ગેરકાયદે અમેરિકામાં ઘૂસતા પકડાયેલા 90415 ભારતીયોમાં 50 ટકા ગુજરાતીઓ
અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા ગુજરાતીઓએ આડકતરી રીતે ગુજરાત મોડેલ અને કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી છે.
Gujarat model expose : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કથિત વિકાસની પોલ ખુદ તેમના જ હોમટાઉન ગુજરાતના લોકોએ ખોલી નાખી છે. સતત વધતી જતી બેરોજગારી, નોકરીની ઘટતી જતી તકો, મોંઘવારીથી કંટાળીને સેંકડો ગુજરાતીઓ અમેરિકામાં ગેરકાયદે ઘૂસી રહ્યાં છે. અમેરિકી કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના આંકડાઓ મુજબ મેક્સિકો અને કેનેડાના રસ્તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતાં કુલ મળીને 90415 ભારતીયો પકડાયાં છે જેમાં 50 ટકા જેટલા ગુજરાતીઓ છે.
ગુજરાતના વિકાસના દાવાઓની પોલ ગુજરાતીઓએ જ ખોલી
આ આંકડાઓ સ્વયં સ્પષ્ટ કરે છે કે, ગુજરાતનો કહેવાતો વિકાસ કેટલો ખોખલો છે. એક બે ઉદ્યોગપતિઓ માટે કામ કરતી ભાજપ અને પીએમ મોદીની નીતિઓને કારણે બેરોજગારી, મોઁઘવારી એ હદે વધી ચૂકી છે કે, સામાન્ય માણસ માટે જીવવું હરામ થઈ ગયું છે. એ સ્થિતિમાં થોડી ઘણી પણ બચત છે, તે ખર્ચીને પણ તેઓ વિદેશમાં સ્થાયી થઈ રહ્યાં છે. તેમને વીઝા નથી મળતા તેઓ ગેરકાયદે પણ અમેરિકામાં ઘૂસી રહ્યાં છે.
વર્ષ 2022 કરતા 2023માં વધુ ગુજરાતીઓ ભારત છોડ્યું
ગુજરાતીઓનો દંભ આમ પણ જાણીતો છે. વિદેશમાં બેઠા બેઠાં પીએમ મોદી અને ભાજપે કરેલા વિકાસની વાતો કરતા એનઆરઆઈને જો ખરેખર દેશ પ્રત્યે પ્રેમ હોય તો તેમણે અહીં પરત આવવું જોઈએ. પણ તેઓ એવું નહીં કરે, કેમ કે તેમને વાસ્તવિકતા શું છે તે ખબર છે. એટલે જ ગુજરાતીઓનું ભારતીય નાગરિકત્વ છોડવાનું પ્રમાણ પણ ધીરે ધીરે વધી રહ્યું છે. ગુજરાતમાં વર્ષ 2022માં 241 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. જે વર્ષ 2023માં બમણી થઈ ગઈ હતી અને 485 લોકોએ નાગરિકતા છોડી દીધી હતી. ચાલુ વર્ષની વાત કરીએ તો વર્ષ 2024માં મે મહિના સુધીમાં જ 244 ગુજરાતી ભારત છોડી ચૂક્યા છે.
9 વર્ષમાં 22300 ગુજરાતીઓ વિદેશોમાં સ્થાયી થયા
છેલ્લાં નવ વર્ષમાં 22300 ગુજરાતીઓ ભારતીય નાગરિકત્વ છોડીને અન્ય દેશોમાં ઠરીઠામ થયાં છે. ભારતીય નાગરિકત્વ છોડીને વિદેશ વસવાટ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યું છે. બેરોજગારી, રોજગારીની અપૂરતી તકો, ધંધામાં મંદી, મોંઘવારી, ટેક્સના નામે સરકાર દ્વારા ચલાવાતી ઉઘાડી લૂંટ સહિતના અનેક કારણોસર વધુને વધુ ગુજરાતીઓ ભારતીય નાગરિકત્વ છોડી રહ્યાં છે.
વિદેશમાં સ્થાયી થવાની ઘેલછાને લીધે વીઝા કૌભાંડો વધ્યાં
ગુજરાતીઓની વિદેશમાં સ્થાયી થવાની ઘેલછાને કારણે ગુજરાત સહિત દેશભરમાં વીઝા કૌભાંડો, છેતરપિંડીના કેસો વધ્યાં છે. છેલ્લાં એક જ મહિનામાં દસેક ઘટનામાં ગુજરાતીઓના રૂ. 20 કરોડથી વધુ લુંટાઈ ચુક્યાં છે અને આ આંકડો આ વર્ષે 250 કરોડને આંબી જાય તેવી પુરી શક્યતા છે. ગુજરાતમાં વિદેશમાં નોકરી, સ્થાયી નાગરિકતા, એર ટીકીટ બુકિંગ નામે છેતરપિડીં કરી ગુજરાતીઓના ખિસ્સામાંથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવી રહ્યા છે આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મોઘવારી, બેરોજગારી સહિતની અનેક સમસ્યાઓથી ત્રસ્ત ગુજરાતી યુવાનો ઉજજવળ ભવિષ્યની આશા સાથે વિદેશમાં કામ કરવા ઇચ્છતા હોય છે. વિદેશમાં વર્ક વિઝા મેળવવા ખૂબ જ અગત્યના હોય છે. જેનો લાભ લઈને લેભાગુ તત્વો વર્ક વિઝાના નામ પર ગુજરાતના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. જો કે સવર્ણો માટે કામ કરતી સરકારને તેની પણ કોઈ પરવા નથી.
આ પણ વાંચોઃ અમેરિકામાં વીઝા માટે 5 ગુજરાતીઓએ મોટું કૌભાંડ આચર્યું