કોંગ્રેસે ડો.આંબેડકરને ભારતરત્ન નહોતો આપ્યો : માયાવતી

બીએસપી સુપ્રીમોએ બંધારણના 75 વર્ષે સંસદમાં થઈ રહેલી ચર્ચા મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને સપા સહિતના પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસે ડો.આંબેડકરને ભારતરત્ન નહોતો આપ્યો : માયાવતી
image credit - Google images

બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચાલી રહેલી ચર્ચા પર ભાજપ, કોંગ્રેસ અને સપાને ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે બાબા સાહેબે રાજીનામું આપી દીધું હતું અને લોકસભામાં તેમના વિચારો રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કોંગ્રેસે તેમને બોલવા દીધા ન હતા. એ પછી તેમણે મીડિયા સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. માયાવતીએ કહ્યું કે, કોગ્રેસની સરકાર હતી ત્યારે ડો.આંબેડકર દરેક બાબતમાં લાયક હોવા છતાં કોંગ્રેસે તેમને ભારત રત્ન નહોતો આપ્યો. માન્યવર કાંશીરામના નિધન દરમિયાન કોંગ્રેસ સરકારે એક દિવસનો પણ રાષ્ટ્રીય શોક જાહેર નહોતો કર્યો. માયાવતીએ આ દરમિયાન ત્રણ મુખ્ય વાતો કહી.

'સપા-કોંગ્રેસના કારણે અનામત બિલ પાસ ન થઈ શક્યું'

બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું કે બંધારણ પર સંસદમાં ચાલી રહેલી ચર્ચામાં એસસી-એસટી, ઓબીસી સમાજના લોકો અને ખાસ કરીને અનામત વિશે જે કહેવામાં આવી રહ્યું છે તેમાં એક અંશ પણ સત્ય નથી. એ વખતે કોંગ્રેસની જ સરકાર હતી, જ્યારે સમાજવાદી પાર્ટીએ પ્રમોશનમાં અનામત બિલને ફાડીને સંસદમાં ફેંકી દીધું હતું અને તેનો ભારે વિરોધ કર્યો હતો અને બસપાએ આ બિલને પાસ કરાવવા માટે અથાગ મહેનત કરી હતી. જો કે, આ પક્ષોના કારણે આ બિલ હજુ સુધી પસાર થઈ શક્યું નથી.

'80 કરોડ લોકો રસ્તા પર રહેવા મજબૂર'

માયાવતીએ કહ્યું કે, જો સત્તામાં રહેલા પક્ષોએ બંધારણના નિયમોનું પાલન કરવામાં ઈમાનદારી અને દેશભક્તિ બતાવી હોત તો આજે દેશની આ હાલત ન હોત. આજે દેશમાં 80 કરોડ લોકોને બેરોજગારીને કારણે અનાજ અને આજીવિકાની શોધમાં રસ્તાઓ પર રહેવું પડે છે. હાલમાં દેશમાં વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, મજૂરો અને મહિલાઓ પોતાની સમસ્યાઓથી ચિંતિત છે. જો શાસક પક્ષોએ બંધારણનું યોગ્ય રીતે પાલન કર્યું હોત અને રોજગાર પર કામ કર્યું હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.

'દેશ ચલાવનારા લોકોએ બંધારણને નિષ્ફળ ગયા'

કોંગ્રેસ-ભાજપનું નામ લીધા વિના માયાવતીએ કહ્યું કે બંધારણ નિષ્ફળ ગયું નથી, પરંતુ દેશમાં સરકાર ચલાવી રહેલા લોકો અને પક્ષોએ બંધારણને નિષ્ફળ બનાવવાનું કામ કર્યું છે. માયાવતીએ કહ્યું કે જ્યારે સંસદમાં બંધારણ પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સમાન પ્રકારના આક્ષેપો થઈ રહ્યા હતા. બંને પક્ષો અમારા કરતાં તમે વધુ દોષી છો એમ સાબિત કરવામાં વ્યસ્ત રહી. 

અનામત પર માયાવતીએ કહ્યું કે બંને પાર્ટીઓ મળીને કોર્ટની આડમાં અનામત પર હુમલો કરી રહ્યાં છે. બીએસપી વડાએ આરોપ લગાવ્યો કે સત્તાપક્ષ અને વિપક્ષે પોત પોતાના અંગત સ્વાર્થ માટે બંધારણનું રાજનીતિકરણ કર્યું છે. સંસદમાં થયેલી ચર્ચા જોયા બાદ આવું જ જણાય છે. બસપાના વડાએ કહ્યું કે જો સત્તામાં રહેલી કોઈપણ પાર્ટી કોઈ ચોક્કસ સંસ્થાને લાભ આપવા માટે બંધારણમાં સુધારો કરે છે તો તેમની પાર્ટી તેનું સમર્થન કરશે નહીં.

આ પણ વાંચો: ઓબીસી સમાજના મસીહા કર્પૂરી ઠાકુરને મળશે ભારતરત્ન, જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ જાહેરાત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.