ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ
ગૌણ સેવા પસંદગી મંડળની જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા કોલ લેટર જાહેર થયા બાદ મોકૂફ રખાઈ છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લાર્કની ભરતી માટે કોલ લેટર જાહેર કરી દેવાયા બાદ આજે ભરતીની પરીક્ષાને હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે જાહેરાત કરાઈ છે કે, જૂનિયર-સિનિયર ક્લાર્કની લેવાનારી પરીક્ષાને લોકસભાની ચૂંટણીને કારણે સ્થગિત રખાઈ છે. હવે આ પરીક્ષાની નવી તારીખ મતદાન બાદમાં જાહેર કરાશે. ગૌણ સેવા પસંદગી મંડળની આ જાહરેાતથી પરીક્ષામાં બેસનારા ઉમેદવારો નિરાશ થયા છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે આજે ક્લાર્કની પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું કે, સરકારી ભરતી માટે જૂનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત રખાઈ છે. આ પરીક્ષાઓ આગામી તારીખ 20, 21, 27 અને 28 એપ્રિલના રોજ લેવામાં આવનારી તેમજ આગામી તા. 4 અને 5 મેના રોજ લેવાનારી પરીક્ષાને પણ મોકૂફ રખાઈ છે. આ પરીક્ષાને ચૂંટણીની આચારસંહિતાના કારણે પરીક્ષા મોકૂફ રખાઈ છે. જોકે, મતદાનના દિવસ બાદ આ પરિક્ષા ફરી લેવામાં આવશે.
હસમુખ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, અત્યાર સુધી લેવાયેલી પરીક્ષા યથાવત રહેશે. આજના દિવસની પરીક્ષા પણ યથાવત રહેશે. માત્ર આવતીકાલથી મતદાન સુધીના સમય દરમિયાન લેવાનારી પરીક્ષાઓને મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં, મતદાનના દિવસ બાદની પરીક્ષાઓ પણ યથાવત રહેશે. મતદાન બાદ ચૂંટણી પંચની મંજૂરી લઈને મોકૂફ રખાયેલી પરીક્ષાઓને લેવામાં આવશે. મોકુફ રખાયેલી તારીખના ઉમેદવારો માટે નવા કોલ લેટર અપાશે. તેમજ નવી તારીખો હવે પછીથી જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રૂપ એ અને ગ્રૂપ બીના પદો પર ભરતી માટે સીસીઇ 2024 પરીક્ષા તા. 1 એપ્રિલથી 8 મે 2024 સુધી આયોજિત કરાઈ હતી. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ગુજરાત પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લાર્કની ભરતી માટે કોલ લેટર જાહેર કરી દેવાયા હતા. તેમજ પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ પોટર્લ પર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાની સલાહ અપાઈ હતી. કોલ લેટર જાહેર કરાયા બાદ હવે પરીક્ષા મોકૂફ રખાતા ઉમેદવારો નિરાશ થયા છે. પરીક્ષાર્થી આ પરીક્ષા સંલગ્ન માહિતી મેળવવા માટે મંડળની સત્તાવાર વેબસાઈટ પર મુલાકાત કરી શકે છે.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
KirtibhaiSir 2Divas pahela suchana Apvi joiye