છ કરોડ મનુષ્યો અસ્પૃશ્ય હોય એ દેશને આઝાદીનો અધિકાર ખરો?
કાકોરી ટ્રેન લૂંટ કાંડના શહીદ રામપ્રસાદ બિસ્મિલે અસ્પૃશ્યતા, હિંદુ-મુસ્લિમ એકતા વિશે જે સવાલો ઉઠાવેલા તે આજે 100 વર્ષ પછી પણ જેમના તેમ ઉભા છે.
ચંદુ મહેરિયા
kakori train robbery Centenary year: સો વરસ પૂર્વે ૧૯૨૫માં બ્રિટિશ શાસન દરમિયાન ટ્રેનમાંથી ૪૬૭૯ રૂપિયા, ૧ આનો અને ૬ પાઈની લૂંટ કરવામાં આવી હતી. સરકારી ખજાનાની લૂંટના આરોપસર ૪૦ લોકોની ધરપકડો થઈ હતી. તેમાંથી ચારને ફાંસીની, બે ને કાળાપાણીની અને બીજા ચૌદને ચારથી ચૌદ વરસ સુધીની જેલની સજા થઈ હતી. આશરે પાંચેક હજાર રૂપિયાની લૂંટ બદલ ગોરી હકુમતે આઠ લાખ રૂપિયા જેટલો અધધ ખર્ચ કર્યો હતો. કેમ કે તેના માટે આ કોઈ સામાન્ય લૂંટ નહોતી. આ કૃત્ય ભારતના ક્રાંતિવીરોનું હતું. સરકારને તેમાં સમ્રાટ સામે સશસ્ત્ર યુધ્ધનો પડકાર લાગ્યો હતો. તેથી તેણે ચારને ફાંસી જેવી આકરી સજા કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં કાકોરી કાંડ(Kakori kand) તરીકે જાણીતી ઘટનાનું આ શતાબ્દી વરસ છે. એટલે તેના સ્મરણ સાથે મૂલ્યાંકન અને પુનર્મૂલ્યાંકનનો પણ અવસર છે.
સાબરમતીના સંતે 'બિના ખડગ બિના ઢાલ' આઝાદી અપાવી છે તે સાચું પણ આઝાદી આંદોલનમાં ક્રાંતિકારીઓનું ય યોગદાન અને ભૂમિકા રહેલાં છે. અહિંસક સત્યાગ્રહી અને સશસ્ત્ર ક્રાંતિકારી બંને આઝાદી માટે લડ્યા હતા. ગાંધીની અહિંસાના માર્ગે દેશને આઝાદી નહીં મળે અને હિંસાથી જ તે શક્ય છે તેવું માનનારા ઘણાં ક્રાંતિવીરો ફાંસીના માંચડે ચડી ગયા હતા. ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટ કાંડના અગ્રણી રામપ્રસાદ ‘બિસ્મિલ’(Ramprasad Bismil) ( ૧૧ જૂન, ૧૮૯૭ - ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭) સ્વાતંત્ર્ય ચળવળની ક્રાંતિકારી ધારાનું પ્રમુખ નામ છે. તેઓ કવિ, લેખક, અનુવાદક પણ હતા. ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં જન્મેલ રામપ્રસાદ ‘બિસ્મિલ’ (અર્થાત આત્મિકરૂપે આહત) ના તખલ્લુસથી કવિતાઓ લખતા હતા. પછી તો ઉપનામ જ તેમની ઓળખ બની ગયું હતું. આરંભિક શિક્ષણ ઉર્દૂમાં લીધા પછી તે હિંદી –અંગ્રેજી ભણ્યા. જોકે ભણવામાં બહુ પાછળ હતા. ખોટી સોબતે ચોરી અને વ્યસનો પણ વળગ્યા હતા. પરંતુ આર્ય સમાજના રંગે રંગાયા પછી જીવનની દિશા બદલાઈ. સ્વામી સોમદેવને ગુરુ પદે સ્થાપ્યા. તેમણે જ બિસ્મિલને ઉપનિવેશવાદ વિરોધી સંઘર્ષ તરફ વાળ્યા અને તેમનામાં સરફરોશીની તમન્ના જગવી હતી. ભણતર તો બહુ વહેલું છૂટી ગયું પણ આઝાદી અને તે ય હિંસાના માર્ગ તરફનું ખેંચાણ કાયમ રહ્યું હતું.
કાકોરી ટ્રેન લૂંટ કાંડ રામપ્રસાદ બિસ્મિલ(Ramprasad Bismil)ના નેતૃત્વમાં પાર પડ્યો હતો. ક્રાંતિકારીઓના સંગઠન હિંદુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના તેઓ સ્થાપક સભ્ય હતા. કાકોરી કાંડના આરોપી તરીકે લખનૌ અને ગોરખપુરની જેલમાં બિસ્મિલે આત્મકથા લખી હતી. ’ નિજ જીવન કી એક છટા’ નામે આત્મકથનની હસ્તપ્રત ચોરીછૂપી જેલની બહાર આવી હતી. તેમાં બિસ્મિલના જન્મથી ફાંસીના ત્રણ દિવસ પૂર્વે સુધીના જીવનનું બયાન છે. સો પૃષ્ઠ, ચાર ખંડ અને ૨૯ પ્રકરણોની આ આત્મકથા તેમની શહાદતના બીજા વરસે જ, ૧૯૨૮માં, કાનપુરથી ગણેશ શંકર વિદ્યાર્થીએ પ્રગટ કરી હતી. આત્મકથામાં કાકોરી કાંડ અને તે પછીની ઘટનાઓ તથા તે સંબંધી તેમનું ચિંતન અને ચિંતાઓ સ્પષ્ટપણે આલેખાયા છે. બહુ ઓછું ભણેલો, માંડ ત્રીસ વરસની આવરદા ભોગવી શકેલો એક યુવા ક્રાંતિવીર કઈ હદે વૈચારિક પ્રતિબધ્ધતા અને પાકટતા ધરાવી શકે તેનો ખ્યાલ આ આત્મકથા આપે છે.
આ પણ વાંચો: ખેલદિલીનાં રમત મેદાનો કે ભેદભાવનાં ભારખાનાં?
મૈનપુરી ષડયંત્રમાં પણ રામપ્રસાદ આરોપી હતા. એટલે તેઓ ફરાર થઈ ગયા હતા. ભૂગર્ભવાસ દરમિયાન તેમણે પુસ્તક લેખન અને પ્રકાશનના વિચારો કર્યા. આજે નવાઈ લાગે તેવી વાત એ છે કે બિસ્મિલે પુસ્તકો લખી- વેચી તેમાંથી જે નાણાં ઉપજ્યા તેના શસ્ત્રો ખરીદ્યા હતા! અગિયારેક વરસના જાહેરજીવન દરમિયાન તેમણે અગિયાર મૌલિક કે અનૂદિત પુસ્તકો લખીને પ્રકાશિત કર્યા હતા. આ બધા પુસ્તકો કાં તો પ્રતિબંધિત ઠરાવાયા હતા કે જપ્ત થયા હતા. પરંતુ તે લખવા, છાપવા, વેચવા પાછળનો તેમનો હેતુ લોકજાગ્રતિનો તો હતો જ, સશસ્ત્ર ચળવળ માટે નાણાં ઉભા કરવાનો ખાસ હતો. ૧૯૧૬માં અઢારેક વરસના બિસ્મિલ કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં ગયા હતા. તે પછીના લગભગ તમામ અધિવેશનોમાં તે હાજર રહેતા હતા. જોકે કોંગ્રેસના જહાલ નેતાઓ તરફ તેમનું સ્વાભાવિક આકર્ષણ હતું.
ક્રાંતિકારીઓની ધરપકડો, જેલવાસ અને ફાંસી છતાં નવજવાનો હિંસાના રસ્તે આઝાદી મેળવવા આવતા રહેતા હતા. પરંતુ આ કામ માટે જરૂરી નાણાની સતત ખેંચ રહેતી હતી. બે અમીરોને ત્યાં ચોરી કે લૂંટ કરી પણ ખાસ કશું મળ્યું નહીં. એટલે ટ્રેનમાં લઈ જવાતા સરકારી ખજાનાની લૂંટ કરવાનું નક્કી કર્યું. નવમી ઓગસ્ટ ૧૯૨૫ના દિવસે બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં(Ashfaq Ullah Khan), રાજેન્દ્ર લાહિડી(Rajendra Lahidi), ચંદ્ર શેખર આઝાદ(Chandrasekhar Azad) અને બીજા છ મળી કુલ દસ લોકોએ કાકોરી કાંડને અંજામ આપ્યો હતો. લખનૌ નજીકના કાકોરી રેલવે સ્ટેશને(Kakori Railway Station) સહરાનપુર લખનૌ પેસેન્જર ટ્રેનનું ચેન પુલિંગ કરી તેને રોકી, આજની એ કે ૪૭ જેવી જર્મન બનાવટની ચાર માઉજર પિસ્તોલથી ગાર્ડના ડબ્બામાંથી સરકારી ખજાનાની પેટી લૂંટીને ક્રાંતિકારીઓ ભાગ્યા હતા. આ ઘટનાએ દેશભરમાં ઉહાપોહ મચાવ્યો હતો. ક્રાંતિકારીઓની આ હિંમતથી અંગ્રેજ સરકાર પણ હચમચી ગઈ હતી. એટલે તેણે ફાંસી જેવું આકરું પગલું લીધું.
બિસ્મિલ અશફાક ઉલ્લા ખાં વિશે શું લખે છે?
આત્મકથામાં બિસ્મિલે અશફાક માટે એક પ્રકરણ ફાળવ્યું છે. સરકારે અશફાકને ફાંસીની સજા કરી એના દુ:ખ સાથે તેમને પોતાનો જમણો હાથ ગણાવ્યા તે દોસ્તીનું ગૌરવ કર્યું છે. અંતિમ પ્રકરણમાં બિસ્મિલે લખ્યું છે કે તેઓ પ્રાણ ત્યાગતાં એ વાતે નિરાશ નથી કે તેમનું બલિદાન વ્યર્થ ગયું છે. પરંતુ સવાલ પણ કર્યો છે કે અશફાક ઉલ્લા કટ્ટર મુસલમાન થઈને પાકા આર્યસમાજી રામપ્રસાદના ક્રાંતિકારી દળનો આધારસ્તંભ બની શકે છે તો નવા ભારતમાં સ્વતંત્રતાના નામે હિંદુ-મુસલમાન પોતાના નાનાનાના લાભનો વિચાર છોડીને કેમ એક ના થઈ શકે?
હિંદુ-મુસ્લિમ એકતા જ અમારી યાદગાર અને અંતિમ ઈચ્છા છે તેમ સ્પષ્ટ લખનાર બિસ્મિલને કાકોરીની શતાબ્દી ટાણે આપણે કઈ હિંદુ-મુસ્લિમ એકતા અર્પણ કરીશું? હથિયારધારી બિસ્મિલ અને તેમના ક્રાંતિકારી વિચારો એ રીતે પણ મહત્વના છે કે અંતિમ સમયે તેમને કોંગ્રેસ અને અહિંસાનું મહત્વ સમજાયું છે અને તે બેબાક વ્યક્ત પણ કર્યું છે. ક્રાંતિકારીઓને જનસમર્થન ઓછું મળ્યાના બળાપા સાથે તેમણે ભારતના નવયુવાનોને નમ્ર નિવેદન કર્યું હતું કે જ્યાં સુધી ભારતવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે નહીં જ્યાં સુધી તેમને કર્તવ્ય-અકર્તવ્યનું જ્ઞાન ના હોય ત્યાં સુધી તે અજાણતા પણ કોઈ ક્રાંતિકારી ષડયંત્રોમાં ભાગ ના લે.
અસ્પૃશ્તા વિશેના બિસ્મિલના વિચારોને છુપાવી રખાય છે
બિસ્મિલે બલિદાનના ત્રણ દિવસ પૂર્વે એવી હાર્દિક અપીલ દેશવાસીઓને કરી હતી કે હિંદુ-મુસલમાન સહિત બધા એક થઈને કોંગ્રેસને જ પોતાની પ્રતિનિધિ સંસ્થા માને. કોંગ્રેસ જે નક્કી કરે તેને બધા જ લોકો દિલથી સ્વીકારે અને અમલ કરે. જો આમ કરીશું તો સ્વરાજ ઢુકડું છે. પરંતુ જે સ્વરાજ મળે તેમાં (એ વખતની વસ્તી પ્રમાણેના) છ કરોડ અછૂતોને શિક્ષણ અને સામાજિક અધિકારોમાં સમાનતા મળે તેમ પણ તે ઈચ્છે છે. જે દેશમાં છ કરોડ મનુષ્યોને અસ્પૃશ્ય ગણવામાં આવતા હોય એ દેશના લોકોને સ્વાધીન થવાનો અધિકાર ખરો? તેવો આકરો સવાલ પણ તે પૂછે છે. બિસ્મિલના બોલ યાદ કરી તેનો અમલ કરી શકીએ તે જ બિસ્મિલ, અશફાક અને કાકોરીના શહીદોનું શતાબ્દીએ સાચું સ્મરણ અને તર્પણ હશે.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સાહિત્યના તલસ્પર્શી અભ્યાસુ છે.)
આ પણ વાંચો: Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?