મજૂરો, શ્રમિકો, કામદારોને બપોરના ૪ કલાક કામમાંથી મુક્તિ આપવી પડશે
હાલ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજ્ય સરકારે મજૂરો, શ્રમિકો અને કામદારો માટે એક મહત્વનો આદેશ કર્યો છે.
ગુજરાતમાં સહિત દેશભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા યલો, ઓરેન્જ અને વધુ ભયજનક સ્થિતિ હોય ત્યાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવતા હોય છે. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પણ ખૂલ્લામાં કામ કરીને બે ટંકનો રોટલો રળવા મથતા શ્રમિકો માટે સરકારે મહત્વનો આદેશ કર્યો છે. હવેથી ગરમીના સમયમાં મજૂરો, શ્રમિકો, કામદારોને બપોરના ૪ કલાક કામમાંથી મુક્તિ આપવી પડશે.
બપોરના સમયમાં ધોમધખતી ગરમી અને હીટવેવની અસર થતી હોય છે. આવી માથું ફાડી નાખે તેવી ગરમીમાં પણ શ્રમિકો કામ કરતા હોય છે. ખાસ કરીને કંસ્ટ્રકશનના કામમાં કામ કરતા શ્રમિકોની હાલત દયનીય બની જાય છે. ઘણાં શ્રમિકો પૈસા કમાવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને અગનભઠ્ઠી સમાન ગરમીમાં કામ કરતા હોય છે. આવા શ્રમિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત સરકારે મહત્વની ગાઈડલાઈન જાહેર કરી છે.
આ પણ વાંચોઃ મજૂરનો દીકરો મજૂર... જાણો દલિતની તુલનાએ સામાન્ય વર્ગના મજૂરોની હાલત 14 વર્ષમાં કેટલી સુધરી?
અનેક કોન્ટ્રાક્ટરો સૂચનનું પાલન નથી કરતા
સરકારે નિર્ણય કર્યો છે કે, હવે ધોમધખતી ગરમી અને હીટવેવના કારણે બપોરના એકથી સાંજના ચાર કલાક દરમ્યાન બાંધકામ તેમજ કોન્ટ્રાક્ટરોએ રાખેલા શ્રમિકોને કામમાંથી મુક્તિ આપવી પડશે. જો કોઈ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર ઈન્કાર કરે તો ખુદ શ્રમિક ફરિયાદ કરી શકશે. રાજ્યમાં ઘણી જગ્યાએ શ્રમિકોને હીટવેવની સ્થિતિમાં કામ કરવું પડે છે. અનેક જગ્યાએ કોન્ટ્રાક્ટરો સૂચનાઓનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.
ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પોયમેન્ટ એન્ડ એક્ટ હેઠળ બાંધકામ સાઈટમાં મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલા શ્રમિકોને ઉનાળાની સિઝનમાં લૂ લાગવાની શક્યતા રહેલી છે. તેથી આવી સાઈટો બપોરના સમયે બંધ કરવામાં આવે જેથી શ્રમિકોના આરોગ્યનું રક્ષણ થઈ શકે.
હેલ્પલાઈન નંબર 155372 પર ફરિયાદ કરી શકાશે
શ્રમિકોને વિવિધ જોખમો સામે રક્ષણ મળી રહે તે માટે આ કાયદા પ્રમાણે બપોરે ૧ થી ૪ કલાક દરમિયાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તડકાની સીધી અસર પડે છે, ત્યાં બાંધકામ પ્રવૃત્તિ કરાવનારા બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ અને કોન્ટ્રાક્ટરોએ શ્રમિકોને જૂન મહિના સુધી આ સમયગાળા પુરતો આરામ કે વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારના કાયદા પ્રમાણે આ સૂચનાનું પાલન નહીં કરવા બદલ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર જૂથ જવાબદાર ગણાશે અને તેમની સામે પગલાં લેવાશે. જ્યારે જે શ્રમિકને બપોરના સમયે કામ કરવા આગ્રહ કરવામાં આવે તે હેલ્પલાઈન નં. ૧૫૫૩૭૨ ઉપર ફરિયાદ નોંધાવી શકે છે.
આ પણ વાંચોઃ May દિન પૂછે છે: કામદારોની હાલત બહેતર કે બદતર?