દલિત યુવકે પોલીસની ગાડીને ઓવરટેક કરી, પોલીસે ઢસડીને ફટકાર્યો

એક દલિત યુવક મોંઘી બુલેટ બાઈક લઈ રસ્તેથી પસાર થતો હતો. એ દરમિયાન તેણે પોલીસની ગાડીને ઓવરટેક કરી હતી. જેથી પોલીસ અધિકારીઓ ઉશ્કેરાઈ ગયા હતા.

દલિત યુવકે પોલીસની ગાડીને ઓવરટેક કરી, પોલીસે ઢસડીને ફટકાર્યો
image credit - Google images

સરકારી વાહનને ઓવરટેક કરવાની એક દલિત યુવકને તાલીબાની સજા આપવામાં આવી છે. એક દલિત યુવકે રસ્તા પર સરકારી ગાડી ચાલી રહી હતી તેને ઓવરટેક કરી હતી. જેથી પોલીસ ઉશ્કેરાઈ ગઈ હતી અને દલિત યુવકને ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી, જ્યાં તેને ઢોર માર માર્યો હતો. મારના કારણે યુવકના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ ડીએસપીએ તપાસના આદેશ આપ્યા છે.

ઘટના મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાની છે. અહીં ખજુરાહોમાં એક દલિત યુવકે સરકારી પોલીસ વાનને ઓવરટેક કરી હતી. જેનાથી પોલીસ અધિકારીઓનો પિત્તો ગયો હતો અને તેઓ યુવકને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને ત્યાં તેને ઢોર માર માર્યો હતો. 

મામલો ખજૂરાહોના વોર્ડ નંબર 07નો છે. અહીં નગરપાલિકામાં સફાઈ કામ કરતો રોહિત બુલેટ બાઈક લઈને પોલીસની ગાડી રોડ પરથી પસાર થતી હતી તેને ઓવરટેક કરીને આગળ નીકળ્યો હતો. જેનાથી પોલીસને પિત્તો ગયો હતો અને તેમણે રોહિતને કદી ન ભૂલે તેવી સજા કરવાનું નક્કી કર્યું હતું. એ પછી તેમણે રોહિતને આગળ જઈને રોક્યો હતો અને તેને પોલીસ સ્ટેશને લઈ જઈને કારણ વિના જ નિર્દયતાથી માર માર્યો હતો.

રોહિત અને તેના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તેમના ઘર પાસે ખજુરાહો પોલીસ સ્ટેશનની ગાડી ઉભી હતી. પોલીસની સરકારી ગાડીની બાજુમાંથી રોહિત બુલેટ બાઈક પર બેસીને નીકળ્યો હતો. એ પછી પોલીસે તેને બળજબરીથી ઉચકીને પોલીસવાનમાં બેસાડી દીધો હતો અને પોલીસ સ્ટેશન લઈ ગઈ. જેનો વીડિયો તેના પરિવારના લોકોએ ઉતારી લીધો હતો. રોહિતના પરિવારજનો તેને છોડી દેવા માટે વિનંતી કરતા રહ્યા પણ પોલીસે તેમનું કશું સાંભળ્યું નહોતું અને તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

આ પણ વાંચો: મુખ્યમંત્રી અમારી જાતિનો છે, અમારી ઈચ્છા થશે ત્યારે પાણી આપીશું...

પોલીસ સ્ટેશન લઈ જઈને પોલીસે રોહિતને નિર્દયતાથી માર માર્યો હતો. તેમણે રોહિતને એ રીતે માર્યો જાણે તેણે કોઈ મોટો ગુનો કરી દીધો હોય. મારના કારણે તેના શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી છે અને નિશાન પડી ગયા છે. રોહિત ખજુરાહો નગરપાલિકામાં સફાઈકર્મી તરીકે કામ કરે છે.

દલિત યુવકે ઘરે આવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો

પોલીસે કારણ વિના જ માર મારતા હતપ્રભ થઈ ગયેલા રોહિતે ઘરે આવીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. રોહિતના ભાઈએ જણાવ્યું હતું કે, જેવો પોલીસે રોહિતને છોડ્યો, તે તરત ઘરે આવી ગયો હતો અને રૂમમાં ભરાઈને આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો હતો. તેની સામે કોઈપણ પ્રકારની અરજી, ફરિયાદ કે એફઆઈઆર નથી. તેનો વાંક માત્ર એટલો જ હતો કે તે બુલેટ બાઈક લઈને પોલીસની ગાડીને ઓવરટેક કરીને નીકળ્યો હતો.

આ મામલે હવે યુવક રોહિતે ખજુરાહો એસડીએસપીને એક અરજી કરી છે, જેમાં આ તમામ બાબતે વિસ્તારથી લખવામાં આવ્યું છે. જો કે, એસડીએસપીએ આ મામલે કશું પણ કહેવાથી બચતા રહ્યા હતા. બીજી તરફ છત્તરપુર જિલ્લાના એસપીએ આ મામલે પગલાં લીધાં છે. તેમણે એક એસઆઈ અને એક સિપાહીની તપાસ શરૂ કરાવી છે. જો તેઓ દોષી સાબિત થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.

આ પણ વાંચો: "યાદ રાખજે! જ્યાં મળીશ ત્યાં જ મારી નાખીશ" અને એવું જ થયું...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.