PSI-લોકરક્ષકની 12,272 જગ્યાઓ સામે અધધ 15 લાખ અરજીઓ આવી

ગુજરાતમાં રોજગારીનો પ્રશ્ન કેટલો વિકરાળ બની ચૂક્યો છે તેની ઝલક પીએસઆઈ-લોકરક્ષકની ભરતીના ફોર્મ ભરવામાં જોવા મળે છે. જેમાં 12272 જગ્યાઓ સામે લાખો અરજીઓ આવી છે.

PSI-લોકરક્ષકની 12,272 જગ્યાઓ સામે અધધ 15 લાખ અરજીઓ આવી
image credit - Google images

એકબાજુ ગુજરાત સરકાર યુવાનો માટે રોજગારીની અનેક તકો ખૂલી હોવાની અને ગુજરાત રોજગારીનું હબ બન્યું હોવાની મસમોટી ગુલબાંગો ફેંકે છે, બીજી તરફ વાસ્તવિક ચિત્ર સાવ જુદું જ તરી આવ્યું છે. વાસ્તવિકતા એ છે કે, ગુજરાતનો યુવાન આજે સામાન્ય નોકરી માટે પણ રીતસરનો વલખાં મારી રહ્યો છે. ખાનગીકરણના રાક્ષસને જે રીતે વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારે પાળીને મોટો કર્યો છે તેના કારણે સેંકડો યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. જે કામ કરવાના એક સમયે લાખ રૂપિયા મળતા હતા તે કામ ખાનગીકરણના કારણે 20-25 હજારમાં કરાવવામાં આવ્યું છે. તેમ છતાં પણ તેની સ્થિરતાની કોઈ ગેરંટી નથી. ગમે ત્યારે નોકરી છીનવાઈ જાય છે અને વ્યક્તિ બેરોજગાર થઈ જાય છે. પરિણામે વધુને વધુ યુવાનો સરકારી નોકરી મેળવવા માટે રીતસરની પડાપડી કરવા લાગ્યા છે. ગુજરાતમાં બેરોજગારી કઈ હદે વકરી ગઈ છે તેનું તાજું ઉદાહરણ હાલમાં જ બહાર પડેલી પીએસઆઈ અને એલઆરડી માટેની ભરતી છે. કુલ 12,272 જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે અને તેની સામે ભરતી બોર્ડને અત્યાર સુધીમાં અધધધ 15 લાખ અરજીઓ મળી છે. તેના પરથી જ ગુજરાતમાં રોજગારીનું વાસ્તવિક ચિત્ર કેવું છે તે સમજી શકાય છે.

આ પણ વાંચોઃ ઓક્ટોબરમાં બેરોજગારી દર વધીને બે વર્ષની સર્વોત્તમ સપાટી 10.09 ટકાએ પહોંચ્યો - રિપોર્ટ

લોકસભા ચૂંટણીમાં રોજગારીનો મુદ્દો નડી શકે તેમ હોવાથી અને વારંવારની રજૂઆત પછી આખરે સરકારે લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા 12મી માર્ચે 2024ના રોજ 12,272 જગ્યાની પોલીસ સંવર્ગની ભરતી બહાર હતી. સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર કરવા શિક્ષિત યુવાઓ તનતોડ મહેનત કરે છે. ગાંધીનગર જેવા શહેરમાં પોલીસ- પીએસઆઈની તૈયારી માટેના કોચિંગ ક્લાસમાં રૂપિયા 30-40 હજાર ફી ચૂકવે છે. સાથે સાથે ખાનગી લાઈબ્રેરીમાં વાંચન માટે રૂપિયા હજાર-બારસો ચૂકવે છે. હોસ્ટેલ ફી અલગ. આમ, શિક્ષિત યુવાઓ સરકારી નોકરી મેળવવા મહેનતની સાથે ખર્ચ પણ કરે છે. આ દરમિયાન, જો પેપરલીક થાય તો યુવાઓની મહેનત પાણીમાં જાય છે. અગાઉ લોકરક્ષકની પરિક્ષાનું પેપર લીક થયું હતું.

ગુજરાતમાં શિક્ષિત યુવા બેરોજગારોની સંખ્યા દિનદિને વધતી જાય છે. કેલેન્ડર મુજબ સરકારી નોકરીની ભરતી થતી નથી ત્યારે બેરોજગારોની દશા કફોડી બની છે કેમકે, કડી મહેનત અને પૈસા ખર્ચ્યા પછી પણ પરિણામ મળતુ નથી. આખરે નાછૂટકે યુવાઓને ખાનગી નોકરી મેળવવા મજબૂર થવુ પડે છે. 

આ તરફ, પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને અત્યાર સુધી પીએસઆઈ માટે 4.5 લાખ એને લોકરક્ષક દળ માટે 9.83 લાખ અરજીઓ મળી છે. 15મી સપ્ટેમ્બર બાદ આખીય પ્રક્રિયા શરૂ થશે. ફિઝીકલ ટેસ્ટ ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાય તેવી સંભાવના છે. ટૂંકમાં, પીએસઆઈ અને લોકરક્ષક દળ માટે અરજીઓનો ઢગલો થયો છે તે જોતા એ સ્પષ્ટ છે કે, ગુજરાતમાં બેરોજગારીનો મુદ્દો તેની ચરમસીમા પર છે અને વર્તમાન સરકાર તેને કોઈ કાળે અવગણી શકે તેમ નથી.

આ પણ વાંચોઃ Skill India પાછળ કરોડો ખર્ચ્યા બાદ પણ દેશમાં 83 ટકા યુવાનો બેરોજગાર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.