ભાજપ ક્યાં ચૂક્યો? ૪૦૦ તો દૂર 250ના પણ ફાંફા

૪૦૦ પારના નારા સાથે ચૂંટણી પ્રચારમાં ઉતરેલી ભાજપને ૩૦૦ તો દૂર ખુદના દમ પર બહુમતી પણ મેળવી શકી નથી.

ભાજપ ક્યાં ચૂક્યો? ૪૦૦ તો દૂર 250ના પણ ફાંફા
image credit - Google images

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે અને તે ભાજપ માટે ખૂબ ચોંકાવનારા છે. ૪૦૦ પારના નારા સાથે ચૂંટણી પ્રચારમાં ઉતરેલી ભાજપને ૩૦૦ તો દૂર ખુદના દમ પર બહુમતી પણ મેળવી શકી નથી. બહુમતીના 272ના આંક સુધી પહોંચવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ દરમિયાન રાજકીય નિષ્ણાતો હવે ભાજપથી ક્યાં ચૂકી ગઈ તેના કારણો શોધવામાં પડ્યાં છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪નો પ્રચાર જ્યારે શરૂ થયો ત્યારે એક તરફ મોદીની તોફાની લહેર પર સવાર ભાજપે પોતાના કામ અને વિકાસના મુદ્દા પર ધુંઆધાર રેલીઓ શરૂ કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસનો પ્રચાર બેકગ્રાઉન્ડમાં શરૂ થઈ ઇન્ડીયા ગઠબંધન આકાર લેતાં પહેલાં જ હિલોળા ખાઈ રહ્યો હતો. નીતિશકુમાર જઈ ચૂક્યા હતા અને મમતા બેનરજી આંખો બતાવી રહ્યા હતા. પરંતુ ફરી ગેમ બદલાઈ ગઈ. 

ચૂંટણીના છેલ્લા બે તબક્કા નજીક આવતાં જ રાજકીય પંડિતોએ સ્વીકારવું પડ્યું કે ભાજપને વિપક્ષની પીચ પર રમવાનું છે અને પીએમ મોદી સહિતના તમામ મોટા નેતાઓએ હિન્દુ-મુસ્લિમ મુદ્દાઓ પર કોંગ્રેસની ટીકા કરવાનું શરૂ કર્યું. ઈન્ડિયા એલાયન્સના નેતાઓ પણ 'ચાર સો પાર'ના નારાની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. દરમિયાન અસલી ખેલ પ્રજાએ રમ્યો હતો.

ચૂંટણી પ્રચાર દરમિયાન જ એવું બન્યું કે એનડીએના નેતાઓએ વિકાસના મુદ્દાને બાજુ પર રાખીને હિન્દુ-મુસ્લિમ, મુસ્લિમ આરક્ષણ અને કોંગ્રેસની ટીકાને વેગ આપવો પડ્યો. બીજી તરફ ઈન્ડિયા જોડાણે જનતાને સ્પર્શતા મુદ્દાઓ ખાસ કરીને મોંઘવારી, બેરોજગારી અને બેકારી, શિક્ષણની સમસ્યાઓની વાત કરી, તેના નિવારણની શક્યતાઓ સમજાવી. ખેડૂત આંદોલન અને અનામતને પણ સ્થાન આપ્યું. પણ સૌથી મોટી અસર ભાજપના નેતાઓની બંધારણ બદલી નાખવાની વાતે કરી. આ મુદ્દે સમગ્ર વિપક્ષે ભાજપને બરાબરનો ઘેર્યો. ભાજપને 400થી વધુ સીટો બાબાસાહેબે ઘડેલા બંધારણને બદલવા માટે જોઈએ છે, તે વાત દેશના દલિત-બહુજન સમાજના મનમાં ઘર કરી ગઈ અને તેણે અનેક મર્યાદાઓ છતાં વિપક્ષ સાથે જવાનું નક્કી કર્યું.

આમ તો પીએમ મોદીએ ફક્ત મુસ્લિમ અનામતનો વિરોધ કર્યો પરંતુ યૂપી બિહારની ઘણી જગ્યાઓ પર જોવા મળ્યું કે ઘણા સ્થાનિક નેતાઓએ અનામત પર જ પ્રહાર કર્યો જેથી ઘણી જગ્યાઓ પર આ મામલો ગરમાઈ ગયો. એ ત્યાં સુધી કે ગૃહ મંત્રી અમિત શાહે એક ટીવી ઇન્ટરવ્યુંમાં નિવેદન આપવું પડ્યું કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામતને ખતમ કરવામાં નહી આવે અને ન અમે એવું થવા દઇશું. જો કે, તેમના આ દાવામાં લોકોને વિશ્વાસ બેઠો નહોતો. કેમ કે, ભાજપની છાપ પહેલેથી જ સંઘની જેમ અનામતવિરોધી રહી છે.

કેટલાક રાજકીય એક્સપર્ટનું એ પણ માનવું છે કે ખેડૂત આંદોલન, અનામત અને બંધારણ બદલી નાખવાનો મેસેજ છેવાડાના માણસ સુધી પહોંચ્યો હતો. લોકોના મનમાં એ ફડક પેસી ગઈ હતી કે ભાજપ હવે ફરી સત્તામાં આવશે તો બંધારણ બદલી નાખશે અને ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરી દેશે. પીએમ મોદીની ગાંધી ફિલ્મ પરની ટિપ્પણી પણ ખૂબ ચર્ચામાં રહી છે. તેને લઇને પણ વિપક્ષ હમલાવર થઈ ગયો હતો. 

હવે ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને તેમાં ભાજપની બોલતી બંધ કરી દીધી છે. એક તબક્કે બંધારણ બદલવાની વાત કરનારા શાંત થઈ ગયા છે. મતદારો મૌન રહીને પોતાનું કામ કરી ગયા છે.

પીએમ મોદીના ધ્યાન અને યોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસે આક્ષેપો પણ કર્યા હતા. અહીં એક વાત એ હતી કે ઘણા રાજ્યોમાં ઓછું મતદાન અને સમગ્ર પ્રચાર દરમિયાન મતદારોનું મૌન રાજકીય નિષ્ણાતોને પરેશાન કરી રહ્યું હતું. એવામાં ભાજપનો ૪૦૦ બેઠકોનો દાવો પણ ઘણા નિષ્ણાતોને હેરાન કરી નાખે એવો હતો. એનડીએ માટે ૪૦૦નો આંકડો પાર કરવો મુશ્કેલ બનશે તે શરૂઆતના પરિણામો પહેલા જ નક્કી જણાયું હતું. જો કે ૩૦૦ માટે પણ ભાજપને સંઘર્ષ કરવો પડશે એવી અપેક્ષા તો તેના વિરોધીએ પણ નહીં રાખી હોય. બીજી તરફ પરિણામોથી ખુશ કોંગ્રેસ માટે તે સંજીવનીથી જરાય ઉતરતું નથી. તેઓ ભલે સરકાર ન બનાવી શકે પરંતુ રાહુલ ગાંધીએ તેમની સ્વીકૃતિ ચોક્કસપણે સાબિત કરી દીધી છે. હવે અંતિમ ચિત્ર શું બહાર આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: 'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.