બોલો લો! કેદારનાથ મંદિરમાંથી 228 કિલોગ્રામ સોનું ગુમ થયું
હિંદુઓની આસ્થાના કેન્દ્ર એવા કેદારનાથ ધામમાંથી અબજો રૂપિયાની કિંમતનું 228 કિલોગ્રામ સોનું ગુમ થઈ ગયું છે.
ધર્મના નામે ધંધો કરવાનો અને પોતાનો સ્વાર્થ સાધી લેવાની એકેય તક આપણે ત્યાં છોડવામાં આવતી નથી. આવું જ કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક એવા કેદારનાથમાં પણ જોવા મળ્યું છે. જ્યાં અબજો રૂપિયાની કિંમતનું 228 કિલોગ્રામ સોનું ગુમ થઈ ગયું છે. આ આરોપ કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પરંતુ જ્યોતિમઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે લગાવ્યો છે. પત્રકારોને સંબોધન કરતા તેમણે આ મોટો ઘટસ્ફોટ કર્યો હતો. સાથે જ તેમણે દિલ્હીમાં કેદારનાથધામને ખસેડવાને લઈને પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.
દિલ્હીના બુરારીમાં કેદારનાથ મંદિરના નિર્માણ સામે દેશના અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે હવે તેમાં જ્યોતિમઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કેદારનાથમાં સોનાનું મોટું કૌભાંડ થયું છે, પણ મીડિયામાં તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી? તેમણે પૂછ્યું, "ત્યાં કૌભાંડ થયા પછી હવે દિલ્હીમાં કેદારનાથનું નિર્માણ થશે. પછી ત્યાં કૌભાંડ થશે."
અવિમુક્તેશ્વરાનંદે વધુમાં કહ્યું, "કેદારનાથમાંથી ૨૨૮ કિલો સોનું ગુમ થયું છે. આજ સુધી તેના પર કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી. આના માટે કોણ જવાબદાર છે? હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેદારનાથ દિલ્હીમાં જ બનશે, આવું ન થઈ શકે."
આ પણ વાંચો: દલિત અત્યાચાર મામલે સ્વામિનારાયણના ‘પ્રગટ બ્રહ્મસ્વરુપો’ ચૂપ કેમ રહે છે?
પીએમ મોદી પર પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે, "તે મારી પાસે આવ્યા અને શપથ લીધા હતા. અમે તેમને આશીર્વાદ આપ્યા. નરેન્દ્ર મોદી અમારા દુશ્મન નથી. અમે તેમના શુભચિંતક છીએ, હંમેશા તેમનું કલ્યાણ ઈચ્છીએ છીએ. જ્યારે તે કોઈ ભૂલ કરશે ત્યારે અમે તેના વિશે બોલીશું."
ઉલ્લેખનીય છે કે, મોહમાયાથી દૂર થઈને સાધુ જીવન જીવતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બાદ શનિવારે ૧૩ જુલાઈ, ૨૦૨૪ના રોજ આયોજિત આશિર્વાદ સમારોહમાં પહોંચ્યા હતા, જ્યાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા બાદ પીએમ મોદી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પાસે ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ગઈકાલે શિવસેના(યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેને મળવા મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાન માતોશ્રી પહોંચ્યા હતા. બેઠક બાદ શંકરાચાર્યએ કહ્યું હતું કે "ઉદ્ધવ સાથે દગો થયો છે. તે (ઉદ્ધવ) આ બાબતથી દુઃખી છે. હિંદુ ધર્મ સાથે સૌથી ખરાબ બાબત વિશ્વાસઘાત છે. આપણા બધાંના હૃદયમાં પણ આ પીડા અનુભવાય છે."
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, "અમે તેમને કહ્યું છે કે જ્યાં સુધી તમે ફરીથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બનો ત્યાં સુધી આ પીડા ચાલુ રહેશે. દગો કરનાર હિંદુ ન હોઈ શકે. જે વિશ્વાસઘાત સહન કરે છે તે હિન્દુ હોઈ શકે છે. ઉદ્ધવે કહ્યું છે કે તે અમારા આશીર્વાદ પ્રમાણે કરશે."
ઉલ્લેખનીય છે કે, આ શંકરાચાર્યજી સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા છે. જો કે તેઓ દેશમાં દલિતો, આદિવાસીઓ કે લઘુમતી સમાજ પર થતા હુમલાઓ, અત્યાચારો વિશે કદી કશું બોલ્યા હોય અને બહુમતી હિંદુઓને સૌ સાથે સમાનતાથી વર્તવા આહવાન કર્યું હોય તેવું કોઈ નિવેદન ધ્યાનમાં નથી. સાથે જ તેમણે કદી આભડછેટ નાબૂદી માટે પણ કદી કોઈ પગલું ભર્યું હોય તેવું યાદ નથી આવતું. સાધુ તો સંસાર દૂર અલિપ્ત જીવન જીવતા હોય છે, પણ સ્વામીજીથી સંસાર છુટતો હોય તેમ લાગતું નથી, તેઓ મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં જાય છે, રાજકારણમાં રસ ધરાવે છે.
આ પણ વાંચો: મહાદેવ મંદિરમાંથી તસ્કરો હજારોની કિંમતના વાસણો ચોરી ગયા