જીવદયા ક્ષેત્રે કામ કરતું ‘સમસ્ત મહાજન ટ્રસ્ટ’ માણસ પ્રત્યે આટલું ઝેરીલું કેમ હશે?

પત્રકારત્વના ઓઠાં તળે કેટલાક જાતિવાદી તત્વો લેખકના સ્વાંગમાં દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ પ્રત્યે ઝેર ઓકતા હોય છે. અહીં આવો જ એક કિસ્સો રજૂ કરીએ છીએ, જેનો નિવૃત્ત આઈપીએસ રમેશ સવાણીએ પર્દાફાશ કર્યો છે.

જીવદયા ક્ષેત્રે કામ કરતું ‘સમસ્ત મહાજન ટ્રસ્ટ’ માણસ પ્રત્યે આટલું ઝેરીલું કેમ હશે?
image credit - Ramesh Savani

- રમેશ સવાણી

આપણા લેખકો કેટલાં ઝેરીલા હોય છે, કેટલાં પૂર્વગ્રહથી ભરેલા હોય છે, કેટલી સડેલી માનસિકતા ધરાવતા હોય છે તેનો એક નમૂનો ધ્યાનમાં રાખવા જેવો છે. 


‘દિવ્યભાસ્કર’ના કોલમિસ્ટ, પત્રકાર-લેખક સંજય વોરાએ ‘સન્માર્ગાનુંસારી’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે શૂદ્રો, દલિતો વિરોધી વાંધાજનક, અપમાનજનક, શરમજનક બાબતો લખી છેઃ જેમ કે, [1] પહેલાના જમાનામાં શિક્ષકો માત્ર બ્રાહ્મણો જ રાખવામાં આવતા હતા. જેઓ તપોવનમાં આપણા બાળકોને ભણાવતા હતાં અને સારા સંસ્કાર આપતા હતાં. પણ હાલ અનામતને કારણે નીચલા વર્ણના લોકો શિક્ષક બન્યા છે. તેઓ આપણા છોકરાને ખરાબ સંસ્કાર આપે છે! [2] જૂના જમાનામાં સમાજના હલકા વર્ણના લોકો અને ખાસ કરીને હરિજનો જ માંસાહાર અને મદિરા સેવન કરતા હતાં. તેથી તેમનો દરજ્જો ઉતરતો ગણવામાં આવતો હતો! [3] આધુનિક કેળવણી લેનારા લોકોના મનમાં એ વાત ઠસાવી દેવામાં આવી છે કે, અસ્પૃશ્યતા આપણા દેશનું કલંક છે. તેને કારણે હવે બિનઆરોગ્યપ્રદ વ્યવસાયો કરતા લોકો પણ હોટલમાં આવી ખાય છે. અને તેમના એંઠા પ્યાલામાં તંદુરસ્ત ગ્રાહકો પણ પાણી પી ને પોતાના આરોગ્યને ભયમાં મૂકી દે છે! [4] આજના શિક્ષણમાં ભારતની સંસ્કૃતિના ઘણાં પ્રશસ્ત રીતિરિવાજોની ટીકા કરવામાં આવી છે. તેમાં બાળવિવાહ, દહેજ પ્રથા, સતીપ્રથા, વિધવા-અવિવાહ, અસ્પૃશ્યતા જેવા સુંદર રિવાજોની ટીકા કરવામાં આવે છે. જે બધાં નિયમો વૈજ્ઞાનિક નિયમોને આધારે ઘડવામાં આવેલ છે. પણ પશ્ચિમના કેળવણીકારો તેના રહસ્યો સમજતા ન હોવાને કારણે ટીકા કરતા પાઠો શિક્ષણમાં ઘૂસાડી દેવામાં આવ્યા છે! [5] અસ્પૃશ્યતાની બાબતમાં પણ આધુનિક કેળવણી લીધેલા આર્ય સંસ્કૃતિના લોકોમાં ગેરસમજ પ્રવર્તી રહી છે!”


સંજય વોરાએ દલિતો ઉપરાંત મહિલાઓ અને મુસ્લિમો અંગે પણ વાંધાજનક લખ્યું છે. સંજય વોરા એકલા જ આવું વિચારે છે એવું નથી; મોટાભાગના ગોડસેવાદીઓ, સાવરકરવાદીઓ, સંકુચિત સંપ્રદાયના ટીલાંટપકાં કરતા ભક્તો, કોર્પોરેટ કથાકારોના શ્રોતાઓ દલિતોને માણસ ગણતા નથી! દલિતોને માનવી તરીકેના મળતા હક્કો સામે ઈર્ષા કરીને તેઓ બળાપા કાઢતા હોય છે!


આવા સડેલા વિચારોનું પુસ્તક ‘સમસ્ત મહાજન ટ્રસ્ટ’ પ્રસિદ્ધ કરે અને લેખકનો હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં બચાવ કરવા દોડી જાય, એનાથી શરમજનક બાબત બીજી કોઈ હોઈ શકે? સામાજિક ન્યાય માટે લડત ચલાવનારા વાલજીભાઈ પટેલે 19 ફેબ્રુઆરી 2011ના રોજ અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં સંજય વોરા તથા સમસ્ત મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સામે એટ્રોસિટી એક્ટ કલમ- 3(1)(ix)/ 3(1)(x) તથા પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ એક્ટ 1955ની કલમ-7(1) તથા IPC કલમ- 153(1)/ 500/ 505(1)/ 120B હેઠળ FIR નોંધાવી હતી, જેની સામે સમસ્ત મહાજન ટ્રસ્ટ હાઈકોર્ટમાં ગયેલ જ્યાં તેમની હાર થયેલ. પછી તેઓ સુપ્રિમકોર્ટમાં ગયા ત્યાં પણ 9 જાન્યુઆરી 2024ના રોજ તેમની હાર થઈ છે. સુપ્રિમકોર્ટ સુધી સંજય વોરા અને બળૂકા ‘સમસ્ત મહાજન ટ્રસ્ટ’ સામે લડાઈ લડનારા વાલજીભાઈ પટેલ ખરેખર ધન્યવાદને પાત્ર છે! 


સંજય વોરા સામે કોર્ટમાં ચાર્જશીટ મૂકાયું છે, હવે એટ્રોસિટી કોર્ટમાં કેસ ચાલશે. દસ્તાવેજી પુરાવાઓ પૂરતા છે, એટલે લેખકને જેલમાં રહેવાના સંજોગો છે જ. માની લઈએ કે તેમને સજા થાય તો પણ સમસ્ત મહાજન ટ્રસ્ટ, પૈસાના જોરે હાઈકોર્ટ/સુપ્રિમકોર્ટમાં કેસને લટકાવી રાખશે.


દલિતો પ્રત્યે માનસિક ગંદકી/પ્રદૂષણ ફેલાવનાર ટ્રસ્ટને ગેરકાનૂની જાહેર કરવાની જરૂર નથી? શું અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે દલિતો પ્રત્યે ઝેર ઓકી શકાય? શું લેખક અને પુસ્તક પ્રસિદ્ધ કરનારને જેલમાં પૂરવાની જરુર નથી? 2011માં દાખલ થયેલ કેસને 2024 સુધી પૈસાના જોરે લટકાવી રાખ્યો; શું હવે સરકાર/પોલીસ સંજય વોરા અને તેમની ગેંગ સામે કોર્ટ સમક્ષ કડક કાર્યવાહી કરશે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે દલિતોના માનવ અધિકારની બાબત પાંજરાપોળ કરતાં હલકી લાગતી હશે? પાંજરાપોળ અને જીવદયા ક્ષેત્રે કામ કરતું ‘સમસ્ત મહાજન ટ્રસ્ટ’ માણસ પ્રત્યે આટલું ઝેરીલું કેમ હશે?

(લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી છે અને બહુજન સમાજના પ્રશ્નોને વાચા આપતો મજબૂત અવાજ છે.)

આ પણ વાંચોઃ જો બાબાસાહેબ મારા દાદાને ઔરંગાબાદ ન લાવ્યા હોત તો હું આજે આ જજની ખુરશી પર ન બેઠો હોત - જસ્ટિસ પ્રસન્ના

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.