મંદિર માટે બે સાધુઓ બાખડ્યા, અંતે બંનેને બાબાસાહેબનું બંધારણ યાદ આવ્યું!

લોકોને ત્યાગ, બલિદાનના ઉપદેશો આપતા સાધુ-બાવાઓ જ્યારે ખુદને પ્રોપર્ટી ત્યાગવાનો વારો આવે ત્યારે ભગવાનને છોડી બાબાસાહેબના બંધારણના જ શરણમાં આવતા હોય છે.

મંદિર માટે બે સાધુઓ બાખડ્યા, અંતે બંનેને બાબાસાહેબનું બંધારણ યાદ આવ્યું!
image credit - Google images

કહેવાતા સંતો-સાધુઓ અસલમાં તો ધર્મનો ધંધો લઈને બેઠેલા છે અને આ વાત નગ્ન સત્ય હોવા જાહેરમાં તેનો સ્વીકાર કરતા લોકો ડરે છે. સામાન્ય માણસને ત્યાગ, બલિદાન અને મોહમાયા છોડી દેવાના ઉપદેશો આપતા આવા સાધુઓ જ્યારે તેમને ખુદને પ્રોપર્ટી કે અન્ય કોઈ કિંમતી વસ્તુ જતી કરવાની આવે ત્યારે મારામારી પર ઉતરી આવે છે. કેટલાક તો તેનાથી પણ આગળ વધીને ગુંડાઓ મોકલી એકબીજા પર હુમલાઓ કરાવે છે અથવા કોર્ટમાં સામસામે કેસ ઠોકી દે છે. 

અમદાવાદના ભારતી આશ્રમ સરખેજ, જૂનાગઢ ભવનાથ મંદિર, સતાધાર મંદિરનો વિવાદ આપણી નજર સામે છે ત્યાં હવે વધુ એક 25 વર્ષ જૂના મંદિરનો વિવાદ ઉભો થયો છે. આમાં તો બે સાધુઓ વચ્ચે પ્રોપર્ટીને લઈને એવી બબાલ ઉભી થઈ કે બંને મારામારી પર ઉતરી આવ્યા હતા. 

નર્મદાના માંગરોળના ધનેશ્વર મંદિરનો મામલો
મામલો નર્મદા જિલ્લામાં નર્મદા નદીના કાંઠે આવેલા નાંદોદ તાલુકાના માંગરોલના ધનેશ્વર મહાદેવ મંદિરનો છે. આ આશ્રમનો છેલ્લા 25 વર્ષથી વિવાદ ચાલતો આવ્યો છે. મંદિરની પ્રોપર્ટી મુદ્દે ત્યાં જ રહેતા બે સાધુ વચ્ચે ફરીથી ડખો ઊભો થયો છે. મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે ધનેશ્વર મંદિરના મહંત જાનકીદાસ બાપુના પત્ની ભગવતદાસે મંદિરે સામા પક્ષના અખિલ સદાનંદ મહારાજને પોલીસની હાજરીમાં તમાચો મારી દીધો હતો. આ સદાનંદ મહારાજ અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લાના મંત્રી છે. આ હુમલો થયા બાદ સદાનંદ મહારાજે કહ્યું હતું કે, ધનેશ્વર મંદિરના સાધુ દંપતીથી તેમના જીવને જોખમ છે એટલે સુરક્ષા આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું કે, આ મામલે કોઈ નિરાકરણ નહીં આવે તો તેઓ હાઇકોર્ટ નજીક આત્મવિલોપન કરશે. ટૂંકમાં, વાત ન્યાયની આવે ત્યારે ભલભલાં લોકો ભગવાનને ભૂલીને બાબાસાહેબના બંધારણની શરણમાં જ આવતા હોય છે.

એક સાધુની પત્નીએ બીજાને લાફો ઝીંકી દીધો
અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સદાનંદ મહારાજ વચ્ચે અનેકવાર વિખવાદ થતાં આ મામલો એટલી હદે વધ્યો કે પોલીસ બોલાવી પડી હતી. પોલીસની હાજરીમાં જાનકીદાસ બાપુના પત્નીએ સદાનંદ મહારાજને તમાચો મારી દીધો હતો. જે બાદ આ આખો મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસે બંને સંતોની સામસામે ફરિયાદો લીધી છે.

ગઈકાલે મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસે 100 નંબર પર ફોન કરી ફરિયાદ કરી હતી કે, સદાનંદ મહારાજ અને અન્ય લોકોએ એમના આશ્રમ પર રાત્રે પથ્થરમારો કરી અપશબ્દો બોલ્યા હતા. આ ફરિયાદને લઈને પોલીસ ત્યાં પહોંચી હતી. એ દરમિયાન મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસ પોલીસ સાથે સદાનંદ મહારાજના આશ્રમ પર પહોંચી હતી અને પોલીસની હાજરીમાં જ સ્વામી સદાનંદ મહારાજ પર હુમલો કર્યો હતો. જેથી તમામને પોલીસમથકે લઈ જવાયા હતા અને કાયદેસરની કાર્યવાહી બાદ મુક્ત કરાયા હતા.

આ પણ વાંચોઃ ભવનાથ મંદિરના મહંત બનવા માટે ભાજપને 5 કરોડનું ફંડ આપ્યું

એક સાધુએ બીજા સાધુના ડરથી પોલીસ સુરક્ષા માંગી
આ બાબતે અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સ્વામી સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે, "આ લોકોએ અનેકવાર મારી પર હુમલો કર્યો છે, તેઓ ધનેશ્વરની પ્રોપર્ટી હડપ કરવા માંગે છે અને એટલે અનેક ષડયંત્રો કરી મંદિર અને ગામનો માહોલ બગાડી રહ્યાં છે. જો આ બાબતે મને ન્યાય નહીં મળે અને સમસ્યાનું સમાધાન નહીં થાય તો  મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીશ અને હાઇકોર્ટ નજીક આત્મવિલોપન કરીશ. હવે હું રજૂઆતો કરીને કંટાળી ગયો છું. મહંત જાનકીદાસ અસામાજિક વ્યક્તિ છે. લોકો એમને ઓળખે છે. હું મારા આશ્રમમાં એકલો રહું છું એટલે આ લોકો મારા પર હુમલો કરી મારી હત્યા કરશે એવી મને આશંકા છે એટલે મને સુરક્ષા મળવી જોઈએ."

અગાઉ પણ એક સાધુની હત્યા થઈ હતી
બીજી તરફ મહંત જાનકીદાસ મહારાજે જણાવ્યું હતું કે, " અને મારી પત્ની શાંતિથી આશ્રમમાં રહી લોકોની સેવા કરીએ છીએ. મારા વિરૂદ્ધ પોલીસ મથકમાં કોઈ પણ કેસ હોય કે અરજી હોય તો મને બતાવો, હું અસામાજિક તત્વ નથી. આ મંદિરના પૂર્વ મહંત રામપ્યારે દાસની પણ હત્યા કરવામાં આવી હતી એટલે મારી પણ હત્યા થશે એવો મને ડર છે."

છેલ્લે તો બાબાસાહેબનું બંધારણ જ કામે લાગ્યું!
આ ઘટના પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે ધર્મની આડમાં સૌ પોતપોતાના રોટલાં શેકી રહ્યાં છે. ભગવાનની સેવા કરવાના બહાને આશ્રમો બાંધીને જમીન હડપ કરી જનારા આવા લોકો જ્યારે આવી પ્રોપર્ટી પર અન્ય કોઈ નજર નાખે ત્યારે મારામારી પર ઉતરી આવતા પણ પાછી પાની નથી કરતા. સૌથી મોટી વાત એ કે લોકોને ભગવાનનો ડર બતાવનારા ખુદ પોતાને મુશ્કેલી પડે ત્યારે ભગવાનને છોડીને દેશના બંધારણની શરણે આવી કોર્ટમાં ન્યાય માંગે છે. ડો.આંબેડકરના બંધારણની આનાથી મોટી જીત બીજી કઈ હોઈ શકે?

આ પણ વાંચોઃ ઈસ્કોન મંદિરે નિવૃત્ત આર્મીમેનની દીકરીને શિષ્ય સાથે ભગાડી ગોંધી રાખી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.