ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર નિષ્ફળ, હોબાળા બાદ UGC-શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટીચિંગ, નોન ટિચીંગ પોસ્ટ પર અનામતને ખતમ કરવાનું સરકારનું ષડયંત્ર આખરે નિષ્ફળ નીવડ્યું છે. યુજીસીના એક ડ્રાફ્ટમાં જો અનામત બેઠકો પર કોઈ ભરતી ન થાય તો તેને સામાન્ય બેઠકોમાં ફેરવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેના પર હોબાળો મચી જતા આખરે યુજીસી અને શિક્ષણ મંત્રાલયે બેકફૂટ પર આવી નિવેદન જારી કરવું પડ્યું છે. વાંચો સમગ્ર અહેવાલ.

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર નિષ્ફળ, હોબાળા બાદ UGC-શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી
all images by Google images

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટીચિંગ, નોન ટિચીંગ પોસ્ટો પર અનામતને ખતમ કરવાનું સરકારનું ષડયંત્ર આખરે નિષ્ફળ નીવડ્યું છે. યુજીસીના એક ડ્રાફ્ટમાં જો અનામત બેઠકો પર કોઈ ભરતી ન થાય તો તેને સામાન્ય બેઠકોમાં ફેરવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેના પછી હોબાળો મચી જતા આખરે શિક્ષણ મંત્રાલયે બેકફૂટ પર આવી જતા નિવેદન જારી કરવું પડ્યું છે.
યુજીસીની સૂચનામાં જો અનામત કેટેગરીની બેઠકો ખાલી રહે તો તેને બિનઅનામત તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ હતો. આ ડ્રાફ્ટ બહાર આવતાં જ વિવાદ શરૂ થયો હતો. યુનિવર્સિટીઓથી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિરોધ શરૂ થયા બાદ હવે શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા જાહેર કરી છે. ગઈકાલે જારી કરાયેલી સ્પષ્ટતામાં મંત્રાલયે કહ્યું છે કે કોઈ પણ પોસ્ટને બિનઅનામત કરવામાં નહીં આવે. શિક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યું હતું કે, "સેન્ટ્રલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ (ટીચર્સ કેડરમાં અનામત) એક્ટ, 2019 મુજબ શિક્ષક સંવર્ગમાં તમામ સીધી ભરતીની જગ્યાઓ માટે કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત પ્રદાન કરવામાં આવે છે. આ અધિનિયમના અમલ પછી, કોઈપણ અનામત પદની અનામત નાબૂદ કરવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રાલયે તમામ કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ (CEIs) ને 2019 એક્ટ મુજબ ખાલી જગ્યાઓ ભરવા માટે નિર્દેશ આપ્યો છે.”


UGC ના ડ્રાફ્ટમાં શું છે?
ડ્રાફ્ટની ગાઈડલાઈન જણાવે છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં SC, ST અને OBC ના પૂરતા ઉમેદવારો ન હોય તો અનામત રદ કરવાની પ્રક્રિયાને અનુસરીને બેઠકો રદ કરી શકાય છે. આ પછી આ સીટો જનરલ કેટેગરી માટે ખોલવી જોઈએ. ડ્રાફ્ટમાં અનામત ખાલી જગ્યાઓ અને બેકલોગમાં ઘટાડા અંગે પણ વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીઓએ વહેલી તકે બીજી વખત ભરતી બોલાવીને ખાલી જગ્યાઓ ભરવાનો પ્રયાસ કરવો જોઈએ.

યુજીસી કાર્યાલય, નવી દિલ્હી


પ્રમોશનના કિસ્સામાં જો અનામત ભરતી સામે પ્રમોશન માટે પૂરતી સંખ્યામાં SC અને ST ઉમેદવારો ઉપલબ્ધ ન હોય, તો આવી ખાલી જગ્યાઓને બિનઅનામત કરી શકાય છે અને અન્ય કેટેગરીના ઉમેદવારો દ્વારા ભરવામાં આવી શકે છે. અનામત હટાવવાની દરખાસ્ત પર UCG અને શિક્ષણ મંત્રાલયની ઓથોરિટીએ સમહમતિ દર્શાવી હતી.


UGCના ચેરમેને પણ સ્પષ્ટતા કરવી પડી
આ મામલે વિવાદ વધતાં યુજીસીના ચેરમેન પ્રોફેસર એમ. જગદીશ કુમારે પણ સ્પષ્ટતા કરવી પડી હતી કે કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ (CEIs) માં અનામત કેટેગરીના પદો માટે અનામત ભૂતકાળમાં પણ રદ કરવામાં આવી નથી અને આવી કોઈ પણ અનામત આગળ પણ નાબૂદ કરવામાં આવશે નહીં. તેમણે એમ પણ પોસ્ટ કર્યું હતું કે,  'એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે ભૂતકાળમાં કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત શ્રેણીની કોઈ પણ જગ્યાઓની અનામત નાબૂદ કરવામાં આવ્યી નથી અને આવી કોઈ અનામત નાબૂદ કરવામાં આવશે નહીં.'' તેમણે કહ્યું કે તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે એ સુનિશ્ચિત કરવું મહત્વનું છે કે અનામત કેટેગરીનો બેકલોગ નક્કર પ્રયત્નોથી ભરવામાં આવશે.

એમ. જગદીશ કુમાર - ચેરમેન, યુજીસી


UGCએ 27 ડિસેમ્બર 2023 એ ગાઈડલાઈન બહાર પાડી હતી
આ નીતિને લાગુ કરવા માટે યુજીસીએ 27 ડિસેમ્બર 2023ના રોજ માર્ગદર્શિકા બહાર પાડી હતી. આ અંગે પબ્લિક ઓપિનિયન આપવા માટે 28 જાન્યુઆરી 2024 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.


ડ્રાફ્ટ માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં SC, ST અને OBC ના પૂરતા ઉમેદવારો ન હોય તો, અનામત રદ કરવાની પ્રક્રિયાને અનુસરીને બેઠકો રદ કરી શકાય છે. આ પછી આ સીટો જનરલ કેટેગરી માટે ખોલવી જોઈએ.


આ દલિત, પછાત વર્ગની અનામત ખતમ કરવાનું કાવતરું – કૉંગ્રેસ 
આ મામલે કૉંગ્રેસે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કૉંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે ડ્રાફ્ટની માર્ગદર્શિકા પર સવાલ ઉઠાવ્યા હતા. ગઈકાલે તેમણે કહ્યું હતું કે આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એસસી, એસટી અને ઓબીસીની અનામતને ખતમ કરવાનું ષડયંત્ર છે. 

જયરામ રમેશ - પ્રવક્તા, કૉંગ્રેસ


જયરામ રમેશે X પર પોસ્ટમાં લખ્યું હતું કે - મોદી સરકાર દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ માટે માત્ર દેખાડાની રાજનીતિ કરી રહી છે. થોડા વર્ષો પહેલા આરએસએસના વડા મોહન ભાગવતે અનામતની સમીક્ષા કરવાની વાત કરી હતી. હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એસસી, એસટી અને ઓબીસીને આપવામાં આવતી અનામતને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. યુજીસીનો આ પ્રસ્તાવ મોહન ભાગવતના ઈરાદાને અનુરૂપ છે અને દલિતો, આદિવાસીઓ અને પછાત લોકો સાથે સ્પષ્ટપણે અન્યાય છે. UGCની આ દરખાસ્ત દ્વારા મોદી સરકારનો અસલી ઈરાદો શું છે તે ફરી એકવાર બહાર આવ્યું છે. કોલેજો અને યુનિવર્સિટીઓમાં અનામત સમાપ્ત કરવાનો આ પ્રસ્તાવ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેને તાત્કાલિક પાછો ખેંચી લેવો જોઈએ.

આકાશ આનંદ, રાષ્ટ્રીય સંયોજક, બહુજન સમાજ પાર્ટી


આ અનામત ખતમ કરવાનું ષડયંત્ર, હું તેનો વિરોધ કરું છું – આકાશ આનંદ
બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આકાશ આનંદે પણ આ ડ્રાફ્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું કે હતું, “કેન્દ્ર સરકાર ભારતની શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત ખતમ કરવા માટે જે ગેરબંધારણીય પદ્ધતિ લાગુ કરવા માંગે છે તે સીધેસીધી OBC/SC/ST અનામતને ખતમ કરવાનું એક આયોજનબદ્ધ કાવતરું છે. આ ડ્રાફ્ટ કેન્દ્ર સરકારની જાતિવાદી માનસિકતાને ઉજાગર કરે છે, જે દેશના બહુજન સમાજને શિક્ષણથી વંચિત રાખવાના કાવતરાનો ભાગ છે. હું તેનો વિરોધ કરું છું. કેન્દ્ર સરકાર તરત આ નિર્ણય પાછો ખેંચે. અમે આવી દરખાસ્તો દ્વારા અમારા અધિકારોનું હનન નહીં થવા દઈએ.”

આગળ વાંચોઃ મહેસાણાના ધનપુરામાં જાતિવાદીઓ બેફામ, દલિત વરરાજાનો વરઘોડો રોકી ધોકા-લાકડીઓથી હુમલો કર્યો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.