IIT મદ્રાસના ડિરેક્ટરે ગૌમૂત્રની પ્રશંસા કરી, કહ્યું- સાધુઓ તાવ આવે ત્યારે ગૌમૂત્ર પીએ છે

IIT મદ્રાસના ડિરેક્ટર વી કામકોટીએ એક કાર્યક્રમમાં ગૌમૂત્રના ઔષધીય ગુણોની ભારોભાર પ્રશંસા કરી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કોંગ્રેસ અને ડીએમકેએ ઝાટકણી કાઢી છે.

IIT મદ્રાસના ડિરેક્ટરે ગૌમૂત્રની પ્રશંસા કરી, કહ્યું- સાધુઓ તાવ આવે ત્યારે ગૌમૂત્ર પીએ છે
image credit - Google images

IIT મદ્રાસના ડિરેક્ટર વી કામકોટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ગૌમૂત્રના ઔષધીય ગુણો વિશે વાત કરી રહ્યા છે. કામકોટીએ ગૌમૂત્રને એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને પાચનમાં મદદરૂપ ગણાવ્યું. તેમણે દાવો કર્યો હતો કે ગૌમૂત્ર જઠરની વિકૃતિઓમાંથી પણ રાહત આપે છે. તેમના આ દાવાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કોંગ્રેસ અને ડીએમકેએ તેમની આકરી ઝાટકણી કાઢી છે. 

ચેન્નાઈમાં ગૌ સંરક્ષાશાળા ખાતે એક કાર્યક્રમમાં IIT મદ્રાસના ડિરેક્ટર વી કામકોટીએ કહ્યું હતું કે જ્યારે સાધુઓને ખૂબ તાવ આવે છે, ત્યારે તેઓ ગૌમૂત્રનો ઉપયોગ કરે છે. પીટીઆઈના અહેવાલ મુજબ, વાયરલ થઈ રહેલો વીડિયો સાચો છે. તેમણે કહ્યું કે તેઓ એક પ્રાકૃતિક ખેડૂત છે તેથી તેમની વાતોનો સંદર્ભ ખૂબ વ્યાપક છે.

IIT મદ્રાસના ડિરેક્ટરના આ નિવેદનની DMK અને કોંગ્રેસે ટીકા કરી છે. કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે IIT મદ્રાસના ડિરેક્ટરનો દાવો પાયાવિહોણો છે અને તેને વિજ્ઞાન સાથે કોઈ લેવાદેવા નથી. આ દરમિયાન, ડીએમકે નેતા ટીકેએસ એલાંગોવાને કહ્યું કે તેમને આ પ્રખ્યાત સંસ્થામાંથી બીજે ક્યાંક મોકલવા જોઈએ.

ડીએમકે નેતાએ કહ્યું કે જો તેમને આઈઆઈટી મદ્રાસમાંથી સરકારી મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવે તો તેઓ શું કરશે? તેઓ IIT માં શું કરી રહ્યાં છે? તેમને એઈમ્સના ડિરેક્ટર બનાવી દેવા જોઈએ. સરકારે તેમને તાત્કાલિક IITમાંથી હટાવવા જોઈએ. તમને જણાવી દઈએ કે વી કામકોટીના આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર હાજર છે.

આ પણ વાંચો: ગૌમૂત્ર પીવડાવો પછી જ ગરબામાં એન્ટ્રી આપોઃ ઈન્દોર ભાજપ નેતા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.