દિલ્હી છોડો, અમદાવાદમાં 5000 ટ્યુશન ક્લાસ ભોંયરામાં ચાલે છે

દિલ્હીમાં ભોંયરામાં ચાલતા કોચિંગ ક્લાસમાં પાણી ભરાતા 3 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આવું અમદાવાદમાં થાય તો નવાઈ નહીં. આ રહ્યું કારણ.

દિલ્હી છોડો, અમદાવાદમાં 5000 ટ્યુશન ક્લાસ ભોંયરામાં ચાલે છે

દિલ્હીના એક કોચિંગ સેન્ટરમાં ભોંયરામાં ચાલતી લાઈબ્રેરીમાં વરસાદી પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. એ પછી અહીં બેઝમેન્ટોમાં ચાલતા બધાં ટ્યુશન ક્લાસીસને સીલ કરી દેવાયા હતા. પણ જો તમે અમદાવાદમાં નજર કરશો તો સ્થિતિ દિલ્હી કરતા પણ ભયાનક નજરે પડશે. કેમ કે અહીં 5 હજાર કરતા પણ વધુ ટ્યુશન ક્લાસો ભોંયરામાં ચાલે છે. આ સ્થિતિમાં જો ભારે વરસાદ આવે અને પાણી ભરાઈ જાય તો મોટી જાનહાનિ થવાની પુરી શકયતા છે. સવાલ એ છે કે, અમદાવાદ કોર્પોરેશન આવી ઘટના ઘટે તેની રાહ જોઈ રહી છે? આ ટ્યુશન ક્લાસીસની કોઈપણ પ્રકારની નોંધણી નથી, કોઈપણ પ્રકારની પરવાનગી નથી, કોઈ નીતિનિયમો નથી. અમદાવાદમાં પણ કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વગર આ પ્રકારના ક્લાસ ચાલે છે.

મોટા ભાગના વાલીઓ અને શિક્ષણ વિભાગે પણ હજુ દિલ્હીની ઘટનાને ગંભીરતાથી લઈ તેમાંથી કશો બોધપાઠ લીધો નથી. સંખ્યાબંધ કોચિંગ ક્લાસિસમાં સંખ્યાની કોઈ મર્યાદા વિના બેફામ રીતે વિદ્યાર્થીઓની ભરતી કરે છે. આજે પણ શિક્ષકો ટ્યૂશન નથી કરતાં એવી શાળાને લેખિત બાંહેધરી આપે છે, પરંતુ પાછલા બારણે બેરોકટોક ટ્યૂશન કરે છે. બીજી તરફ પ્રાઈવેટ શાળાઓમાં શિક્ષકોનો પગાર પણ એટલો ઓછો છે કે તેમણે જીવન નિર્વાહ ચલાવવા માટે ટ્યુશનનો આધાર લેવો પડે છે.

આ પણ વાંચો: JEEમાં 824મો રેન્ક મેળવ્યો છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવે છે

ટ્યૂશનમાં બાળકની સુરક્ષાના નિયમોને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. નિયમ મુજબ એક વર્ગમાં એક વિદ્યાર્થીને બેસવા માટે આઠ ચોરસ ફૂટ જગ્યા જોઈએ, જેથી તેને પૂરતો ઓક્સિજન મળી શકે. આ માંગણી લોકો શાળા પાસે કરે છે પરંતુ જ્યારે તેમનું બાળક ટ્યુશનમાં ભણવા જાય છે ત્યાં આવા કોઈ સુરક્ષાના કે મોકળાશના નિયમો નથી હોતા છતાં ચલાવી લે છે.

શાળાની તોતિંગ ફી ભરીને ટ્યૂશનમાં મોકલતા વાલીને પ્રાથમિકમાં વિષય દીઠ એક હજાર રુપિયા પ્રતિ માસ ચૂકવવા પડે છે. જ્યારે હાઈસ્કૂલમાં આ ભાવ પ્રતિ વિષય રૂ. ૧૫૦૦ છે. ક્લાસીસ ચલાવતા એક શિક્ષકના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ત્રણેક હજાર ટ્યુશન ક્લાસિસ એવા છે કે જ્યાં શિક્ષકો કોમ્પ્લેક્સમાં ભણાવે છે. એક સમય એવો હતો કે માત્ર બેકારીનો સામનો કરતો બી.એડ.નો શિક્ષક જ ટ્યુશન કરવા જતો. પરંતુ આજે આ ક્ષેત્રમાં સૌથી વધુ એન્જિનિયરો ટ્યૂશન કરાવી રહ્યાં છે. ચોતરફ બેરોજગારીની ભીંસ વધતા હવે વાલીઓ પણ તેમના બાળકોને ભગવાન ભરોસે આવા ખતરનાક ટ્યુશન ક્લાસિસમાં મૂકવા મજબૂર બન્યાં છે.

આ પણ વાંચો: વિકાસ દિવ્યકીર્તિ અને અવધ ઓઝાનું અસલી ચરિત્ર સામે આવી ગયું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.