વિકાસ દિવ્યકીર્તિ અને અવધ ઓઝાનું અસલી ચરિત્ર સામે આવી ગયું

દિલ્હીની એક IAS એકેડેમીની લાઈબ્રેરીમાં પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે, આ ઘટનાએ વિકાસ દિવ્યકીર્તિ અને અવધ ઓઝાનું અસલી ચરિત્ર સામે લાવી દીધું છે.

વિકાસ દિવ્યકીર્તિ અને અવધ ઓઝાનું અસલી ચરિત્ર સામે આવી ગયું
image credit - Google images

દિલ્હીના ‘Rau's IAS Study Circle’ના બેઝમેન્ટની લાઈબ્રેરીમાં 27 જુલાઈ 2024ના રોજ સાંજના 6.45 વાગ્યે એકાએક વરસાદી પાણી ભરાતા UPSC પરીક્ષાની તૈયારી કરતા 3 વિદ્યાર્થીઓ, શ્રેયા યાદવ(આંબેડકરનગર) તાન્યા સોની(હૈદરાબીદ) અને નિવિન દાલવિન(કેરલ)ના મોત થઈ ગયા. સવાલ એ છે કે UPSCની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસની કોઈ જવાબદારી હોય કે નહીં? તગડી ફી લે છે, છતાં જવાબદારી ખંખેરી નાખવાની? 

કેટલાંક યુવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો કે ‘કોચિંગ ગુરુ અવધ ઓઝા અને વિકાસ દિવ્યકીર્તિ’એ આ ઘટના અંગે એક ટ્વિટ સુદ્ધાં નથી કર્યું, સાવ ચૂપ થઈ ગયા છે!’ યુવાનો અવધ ઓઝા અને વિકાસ દિવ્યકીર્તિના મોટિવેશનલ વીડિયોમાંથી પ્રેરણા લેતા હોય છે. એટલે યુવાનોને અપેક્ષા રહે છે કે 3 વિદ્યાર્થીઓના મોત બાબતે તેઓ ખોંખારીને બોલે. ઘટના ‘Rau's IAS Study Circle’ની છે, એટલે કદાચ ચૂપ રહ્યા હશે! શું એમનું મોટિવેશન અને જ્ઞાન માત્ર એક ધંધાકીય બાબત બની ગઈ છે? શું તેઓ સાચા શિક્ષક છે? શું વિદ્યાર્થીઓ જેને પોતાના આદર્શ માને છે, તે માત્ર પૈસાની જ ચિંતા કરે છે? વિદ્યાર્થીઓની આશા તૂટી રહી છે, કેમકે જેમની પર વિશ્વાસ કરતા હતા તેમણે મૌન ધારણ કરી લીધું છે, કથની અને કરણીમાં અંતર કેમ? અવધ ઓઝા, વિકાસ દિવ્યકીર્તિ વિદ્યાર્થીઓનો અવાજ જરૂર બની શકે, પરંતુ ખરા સમયે મૌન રહેનારા ગુનામાં ભાગીદાર બને છે.

શું UPSCની તૈયારી ઘેર રહીને ન થઈ શકે? કોચિંગ ક્લાસનો ઉદ્યોગ બંધ કરાવવાની જરુર નથી? શા માટે કોલેજ અને યુનિવર્સિટીના કેમ્પસમાં આ સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી માટેની વ્યવસ્થા ન હોય? શું યુનિવર્સિટીઓની લાઈબ્રેરી કંગાળ છે? કોચિંગ લેવું પડે તે શિક્ષણ વ્યવસ્થાની ખામી નથી? 

ગુજરાતમાં તો જ્ઞાતિ વાઈઝ કોચિંગ ક્લાસ ખોલવાની હરિફાઈ થઈ છે. ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને’ માત્ર હિન્દુ સમાજના દીકરા કે દીકરીઓ માટે UPSC કે GPSCની તૈયારી માટે ‘IAS Academy’ શરૂ કરી છે. આ એવું શિક્ષણ છે જે જ્ઞાતિવાદ, ધર્મવાદને મજબૂત કરે છે. તેમાંથી કોઈ IAS, IPS બને તો તે સમાજ માટે ખતરનાક જ હોવાનો. મોટા ભાગના જ્ઞાતિ વાઈઝ, મંદિર વાઈઝ કોચિંગ ક્લાસ ચલાવનારાઓ પોતાની ગોડસેવાદી-ક્રીમિનલ છાપ પર સહેલાઈથી કલઈ કરી લેતા હોય છે. સરકારે જ્ઞાતિ, ધર્મ વાઈઝ અને ધંધાદારી કોચિંગ ક્લાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને આની વ્યવસ્થા યુનિવર્સિટીના કેમ્પસમાં ઊભી કરવી જોઈએ.

આ પણ વાંચો:  ગીર સોમનાથના DDO બોગસ વિકલાંગતા પ્રમાણપત્ર પર IAS બન્યાં?

જ્યાં બેઝમેન્ટમાં આટલું પાણી ભરાઈ જતું હોય ત્યાં લાઈબ્રેરી માટે મંજુરી આપનાર કોણ? શું આ ભ્રષ્ટાચારનો કિસ્સો નથી? પૈસા લઈને બેઝમેન્ટમાં ધધંધાદારી પ્રવૃતિની છૂટ આપવાની? મહાનગરપાલિકા ટેક્સ વસૂલે છે તો તેમની જવાબદારી થાય કે નહીં? દરેક વખતે સિસ્ટમનો વાંક કાઢી બેસી રહેવાનું? આ 3 યુવાનોના મોત માટે જવાબદાર છે ‘Rau's IAS Study Circle’ના માલિક તથા દિલ્હી મહાનગર પાલિકા. વાલીઓએ અને જાગૃત નાગરિકોએ એક થઈને કોર્ટ સમક્ષ વળતરનો મોટો દાવો માંડવો જોઈએ જેથી બીજા ધંધાદારી કોચિંગ ક્લાસવાળા આપોઆપ સુધરી જાય.

સરકારી, અર્ધસરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં થનગનાટ હોય છે. પોલીસનો યુનિફોર્મ, રીવોલ્વર અને મામલતદારનો મોભો જોઈને સપનાઓ જોવા લાગે. યુવક-યુવતીઓ, IAS-IPS થવા માટે કોચિંગ ક્લાસમાં જોડાય છે; પરંતુ કોચિંગ ક્લાસમાં જવાથી નોકરી મળી જતી નથી. શું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘરબેઠાં કરી શકાય? કઈ રીતે કરી શકાય?

સર્વપ્રથમ કઈ પોસ્ટ માટે તમે તૈયારી કરો છો, તે ધ્યાનમાં લો. ઉદાહરણ તરીકે વર્ગ-1 માટે તમે તૈયારી કરી રહ્યા છો, તો તેનો સિલેબસ જુઓ. અગાઉના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરો. વિષય મુજબ અલગ અલગ નોંધ તૈયાર કરો. સંદર્ભ પુસ્તકો મેળવો; તે માટે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, સંસ્થાની લાઇબ્રેરીનો ઉપયોગ કરો. કેરિયર મેગેઝિન જોઈ લેવાં. યાદ રહે કે માત્ર કેરિયર મેગેઝિન વાંચવાથી સફળતા ન મળે; કેમકે આ મેગેઝિન સૌ સ્પર્ધકો વાંચતા હોય છે. તમારે બીજા કરતા આગળ રહેવું હોય તો કેરિયર મેગેઝિન સિવાય સંદર્ભ પુસ્તકો વાંચવા જ પડે. આ બધી તૈયારી ઘરે બેઠાં થઈ શકે છે. જેનામાં વર્ગ-1 ના અધિકારી બનવાની મહત્વાકાંક્ષા છે, તેના પગ પાનના ગલ્લા તરફ નહીં, લાઇબ્રેરી તરફ જ ઉપડે. ન્યૂઝ પેપરમાં મોટાભાગે કચરો હોય છે, તેની પાછળ સમય ન બગાડો. ગુજરાતી અખબારોમાં સામાજિક પ્રશ્નો પ્રત્યે નિસબત ધરાવનાર લેખકોને વાંચો. લોકપ્રિય કોલમઘસુઓને વાંચવાથી સમય બગડશે.

‘નિરીક્ષક’, ‘નયામાર્ગ’, ‘ભૂમિપુત્ર’, ‘અર્થાત્’ની પ્રત્યેક લીટી વાંચો અને જરૂરી મુદ્દાઓ નોંધી લો. આ ટેવ તમને બીજા સ્પર્ધકથી આગળ લઈ જશે. અખબારોમાં ચર્ચાપત્ર લખો. સુબોધ શાહનું પુસ્તક ‘Culture Can Kill’ વાંચવા જેવું છે, તેનો ગુજરાતી ભાવાનુવાદ ગોવિંદ મારુના ‘અભિવ્યક્તિ’ બ્લોગ ઉપર વાંચવા મળશે, તેને ડાઉનલોડ કરીને નિરાંતે વાંચો; તેનાથી ‘ક્લેરિટી’ આવશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે ‘ક્લેરિટી’ તો જોઈએ જ.

વાંચતા થાકી જાવ તો થોડીવાર કુદરતને નીરખો. મનન કરો. ફેસબૂક, ગૂગલ સર્ચ કરી જે તે મુદ્દા અંગે માહિતી એકત્ર કરી ડાઉનલોડ કરી અલગ અલગ ફોલ્ડરમાં સેવ કરો. રેફરન્સ માટે કામ લાગે. સોશિયલ મીડિયામાંથી સેક્યુલર, સમાનતા, સ્વતંત્રતા, સામાજિક ન્યાય, સમાજવાદ, માનવીય ગૌરવ, રાષ્ટ્રની એકતા, અખંડિતતા, બંધુતા-આદર-પ્રેમ, લોકશાહી, સાર્વભૌમત્વ અંગેના વિચારોનું ભાથું બાંધો. વર્ગ-1ની પરીક્ષા માટે વિચારભાથું અગત્યનું છે. વિચારભાથું હશે તો નિબંધમાં વિચારવિસ્તારમાં ઊંડાણ આવશે; જવાબો સચોટ લખાશે. આ વિચારભાથું કોચિંગ ક્લાસમાંથી મળતું નથી; ત્યાં માત્ર ટેકનિક મળે. યાદ રહે ટેકનિક કરતા વિચારનું મહત્વ વધારે છે. પરીક્ષા આપતા મિત્રો સાથે સંપર્કમાં રહો, મુદ્દાઓની ચર્ચા કરો. નવી જાણકારી નોટબૂકમાં ટપકાવી લો. જેટલું લખશો તેટલો વધુ ફાયદો થશે. લખવાની પ્રેક્ટિસ કરવી જ પડે. પરીક્ષા હોલમાં જ લખીએ તે માનસિકતા ન ચાલે. આ બધું ઘરબેઠાં સહેલાઈથી વિના ખર્ચે થઈ થઈ શકે છે. વૈજ્ઞાનિક-રેશનલ અભિગમ કેળવો; સફળતા બિલકુલ નજીક આવશે. હનુમાનદાદાના મંદિરે કે બીજા ધર્મસ્થાનકોએ જવાથી નિષ્ફળતા તદ્દન નજીક આવશે.

રમેશ સવાણી (લેખક પૂર્વ આઈએએસ અને રેશનલ વિચારધારાના પક્ષધર છે)

આ પણ વાંચો: UPSCની શિક્ષિકાએ અકબરને રામ કરતા શક્તિશાળી રાજા ગણાવતા વિવાદ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.