સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે વેપારી સાથે 2.63 કરોડની છેતરપિંડી
અમદાવાદના એક વેપારી સાથે સ્વામીનારાયણ મંદિર બનાવવાના નામે એક સાધુ સહિત 9 લોકોએ મળીને રૂ. 2.63 કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે.
ધર્મની આડમાં ધંધો વિકસાવનારા તત્વોનો ગુજરાતમાં જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે. દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં ધર્મની આડમાં છેતરપિંડી કે ધંધા કરી લેવાની વૃત્તિના કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. આવી જ એક ઘટનામાં લેભાગુ તત્વોએ અમદાવાદના એક વેપારી સાથે મંદિર સ્વામીનારાયણ મંદિર બનાવવાના બહાને રૂ. 2.63 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે સ્વામીનારાયણ મંદિર બનાવવાના નામે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સાવલી ખાતે ૬૦૦ વીઘા જમીનના ખોટા એમઓયુ કરી અમદાવાદના વેપારી પાસેથી પહેલા ૩.૭૫ કરોડ લઈ લેવામાં આવ્યા હતા. જેમાં જે. પી. સ્વામી નામના એક સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સહિત નવ ઇસમોની સંડોવણી સામે આવી છે. હાલ સાત આરોપીઓ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ મામલાની મળતી વિગતો મુજબ, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્ર પટેલ વેપાર તેમજ જમીન લે વેચનો ધંધો કરે છે. તેમને ત્રણેક વર્ષ અગાઉ જમીન લે વેચના દલાલ મહેન્દ્ર ઝંખવાડીયા મળ્યા હતા. તેમણે ભૂપેન્દ્રભાઈને, સ્વામીનારાયણ મંદિર બનાવવા માટે કઠલાલ તાલુકાના લસુન્દ્રા, વિશ્વનાથપુરા સાવલી ખાતે ૬૦૦ વીઘા જમીન જોઈએ છે તેમ જણાવ્યું હતું. તેમણે ભૂપેન્દ્રભાઈની જે. પી. સ્વામી સહિત આઠ લોકોનો સંપર્ક કરાવી વિશ્વાસમાં લઈ જમીનના ખોટા એમઓયુ કર્યા હતા.
આ પણ વાંચોઃ સ્વામી મારા સિવાય બીજી છોકરીઓને પણ ગંદી નજરથી જોતા હતા...
એમઓયુ પેટે રૂ. ૩.૭૫ કરોડ લીધા બાદ ભૂપેન્દ્રભાઈએ આ લોકોનો સંપર્ક કરતા કોઈ હકારાત્મક જવાબ આપતા નહોતા. બાદમાં ત્રણ ઈસમોએ રૂ. ૧.૧૨ કરોડ પરત આપ્યા હતા. જ્યારે બાકી પડતા રૂ. ૨.૬૩ કરોડ નહીં મળતા તેમજ તે બાબતે કોઈ જવાબ નહીં આપતા ભૂપેન્દ્રભાઈને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર મામલામાં ભૂપેન્દ્ર પટેલની ફરિયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં સુરતના લાલજી ઢોલા, નીતિન ઈટાલીયા, સુરેશ ગોરી તથા ધોળકાના મનસુરખાન પઠાણ તથા અમદાવાદના મહેન્દ્ર ઝંખવાડીયા, સુરેશ ભરવાડ અને મફાભાઈ ભરવાડનો સમાવેશ થાય છે.
ખેડાના એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે અમદાવાદના ફરિયાદી ભૂપેન્દ્ર પટેલે છેતરપિંડી અને વિશ્વાસઘાત બાબતમાં ફરિયાદ કરી છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આશરે નવ લોકો સામેલ છે. નવે નવમાંથી તમામનો રોલ શું છે એ અંગે વિગતવાર તપાસ કરાશે.
આગળ વાંચોઃ સ્વામિનારાયણ સાહિત્ય વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓથી ભરેલું છે