શાળામાં દલિત વિદ્યાર્થિનીઓ પાસે ટોઈલેટ સાફ કરાવ્યું, આચાર્ય સસ્પેન્ડ

શાળાનો ગણવેશ પહેરેલી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ થયા જિલ્લા શિક્ષણ અધિકારી હરકતમાં આવ્યા અને પગલાં લીધાં.

શાળામાં દલિત વિદ્યાર્થિનીઓ પાસે ટોઈલેટ સાફ કરાવ્યું, આચાર્ય સસ્પેન્ડ
image credit - Google images

શાળાનું કામ હોય છે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના બાળકોને ભણાવવા. પણ ભારત જેવા જાતિપ્રધાન દેશમાં શાળાઓમાં શિક્ષક થઈને બેઠેલા દ્રોણાચાર્યો કોઈને કોઈ પ્રકારે દલિત-બહુજન સમાજના બાળકોના શિક્ષણમાં રોડાં નાખવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. દલિત બાળકોને ભણતા રોકવા માટેના તેમની પાસે સો બહાનાઓ હોય છે. આવું જ એક બહાનું એટલે દલિત બાળકોને શાળાના ટોઈલેટ સાફ કરાવવા કે સફાઈ કરાવવી. આવા અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં આપણે જોઈ ચૂક્યાં છીએ અને વધુ એક કિસ્સો પેરિયારની ભૂમિ તમિલનાડુમાંથી સામે આવ્યો છે.

મામલો તમિલનાડુના પલાકોડુની એક શાળાનો છે. અહીંનો એક વીડિયો સામે આવ્યો છે જેણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. વાયરલ આ વીડિયોમાં શાળાનો ગણવેશ પહેરેલી વિદ્યાર્થિનીઓ શૌચાલય સાફ કરતી અને સફાઈ કરતી જોવા મળી રહી છે. એવો આરોપ છે કે સફાઈ કરતા બધાં બાળકો દલિત સમાજના છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાળામાં દલિત સમુદાયના 150 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બાળકોના વાલીઓએ જણાવ્યું હતું કે શાળામાં બાથરૂમ સાફ કરવા ઉપરાંત બાળકોને પાણી લાવવા અને કેમ્પસ સાફ કરવા માટે પણ મજબૂર કરવામાં આવે છે, જેના કારણે તેઓ ઘરે પહોંચ્યા પછી ખૂબ થાકી જાય છે. એક વિદ્યાર્થીની માતાએ કહ્યું, “અમે બાળકોને સફાઈ કરવા નહીં, ભણવા માટે મોકલ્યા છે. તેઓ ભણવાને બદલે શાળા સાફ કરવામાં પોતાનો સમય બગાડે છે.”

મામલો વધુ વકરતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક કાર્યવાહી કરી અને શાળાના આચાર્યને બરતરફ કરી દીધા હતા અને કહ્યું હતું કે આ મામલાની તપાસ ચાલુ છે. તેમણે ખાતરી આપી કે બાળકોના અધિકારો અને તેમનો વિકાસ અમારી પ્રાથમિકતા છે.

બીજી તરફ બાળકોના વાલીઓએ જણાવ્યું હતું કે, અમારા બાળકોની આવી હાલત જોઈને અમારું દિલ તૂટી જાય છે. એવું લાગે છે કે શિક્ષકો એમની ભણાવવાની ફરજમાં પુરતું ધ્યાન નથી આપી રહ્યાં.

આ પણ વાંચો: રાત્રે ટોઈલેટ જવા નીકળ્યાં હતા, સવારે દલિત આધેડની હત્યા કરેલી લાશ મળી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.