ઈસ્કોન મંદિરે નિવૃત્ત આર્મીમેનની દીકરીને શિષ્ય સાથે ભગાડી ગોંધી રાખી
ઈસ્કોન મંદિરના સ્વામીઓએ દીકરીનું બ્રેઈનવોશ કર્યાનો આરોપ. પિતાએ દીકરીને શોધી કાઢવા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ દાખલ કરી.
ઈસ્કોન મંદિર અને તેના સ્વામીઓ પર આંધળો વિશ્વાસ કરીને પોતાના સંતાનો તેમને હવાલે કરી દેતા વાલીઓ માટે ફરી એકવાર આંખ ખોલનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા એક નિવૃત્ત આર્મીમેને હાઈકોર્ટમાં એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હેબિયસ કૉર્પસ પિટિશન દાખલ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમની યુવાન દીકરીને ઈસ્કોન મંદિરના સ્વામીઓ દ્વારા બ્રેઈનવોશ કરીને ગોંધી રાખવામાં આવી છે. દીકરી દેખાવડી અને હોંશિયાર હોવાથી ઈસ્કોન મંદિરના સ્વામીઓએ તેનું બ્રેઈનવોશ કરીને પરિવારથી દૂર કરી દીધી હોવાનો પણ પિતાએ આરોપ મૂક્યો છે.
આર્મીમેન પિતાનું કહેવું છે કે, તેમને બે દીકરા અને એક પુખ્ત વયની દીકરી છે. દીકરીને ભક્તિભાવમાં રસ હોવાથી તે અમદાવાદના એસ.જી.હાઇવે સ્થિત ઇસ્કોન મંદિરમાં જતી હતી. જ્યાં સુંદરમામા પ્રભુ નામના સ્વામીના સંપર્કમાં આવતા તેમને ગુરૂ માનતી હતી. સુંદરમામા તેને કૃષ્ણલીલાનો બોધ આપતા હતા. ઇસ્કોન મંદિર પર વિશ્વાસ હોવાથી તેઓ દીકરીને ત્યાં જવા દેતા હતા. પરંતુ, ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે યુવાન દીકરીઓનું બ્રેઇન વોશ કરવામાં આવે છે. ત્યાંના સ્વામીઓ પોતે કૃષ્ણ છે એવો આડંબર કરે છે અને ઇસ્કોનમાં રહેતી 600 દીકરીઓ ગોપી હોય તેમ દીકરીઓને જણાવે છે. ગુરુના મહત્વને માતા-પિતા કરતા ચઢિયાતું જણાવે છે.
દીકરીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સુંદરમામાએ દીકરી સુંદર અને હોંશિયાર હોવાથી તેને ઇસ્કોન મંદિરમાં રાખવાની છે તેમ જણાવી તેને પોતાના શિષ્ય સાથે પરણાવી દો તેમ કહ્યું હતું. પરંતુ અરજદાર પોતે રાજપુરોહિત જાતિના હોવાથી અન્ય જાતિમાં પરણાવવા ના પાડી હતી. ત્યારબાદ તેમને ધમકીઓ મળવા લાગી હતી.
નિવૃત્ત આર્મીમેન પિતાએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એ પછી તેમની દીકરીને ભડકાવીને 23 તોલા સોનું અને 3.62 લાખ રૂપિયા રોકડા લઈને મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દેવામાં આવી છે. હાલ તેમની દીકરી ઉતર પ્રદેશના મથુરા ખાતે જ રહે છે, એવી તેમની પાસે માહિતી છે. રાજસ્થાનના એક ઇસ્કોનવાસીએ અરજદારને જણાવ્યું હતું કે, તેની દીકરીને એરપોર્ટ ઉપર મૂકવા પણ ગયા હતા. આ ધર્મ અને ઈશ્વરનું અપમાન છે.
અરજદારની દીકરી જૂન મહિનાના અંતમાં ભાગી ગઈ હતી. જુલાઈ મહિનામાં પોલીસ કમિશનર, કાયદા મંત્રી અને ગૃહ મંત્રીને અરજી આપવામાં આવી હતી. અગાઉના વકીલે હેબિયસ કૉર્પસની જગ્યાએ ફરિયાદના નિર્દેશ માંગતી અરજી કરી હતી પરંતુ, પુત્રીને ગેરકાનૂની રીતે ગોંધી રાખવામાં આવી છે. હાઈકોર્ટ આ સંદર્ભે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી જાન્યુઆરી મહિનામાં રાખી છે. આ ઘટનાએ ફરી એકવાર ઈસ્કોન મંદિરની પ્રવૃત્તિઓને ઉઘાડી પાડી દીધી છે. જો કે, ભક્તિના નશામાં ચૂર બની ગયેલા લોકો આ બાબતમાંથી કોઈ બોધપાઠ લે તેવી શક્યતા ઓછી છે.
આ પણ વાંચો: સ્વામી મારા સિવાય બીજી છોકરીઓને પણ ગંદી નજરથી જોતા હતા...