‘ઓ બાંગ્લાદેશી…’ ના મેણાંથી કંટાળી યુવકે 4 બહેનો અને માતાની હત્યા કરી
2025ના વર્ષનો પ્રથમ દિવસ જ દેશમાં એક જઘન્ય ઘટના સાથે શરૂ થયો છે. આ સમાચારે સામાન્ય માણસને જ નહીં પરંતુ પોલીસ વિભાગને પણ હચમચાવી નાખ્યો છે.

વર્ષનો પ્રથમ દિવસ જ જાતિવાદના એપી સેન્ટર એવા યુપીની રાજધાની લખનૌમાં એક જઘન્ય ઘટના સાથે શરૂ થયો. આ સમાચારે સામાન્ય માણસને જ નહીં પરંતુ પોલીસ વિભાગને પણ હચમચાવી નાખ્યો છે. અહીં એક મુસ્લિમ યુવકે તેની માતા અને ચાર બહેનો એમ પરિવારના 5 સભ્યોની ઘાતકી રીતે હત્યા કરી નાખી. ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યામાં યુવકના પિતા પણ સામેલ હતા. આ હત્યાકાંડ માટે સ્થાનિકોને જવાબદાર ઠેરવતા યુવકે મંદિર માટે પોતાનું ઘર દાનમાં આપી દેવાનો વીડિયો બનાવ્યો છે. જેમાં તેણે હત્યા સાથે જોડાયેલી બીજી ઘણી વાતો કહી, જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા છે.
કોલોનીના લોકો બાંગ્લાદેશી હોવાના મેણાં મારતા હતા
યુવકે લખનઉની એક હોટલમાં આખી ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે ચાર બહેનો અને તેની માતા સહિત પાંચ લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે પરિવારને સ્થાનિકો બાંગ્લાદેશી હોવાનું કહીને મેણાં મારતા હતા અને આ વિસ્તાર અને ઘર છોડી દેવા માટે દબાણ કરતા હોવાનું જણાવ્યું છે. આરોપી યુવકનું નામ અરશદ છે અને તેનો પરિવાર આગ્રાનો રહેવાસી છે. સ્થાનિકો તેને બાંગ્લાદેશી કહીને પરેશાન કરતા હોવાથી તે તેની માતા અને બહેનો સાથે લખનૌની એક હોટલમાં આવ્યો હતો. અહીં જ પિતાની મદદથી તેણે ચાર બહેનો અને તેની માતાની હાથની નસો કાપીને ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યાકાંડ પછી અરશદે એક વીડિયો બનાવ્યો અને તેમાં તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.
અરશદે સ્થાનિકો પર આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ તેનું ઘર છીનવી લેવા માગતા હતા. જેના કારણે તેનો પરિવાર છેલ્લા 10-15 દિવસથી ભટકતો હતો. હત્યાકાંડના થોડા દિવસ પહેલા તેણે મુખ્યમંત્રી યોગી અને પીએમ મોદીને એક ફરિયાદ પત્ર પણ મોકલ્યો હતો, જેમાં તેણે વિનંતી કરી હતી કે બાંગ્લાદેશી કહીને તેને હેરાન કરતા લોકોને છોડવામાં ન આવે. કારણ કે આ લોકો જમીન પર કબજો કરી રહ્યા છે. વીડિયોમાં અરશદે માતા અને બહેનોના મોત માટે આખી કોલોનીને જવાબદાર ગણાવી હતી.
બહેનોને વેચાતી જોઈ ન શકત એટલે હત્યા કરી
વીડિયોમાં અરશદ કહી રહ્યો છે કે તે તેની બહેનોને વેચાતી જોઈ ન શકત એટલે તેમની હત્યા કરી હતી. સ્થાનિકો પર આરોપ લગાવતા તેણે કહ્યું કે કોલોનીના લોકો તેને રોજ હેરાન કરતા હતા. તેને બાંગ્લાદેશી કહીને હેરાન કરવામાં આવતો હતો. આથી કંટાળીને તે હિંદુ ધર્મ અપનાવીને હિંદુ બનવા માંગતો હતો. અરશદે પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું કે, પોલીસે સ્થાનિકો સામે કોઈ કાર્યવાહી નહોતી કરી. બાંગ્લાદેશી હોવાના આરોપોથી કંટાળી તેણે પોતાનું ઘર મંદિર બનાવવા માટે દાન દીધું હોવાનું પણ તે કહે છે. અરશદે વીડિયોમાં કહ્યું છે કે તેના ઘરમાં જે પણ સામાન છે તે અનાથાશ્રમને આપી દેવામાં આવે જેથી તેની બહેનોને શાંતિ મળે. તેણે જણાવ્યું કે કોલોનીના રહેવાસીઓ સતત તેના પર બાંગ્લાદેશી હોવાનો આરોપ પણ લગાવતા હતા, જેનાથી દુઃખી થઈને તેણે આ પગલું ભર્યું હતું.
હોટલમાં એક સાથે 5 લોકોની હત્યાથી ખળભળાટ મચી ગયો
ઉલ્લેખનીય છે કે અર્શદે આખી ઘટનાને લખનઉની એક હોટલમાં અંજામ આપ્યો હતો. બાંગ્લાદેશી હોવાના આરોપોથી કંટાળીને તે અને તેનો આખો પરિવાર અહીં આવીને રોકાયો હતો. એ પછી તેણે રાત્રે પિતાની મદદથી તેની ચાર બહેનો અને માતાને બ્લેડના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશોનો કબજો મેળવ્યો હતો.
લખનઉ સેન્ટ્રલના ડીસીપી રવિના ત્યાગીએ જણાવ્યું કે આ ઘટના નાકા વિસ્તારમાં આવેલી હોટલ શરણજીતમાં બની હતી. આરોપીની ઓળખ અરશદ (24) તરીકે થઈ છે જેણે કથિત રીતે પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને સ્થળ પરથી જ પકડી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ આલિયા (9), અલશિયા (19), અક્સા (16), રહેમીન (18) આ તમામ અરશદની બહેનો છે અને આસ્મા તેની માતા છે. 24 વર્ષીય અરશદ આગ્રાનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે ઘરેલું વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપ્યો છે.
આ પણ વાંચો: ઈચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?