નકલી વેબસાઈટ બનાવી કાશી વિશ્વનાથના દર્શનના નામે છેતરપિંડી
કાશી વિશ્વનાથ મંદિરમાં ઓછા ખર્ચે દર્શન અને પૂજા કરાવવાની પરવાનગીના નામે નકલી વેબસાઈટથી પૈસા પડાવવાનું ષડયંત્ર સામે આવ્યું છે.
ઉત્તરપ્રદેશના કાશી વિશ્વનાથ મંદિરમાં ઓછા ખર્ચે દર્શન અને પૂજા કરાવી આપવાની ખાતરી આપી પૈસા પડાવી લેતી નકલી વેબસાઈટનો પર્દાફાશ થયો છે. આ મામલે મોડે મોડે મંદિર તંત્રને જાણ થતા તેણે પોલીસને ફરિયાદ કરી છે.
કાશી વિશ્વનાથ ધામ સંકુલમાં લોકોને ઓછા ખર્ચે દર્શન અને પૂજા કરવાની પરવાનગી આપવાના નામે નકલી વેબસાઇટ બનાવીને પૈસા કમાઈ લેવાતા હોવાનું મંદિર વહીવટી તંત્રની જાણમાં આવ્યું હતું. જેની નોંધ લઈને મંદિર તંત્રએ વારાણસી પોલીસ પ્રશાસનને ફરિયાદ કરી છે.
કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસન વતી વારાણસી પોલીસના ડેપ્યુટી કમિશનરને ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં નકલી વેબસાઇટ અને પોર્ટલ સામે વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશના રોજગારમંત્રી નકલી SC સર્ટિ પર ચૂંટણી જીતી મંત્રી બની ગયા?
આ બાબતે કાશી વિશ્વનાથ મંદિરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિશ્વભૂષણ મિશ્રાએ એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કાશી વિશ્વનાથ મંદિરમાં ઓનલાઈન દર્શન અને બુકિંગ સિસ્ટમ સંબંધિત માત્ર એક જ વેબસાઈટ છે. પણ અમુક લોકોએ આવી નકલી વેબસાઈટ બનાવીને લોકોને છેતરવાનું શરૂ કરી દીધું છે. અમે આ મામલે પોલીસને જાણ કરી છે.
કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન ડિસેમ્બર ૨૦૨૧માં થયું હતું. જે બાદ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા પહોંચી રહ્યાં છે. આવી સ્થિતિમાં મહત્વની તારીખો સિવાય સામાન્ય દિવસોમાં પણ મંદિરમાં વધુ ભીડ હોય છે. મંદિર પ્રશાસન ઓનલાઈન દર્શન અને પ્રોટોકોલ દ્વારા દર્શનની સુવિધા પણ પૂરી પાડે છે. પરંતુ આ દરમિયાન અમુક લોકોએ નકલી વેબસાઇટ્સ અને પોર્ટલના નામે કેટલાક લોકો મંદિરની સત્તાવાર વેબસાઇટના નામે છેતરવાનું ચાલુ કરી દીધું છે. લોકો ઝડપથી દર્શનની સુવિધા મેળવવાની લાલચમાં આવી નકલી વેબસાઈટ પર પૈસા ભરીને છેતરપિંડીનો ભોગ બની રહ્યાં છે. જેને લઈને હવે મંદિરના વહીવટીતંત્ર દ્વારા પોલીસને જાણ કરી તપાસ કરવા કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: બોલો લો! કેદારનાથ મંદિરમાંથી 228 કિલોગ્રામ સોનું ગુમ થયું