UPSC ફાઈનલમાં ગુજરાતના 26 ઉમેદવારો ઝળક્યાં, ટોપ 100માં 4
યુપીએસસી 2023ની ફાઈનલ પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. જેમાં ગુજરાતના 26 ઉમેદવારો પસંદગી પામ્યા છે. પહેલીવાર ટોપ 100 ઉમેદવારોમાં ગુજરાતના 4 પસંદગી પામ્યા છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા ગઈકાલે IAS, IPS, IFS સહિત 1100થી વધુ પોસ્ટ માટે 2023માં લેવાયેલી સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનનું ફાઈનલ પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં સ્પીપાના તેમજ અન્ય કોચિંગ ઈન્સ્ટિટયુટના મળીને અંદાજે 26 ઉમેદવારો ગુજરાતમાંથી સિલેક્ટ થયા છે. મળેલી માહિતી મુજબ 26 ઉમેદવારોમાંથી 20 યુવકો છે અને 6 યુવતીઓ છે. આ વર્ષે ગુજરાતમાંથી સિવિલ સર્વિસીસ માટે સિલેક્ટ થનારા ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે 16 ઉમેદવાર સિલેક્ટ થયા હતા. ગુજરાતમાંથી આ વર્ષે સ્પીપા અને અન્ય કોચિંગ ઈન્સ્ટિટ્યુટમાંથી તાલીમ મેળવનારા અંદાજે 26 જેટલા ઉમેદવારોએ યુપીએસસી ફાઈનલ પરીક્ષા પાસ કરીને સિવિલ સર્વિસીઝ માટે સિલેક્ટ થયા છે. આ વર્ષે પણ પ્રથમવાર દેશના ટોપ 100 રેન્કમાં ગુજરાતના ચાર ઉમેદવારો છે. જેમાં 31,43,62 અને 80મો રેન્ક ગુજરાતમાંથી છે.
સ્પીપાના 219 ઉમેદવારો પ્રિલિમમાં પાસ થયા હતા
2023ની પરીક્ષા પ્રક્રિયામાં સ્પીપાના 219 ઉમેદવારો પ્રિલિમ પરીક્ષામાં પાસ થયા હતા અને જેમાંથી 60 ઉમેદવારો મેઈન પરીક્ષા પાસ થયા હતા. જેઓએ પર્સનાલિટી ટેસ્ટ આપી હતી અને આ 60 ઉમેદવારોમાંથી 25 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ છે. જ્યારે અમદાવાદની એક યુવતી ગરીમા મુંદ્રા સેલ્ફ સ્ટડી દ્વારા દેશના ટોપ 100 રેન્જમાં આવી છે અને 80મો રેન્ક મેળવ્યો છે. આ વર્ષે ગુજરાતના 26 સિલેક્ટેડ ઉમેદવારોમાં 6 યુવતીઓ અને 20 યુવકો છે. આ વર્ષે પાસ થનારા ઉમેદવારોમાં સૌથી વધુ સોશિયોલોજી વિષય ધરાવતા છે.
ચાર ઉમેદવારોએ રેન્ક વધારવા ફરી પરીક્ષા આપી
સ્પીપાના જે 25 ઉમેદવારો યુપીએસસી ફાઈનલમાં ક્વોલિફાઈ થયા છે તેમાં ચાર ઉમેદવારો ગત વર્ષે પણ ક્વોલિફાઈ થયા હતા. ચાર ઉમેદવારે ફરી પરીક્ષા આપી અને ત્રણ ઉમેદવારોને રેન્ક ઉપર ગયો છે પરંતુ એક ઉમેદવારનો રેન્ક ગત વર્ષે જે હતો તેના કરતા પણ ઘટી ગયો છે. ગત વર્ષે 145મો રેન્ક મેળવનાર અતુલ ત્યાગીએ આ વર્ષે 62મો, ગત વર્ષે 394મો રેન્ક મેળવનાર વિષ્ણુ શશિકુમારે આ વર્ષે 31મો રેન્ક મેળવી દેશના ટોપ 50માં સ્થાન મેળવ્યુ છે. જ્યારે ચંદ્રેશ સાંખલાએ ગત વર્ષે 414મો રેન્ક મેળવ્યો હતો અને આ વર્ષે 392મો રેન્ક મેળવ્યો છે. પરંતુ કેયુર પારગીને જ્યાં ગત વર્ષે 867મો રેન્ક હતો ત્યારે આ વર્ષે ઘટીને 936મો રેન્ક થયો છે.
કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો પસંદગી પામ્યા
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023 ના પરિણામ પર નજર કરીએ તો કુલ 1016 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેમાં 347 જનરલ કેટેગરીના છે. 115 EWS વર્ગના છે જ્યારે 303 OBC ઉમેદવારો છે. 165 SC અને 86 ST ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો કુલ પસંદગી પામેલા કુલ 26 ઉમેદવારોમાંથી 8 પટેલ સમાજના છે. પટેલ સમાજ દ્વારા તેમની સંસ્થાઓ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અધિકારી બનાવવા માટે બીડું ઝડપ્યું છે, જેનું પરિણામ આ વખતના રિઝલ્ટમાં જોવા મળ્યું છે.
5 વર્ષમાં મહિલાઓની સફળતાનો દર વધ્યો
આ વખતના પરિણામોમાં વધુ એક વખત મહિલાઓની વધી રહેલી સંખ્યાએ ધ્યાન ખેંચ્યું છે. છેલ્લા 5 વર્ષમાં UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં મહિલાઓની ટકાવારીમાં વધારો થયો છે. 2018 અને 2019માં મહિલાઓની પાસ થવાની ટકાવારી 24% હતી. 2020 માં તે 29% પર પહોંચી ગયો. જ્યારે 2021માં તે 3 પોઈન્ટ ઘટીને 26% થઈ ગયો. આ સિવાય 2022 માં આ આંકડો ફરી એકવાર 34% હતો. ગયા વર્ષે 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં 320 મહિલાઓ હતી.
આ પણ વાંચો:શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.