂછવામાં આવી હતી. એ પછી બંનેએ મોડી રાત સુધી દારૂ પીધો અને નશો બરાબર ચડ્યો પછી યુવકને નિર્દયતાથી માર માર્યો હતો. માર એટલો ગંભીર હતો કે યુવક બેભાન થઈ ગયો હતો. તેના બરડામાં સોળ ઉપસી આવ્યા હતા અને બેઠકના ભાગે કાળા ચકામા થઈ ગયા હતા.
આ પણ વાંચો: જ્યારે 7 વર્ષના એ બાળક સામે તેના પરિવારને જીવતો સળગાવી દેવાયો!
બંને પોલીસકર્મીઓ આટલેથી અટક્યા નહોતા. એ પછી તેમણે યુવક ભાનમાં આવે ત્યાં સુધી રાહ જોઈ હતી અને જેવો તે ભાનમાં આવ્યો કે તરત તેની પાસે પગચંપી કરાવડાવી હતી અને માફી મગાવડાવી હતી. યુવકને માર માર્યા પછીનો એક વીડિયો વાયરલ થયા હોબાળો મચી ગયો હતો અને દલિત સંગઠનોએ પોલીસકર્મીઓ સામે મોરચો માંડ્યો હતો. રામપુરના એસપીએ આ બંને પોલીસકર્મીઓ અને ચોકી ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી દીધા છે.
ઘટના ગત શનિવારની છે. અહીં શાહબાદ પોલીસ સ્ટેશનની ઢકિયા પોલીસ ચોકીમાં આવતા ભંવરની ઝદીદ ગામના ઋષિપાલ જાટવને તેની પત્ની સાથે કોઈ મામલે વિવાદ થઈ ગયો હતો. જેને લઈને તેની પત્નીએ સાંજે પાંચ વાગ્યા આસપાસ ઢકિયા પોલીસ ચોકીમાં હાજર સિપાહી જયદેવ અને અમિત કુમારને ફરિયાદ કરતા તેઓ ઋષિપાલને તેના ઘરેથી ઉઠાવી ગયા હતા. બંનેએ પોલીસ ચોકીમાં તેને નિર્દયતાથી માર માર્યો હતો. જેના કારણે ઋષિપાલ બેભાન થઈ ગયો હતો. પોલીસકર્મીઓની બર્બરતા આટલેથી અટકી નહોતી. તેમણે ઋષિપાલ ભાનમાં આવ્યો એટલે તેની પાસે પગ દબાવડાવ્યા.
બીજા દિવસે સવારે ઋષિપાલ ઘરે પહોંચ્યો અને તેણે પોતાની આપવીતી પરિવારજનોને સંભળાવી. એ દરમિયાન કોઈએ તેની ઈજાના નિશાનનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં મૂકી દીધો હતો. જે વાયરલ થતા જ સમગ્ર વિસ્તારમાં અને પોલીસબેડામાં હોબાળો મચી ગયો હતો. દલિત સંગઠનો પણ એક્ટિવ થઈ ગયા અને પોલીસ ચોકીએ પહોંચી ગયા હતા. જ્યાં તેમની પોલીસ સાથે શાબ્દિક ઝડપ પણ થઈ હતી. મામલો બગડતો જોઈને પોલીસે બંને સિપાહીઓ પર કેસ નોંધ્યો હતો. સાથે જ ચોકીના પીએસઆઈને પણ સસ્પેન્ડ કરી દીધા છે.
ઘટનાના ત્રીજા દિવસે પૂર્વ રાજ્યમંત્રી અને બસપા નેતા સુરેન્દ્ર સાગર, વીર ભગતસિંહ યુવા મોરચાના અધ્યક્ષ રજતકુમાર, ભીમ આર્મીના જિલ્લા પ્રભારી સુનીલ કુમાર, ભાજપ એસસી મોરચાના વેદ પ્રકાશ સાગર સહિત તમામ દલિત સંગઠનના કાર્યકરો પીડિય યુવક ઋષિપાલની સાથે એસપી ઓફિસે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે બંને પોલીસકર્મીઓ પર કેસ ફાઈલ કરવા રજૂઆત કરી હતી.
પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે આખરે બંને આરોપી સિપાહીઓ પર કાર્યવાહી શરૂ કરી હતી. બીજી બાજુ પોલીસ સ્ટેશનમાં પીડિત યુવકનું એકાંતમાં નિવેદન લેવાને લઈને ભગતસિંહ યુવા મોરચાના અધ્યક્ષ રજતકુમારની એસપી સાથે શાબ્દિક ખેંચતાણ પણ થઈ હતી.
પીડિત ઋષિપાલ જાટવનું કહેવું છે કે પત્નીની ફરિયાદ બાદ બંને પોલીસકર્મીઓ તેને ઘરેથી ઉઠાવી ગયા હતા. એ પછી મોડી રાત સુધી બંને પોલીસવાળાએ દારૂ પીધો હતો. એ પછી તેમણે ઋષિપાલની જાતિ પૂછી અને પછી તેને નગ્ન કરીને દંડાથી માર મારવો શરૂ કર્યો હતો. એટલું જ નહીં બંનેએ જાતિસૂચક ગાળો ભાંડીને તેને એટલો માર્યો હતો કે તે બેભાન થઈ ગયો હતો.
આ પણ વાંચો: બિમાર હોવાથી ઢોલ ન વગાડ્યો, ગામે વાલ્મિકી પરિવારનો બહિષ્કાર કર્યો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Kantibhai Rathodઓહ ઉત્તરપ્રદેશ જાતિવાદ બાબતે બહુ જ ખરાબ રાજ્ય છે દલિતો અને માર ખાવી એના કરતાં આ પાર કે પેલે પાર કરવું જોઈએ