શશી થરૂરનું પુસ્તક ‘Ambedkar: A Life’ - કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ
મહામાનવ-ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર પર સતત અને સતત લખાતું જ રહ્યું છે. ‘Ambedkar: A Life’ દ્વારા થરૂરે આપણા ઈતિહાસપુરુષને આલેખવાનો પ્રયાસ કર્યો છે.
- નટુભાઈ પરમાર
શશી થરુર, અજાણ્યું નહિ પણ ચર્ચિત નામ છે. UN-યુનાઈટેડ નેશન્સના પૂર્વ અન્ડર સેક્રેટરી જનરલ, ભારત સરકારના માનવ સંશાધન અને વિદેશી બાબતોના પૂર્વ મંત્રી, પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ અધ્યક્ષ, થિરૂઅનંતપુરમ્ (કેરાલા)થી ચૂંટાતા રહીને લોકસભામાં લાંબા સમય સુધી સંસદ સભ્ય રહેલા શશી થરૂર, દેશ-વિદેશમાં સૌથી વધુ વંચાતા લેખક પણ છે - ‘The Great Indian Novel’, ’An Era of Darkness-The British Empire in India’ `Why I am Hindu’, ‘What It Means to Be Indian’ કે પછી ‘The Paradoxical Prime Minister Narendra Modi and his India’ જેવા બેસ્ટસેલર ૨૪ પુસ્તકોના આ પ્રતિભાવંત લેખક એમના વધુ એક પુસ્તક ‘Ambedkar: A Life’ સાથે આપણી વચ્ચે છે.
અનોખા પાર્લામેન્ટેરિયન એવા શશી થરૂર, એમના ઈન્દ્રધનૂષી લેખનને કારણે ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, રામનાથ ગોએન્કા પત્રકારત્વ ઍવોર્ડ, ક્રોસવર્ડ લાઈફટાઈમ એચીવમેન્ટ ઍવોર્ડ, પ્રવાસી ભારતીય સન્માન અને ન્યુ એજ પોલીટીશીયન્સના અનેકવિધ બહુમાન મેળવી ચૂક્યા છે.
સુજ્ઞ વાચકો સુવિદિત છે એમ ક્યારેક એમના પુસ્તકો સિવાયના કારણોસર પણ શશી થરૂર ચર્ચાના કેન્દ્રમાં હોય છે! કિન્તુ તેઓ જ્યારે કોઈ વિષય પર કલમ ઉપાડે છે ત્યારે પ્રાપ્ય તે તમામ સંદર્ભોના અભ્યાસ અને પાકી તપસીલ પછી, જે તે વિષય પર તેઓ લખતા હોય છે. ‘Ambedkar: A Life’ માંથી પસાર થનારા હરકોઈ વાચકને એની પ્રતીતિ થશે.
એક મહાકાવ્ય જેવું જીવન જીવી ગયેલા અને જેમણે લખેલું - કહેલું ૧૭૫૦૦ (આંબેડકરના લખાણો અને વક્તવ્યોના આટલા પૃષ્ઠોનો આંકડો થરૂરે પૃષ્ઠ ૧૪૧ પર આપેલો છે !) પૃષ્ઠોમાં જગતચોકમાં વિસ્તરેલું પડેલું છે, એ મહામાનવ-ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર પર સતત અને સતત લખાતું જ રહ્યું છે. આજે તો એમના પરના આંતરરાષ્ટ્રીય પ્રકાશનોની પણ ભરમાર છે. મારા મતે ‘Ambedkar: A Life’ દ્વારા થરૂરે આપણા ઈતિહાસપુરુષને આ પહેલાં નહિ ચર્ચાયેલા અનેક દૃષ્ટિબિંદુઓથી આલેખવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો:બહુજન ન્યૂઝ પોર્ટલનો શુભારંભ: નિતાંત આવશ્યક છે આપણા પોતાના અવાજનું હોવું
Aleph Book Company (રૂપા પબ્લિકેશન્સ) દ્વારા પ્રકાશિત ૨૨૫ પાનાંના, રૂપિયા ૫૯૯ની કિંમતના આ પુસ્તકની Bibliography (ગ્રંથસૂચિ) જ દર્શાવે છે કે ‘Ambedkar: A Life’ લખતા શશી થરૂરે કેટલો ઊંડો અભ્યાસ કર્યો છે અને કેટલી જહેમત ઊઠાવી છે.
પુસ્તકને સાકાર કરતા સ્વાભાવિકપણે જ થરૂરને ડૉ. આંબેડકર લિખિત દળદાર ગ્રંથોની સાથે, એવા જ દળદાર ગાંધી સાહિત્યમાંથી પણ પસાર થવું પડ્યું છે!
જીવનમાં કદાચ પહેલવહેલી વાર ડૉ. આંબેડકર પર આમ લખવાનો નિર્ધાર કરનાર શશી થરૂરે, ડૉ. આંબેડકરના અભ્યાસમાં કોઈ કસર છોડી નથી, એમ આ પુસ્તક વાંચનારને જરૂર લાગશે.
બંધારણીય સભાની દિવસો સુધી ચાલેલી લંબાણ ડીબેટ (ચર્ચા), ધનંજય કીર - વસંત મૂન, હરિ નારકે, ચાંગદેવ ખૈરમોડે, એમ.એલ. શહારે જેવા પ્રખર આંબેડકરી વિદ્વાનોના, અનેક ભાગોમાં વહેંચાયેલા ગ્રંથો, એલિનોર ઝેલિયટ, ગેલ ઓમવેટ - ક્રિસ્ટોફર જેફરનોટ જેવા વિદેશી અભ્યાસીઓના ડૉ. આંબેડકરના પુસ્તકો / લખાણો, તળ ભારતના ભીખુ પારેખ, અરુંધતિ રોય, કાંચા ઈલૈયા જેવા આંબેડકરવાદીઓ, ભાલચન્દ્ર મુનગેકર-આનંદ તેલતુંબડે - યાશિકા દત્ત - દિલીપ મંડલ - કે. રાજુ - સૂરજ યેંગડે - યોગેશ મૈત્રેય - જેવા વિદ્યમાન આંબેડકરવાદી લેખકો, જ્યોતિરાવ ફૂલે (ગુલામગીરી)થી લઈ મૂલ્કરાજ આનંદ (ધ અનટચેબલ) અને દેશમાં દલિત સાહિત્યના ઉદગાતા સમા દયા પવાર, નામદેવ ઢસાળ, રાજા ઢાલે, ઓમપ્રકાશ વાલ્મિકી, ઉત્તમ ખોબ્રાગડે, ઉર્મિલા પવાર જેવા અનેક ખ્યાતિપ્રાપ્ત મરાઠી દલિત સાહિત્યકારોના સાહિત્યના પૂરા અભ્યાસે, થરૂરને ડૉ. આંબેડકર પર લખવાની હિંમત અને પ્રેરણા આપ્યાં હશે, એમ મને લાગે છે.
આ સિવાય આ પુસ્તક લખતા થરૂરે ધ હિન્દુ, ધ ટેલીગ્રાફ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ટ્રિબ્યુન જેવા અનેક પ્રમુખ રાષ્ટ્રીય દૈનિકોમાં તેમજ ધ વાયર, ધ પ્રિન્ટ, એએનઆઈ, ઝ્રદ્ગમ્ઝ્ર સહિતની અનેક વેબ/ન્યૂઝ ચેનલોમાં પ્રકાશિત/ પ્રસારિત થયેલા, ન માત્ર દલિત અત્યાચાર પરના કે દેશના દલિતોની હાલત પરના સમાચારો / લખાણો / ટિપ્પણીઓને ખપમાં લીધા છે, દલિતો સંબંધિત ન્યાયિક ચૂકાદાઓને પણ વંચાણે લીધા છે. દેશ અને વિદેશની યુનિવર્સિટીઓમાં ડૉ. આંબેડકર યા દલિતો પર રજૂ થયેલા શોધનિબંધો, થયેલ ચર્ચાઓ, નરેન્દ્ર મોદી સહિત રાજનેતાઓએ ડૉ. આંબેડકર કે દલિતો વિષયે આપેલા વક્તવ્યો તેમજ દલિતોના રાજકારણ, અર્થકારણ, સમાજકારણ અને આંબેડકરવિચારની વિસ્તૃત ચર્ચા કરતા લેખો / આલેખો અને દેશ-વિદેશના અગ્રીમ સામયિકોમાં વિદ્વાનોએ દલિતોના પ્રશ્ને રજૂ કરેલા વિચારોને પણ ખપમાં લીધા છે.
ઈરફાન હબીબ સરીખા ઈતિહાસકારોના અવલોકનો, પ્રમુખ દલિત આત્મકથાઓ, સંવિધાન ઘડ્યાના વર્ષો બાદ મ્મ્ઝ્ર ચેનલને ડૉ. આંબેડકરે આપેલ લંબાણ મુલાકાત (ઈન્ટરવ્યૂ), ડૉ. આંબેડકરે પોતાના જીવનકાળ દરમિયાન ચલાવેલા પાંચ જેટલા સામયિકોમાં વ્યક્ત કરેલા વિચારો, મહાત્મા ગાંધી સાથેના આંબેડકરના મતભેદો, ગોળમેજી પરિષદોમાં અને બંધારણીય સમિતિની બેઠકોમાં આંબેડકરે કરેલી રજૂઆતો, પ્રવર્તમાન સમયમાં દલિતો અને દલિતવિરોધીઓ દ્વારા સોસિયલ મિડિયામાં થતી ચર્ચાઓ વગેરેને ધ્યાને લઈને, જે સમયમાં આપણે શ્વસી રહ્યા છીએ, તે સાંપ્રતમાં ડૉ. બાબાસાહેબની પ્રસ્તૂતતા અને મૂલ્ય શું છે, એની બહુ જ તલસ્પર્શી હકીકતો થરૂરે તાદૃશ કરી છે.
આ પણ વાંચો:સત્તાની ગુરૂકિલ્લી: દલિતજન, બહુજન, સર્વજન
આ પુસ્તક વાંચનાર એ જોઈ શકશે કે ૨૦૨૨ સુધીના આવા ઘણાબધા સંદર્ભોને થરૂરે એમાં ટાંક્યા છે. પુસ્તકના બે-પાંચ પૃષ્ઠ જ એવા હશે, જેમાં જે તે પૃષ્ઠના લખાણની નીચે પાંચથી છ સંદર્ભો નહીં હોય. યાને પરફેક્ટ ફેક્ટ-ચેક પછી જ થરૂર પોતાના લખાણમાં આગળ વધ્યા છે. (ગુજરાતમાંથી ઘનશ્યામ શાહ અને ઉર્વીશ કોઠારી, એ બે જ નામો થરૂરના સંદર્ભોમાં જોવા મળે છે.)
બેમત નથી કે, ઊંડા અભ્યાસ, થકવી નાખતા સંશોધન અને (પૂર્વગ્રહ વિનાની) સમજદારી સાથે લખાયેલા Ambedkar: A Life પુસ્તક દ્વારા થરૂરનો પ્રયાસ તો ડૉ. બાબાસાહેબની ‘Larger than life’ પ્રતિભાને જ ઉજાગર કરવાનો છે. અને એથી - ત્યારે અને આજેય - ડૉ. આંબેડકરને અંગ્રેજોના પીઠ્ઠુ, ગાંધીના, હિન્દુઓના અને સ્વતંત્રતાના વિરોધી, આદિવાસીજનોના હિતો પ્રતિ ઉદાસીન એવા રાષ્ટ્રવિરોધી ચિતરવાની, અરુણ શૌરી (Work shipping False Godsના લેખક) સહિતના આંબેડકરવિરોધીઓએ કરેલી ટીકાઓના પણ બહુ સચોટ અને સટીક જવાબો આપણને આ પુસ્તકમાંથી સાંપડે છે.
પ્રબુદ્ધજનો ડૉ. આંબેડકરના જીવનસંઘર્ષ વિશેની ઘણીબધી હકીકતોથી પરિચિત હોઈ શકે છે. આમ છતાં આ પુસ્તક મારા મતે તેમને કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ કરાવવાને સક્ષમ જણાય છે.
સાવ નવી જ અને વણકહી-વણસાંભળી હકીકતો જેવી કે પ્રસિદ્ધ અદાકાર દિલીપકુમાર ડૉ. આંબેડકરને આર્થિક મદદ કરવા ચાહતા હતા, કિન્તુ ડૉ. આંબેડકરે અનિચ્છા વ્યક્ત કરી હતી, તે તથા અમેરિકાની રંગભેદ ચળવળના પ્રણેતા માર્ટિન લ્યૂથર કિંગ પત્ની સાથે (૧૯૫૯માં) ભારત (કેરાલા) આવ્યા અને તેમનો ‘અમેરિકાના અસ્પૃશ્ય’ તરીકે જાહેર પરિચય કરાવાયો ત્યારે તે ચોંકી ઉઠ્યા હતા, તે તથા મહાત્મા ગાંધીના અમેરિકન બાયોગ્રાફર (આત્મકથા કાર) લુઈ ફિશરના ડૉ. આંબેડકર માટેના એ ઉદ્ગારો કે, ‘ગાંધી વિરોધી અને પાકિસ્તાન તરફી, એમના જેવો કડવો ઝેર માણસ મેં જોયો નથી.’ એટલીસ્ટ હું તો પહેલીવાર વાંચી રહ્યો છું.
‘આજે ડૉ. આંબેડકર હયાત હોત તો આર.એસ.એસ., ભાજપ, આપ, કોંગ્રેસ, સહિતના પક્ષો, એમના નામને આગળ કરીને, કેવી તીવ્ર ગતિએ એમના વિચારોને ખતમ કરવાનો ખેલ પાડી રહ્યા છે, તે જોઈને આશ્ચર્યમાં ગરકાવ હોત !’ એવું માર્મિક નિરીક્ષણ રજુ કરતાં થરૂરના પુસ્તકનું સમાપન આ શબ્દોમાં થાય છે ‘Ambedkar today is larger than life, and nearly seven decades after his death, he keeps on growing.’
‘ડૉ. આંબેડકરે જેમને ઘણું આપ્યું છે ને જેઓ હજી તેમની પૂરી કદર કરી શક્યા નથી, એ ભારતીય પ્રજાને અર્પણ’ એ શબ્દોથી (એક અર્થમાં આંબેડકરના પ્રદાનને નહીં સ્વીકારનારી) ભારતીય પ્રજાને અર્પણ થયેલું આ પુસ્તક (૧) ડૉ. આંબેડકરનું જીવન અને (૨) તેમનો વિચારવારસો, એમ મુખ્યત્વે બે ભાગોમાં વહેંચાયેલું છે. આ બે વિભાગો હેઠળ પ્રથમ વિભાગમાં (૧) ડૉ. આંબેડકરના જન્મ વર્ષ ૧૮૯૧થી ૧૯૨૩, (૨) ૧૯૨૩ થી ૧૯૩૦, (૩) ૧૯૩૦ થી ૧૯૩૫, (૪) ૧૯૩૫ થી ૧૯૪૬ અને (૫) ૧૯૪૬ થી ૧૯૫૬ - ડૉ. આંબેડકરના મહાપરિનિર્વાણ વર્ષ, એમ વર્ષવાર- આ પાંચ તબક્કાના વર્ષોમાં જન્મથી માંડી મૃત્યુપર્યંતના સમયખંડમાં-ડૉ. આંબેડકરના જીવનમાં ઘટેલી ઘટનાઓને પોતાના વિશાળ વાંચનના સંદર્ભે ચકાસતાં - મૂલવતાં, મહામાનવ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જે છબિ તેમને પ્રાપ્ત થઈ, તેને જ થરૂરે વાચકો સમક્ષ આ પુસ્તક દ્વારા ધરી છે.
આ પણ વાંચો:શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?
‘Ambedkar: A Life’ ના મહત્વના અને શશી થરૂરની વિદ્વતા, અભ્યાસનિષ્ઠા, પ્રામાણિકતા અને મૂલ્યાંકનશક્તિના દર્શન કરાવતા બીજા વિભાગમાં ‘A Life Well Lived- જીવન જેમણે જીવી જાણ્યું’ શિર્ષક હેઠળના (૧) બંધારણવિદ ડૉ. આંબેડકર (૨) ડૉ. આંબેડકરનો લોકતાંત્રિક રાષ્ટ્રવાદ (૩) વિદેશોમાં ડૉ. આંબેડકરનો વ્યાપ (૪) ડૉ. આંબેડકરના આલોચકો (૫) આજના સંદર્ભે ડૉ. આંબેડકર અને (૬) ડૉ. આંબેડકરઃ એક મૂલ્યાંકન, જેવા છ પ્રકરણોમાં થરૂરે રજૂ કરેલા નિરીક્ષણો નિષ્પક્ષ હોવાની સાથે વિચારોત્તેજક પણ જણાય છે.
જોઈ શકાશે કે અરૂણ શૌરીએ નર્યા દ્વેષભાવથી આંબેડકરની કરેલી આલોચના અને શશી થરૂરે - આપણે ગ્રાહ્ય ગણીએ એવી કરેલી નુકતેચીનીમાં કેટલું અંતર છે.
અહીં, આ પુસ્તકમાંના આવા કેટલાક મહત્વના બિન્દુઓથી સુજ્ઞ વાચકોને અવગત કરાવવાનો મારો પ્રયાસ છે.
પુસ્તકના સ્વકથનમાં થરૂર લખે છે ‘ડૉ. આંબેડકર જેવી મહાન પ્રતિભા પર પ્રમાણમાં સંક્ષિપ્ત છતાં લોકભોગ્ય બને એવું જીવનચરિત્ર આપતાં મારે ન માત્ર વિપુલ માત્રામાં વિસ્તરેલા ડૉ. આંબેડકરના ખુદના લખાણોમાંથી કિન્તુ એટલી જ વિપુલ માત્રામાં રહેલા તેમના (ડૉ. આંબેડકર) પરના વિવિધ લેખકો-વિદ્વાનોએ લખેલા સાહિત્યમાંથી પણ પસાર થવું પડ્યું છે.’
પોતે દલિત નથી અને જાતિવાદનો પોતાને સીધો કોઈ પરિચય નથી છતાં અપ્રતિમ સિદ્ધિઓને વરેલા, ઈતિહાસના પ્રખર વિદ્વાન અને અત્યંત પ્રતિભાવંત વ્યક્તિત્વ નામે ડૉ. આંબેડકર પ્રતિના મારા આદર અને અહોભાવને કારણે જ હું આ જીવનચરિત્ર લખવાને પ્રેરાયો છું, એમ આમુખમાં કહેતા થરૂર એવો નિખાલસ એકરાર પણ કરે છે કે, ડૉ. આંબેડકરે સદેહે વેઠેલી યાતનાઓ - અપમાનોને તો કદાપિ નજરઅંદાજ કરી શકાય એમ નથી જ, છતાં આ પુસ્તક પાછળથી મારી ખરી પ્રેરણા તો ડૉ. આંબેડકરે જીવનભર કહેલા ને લખેલા વિદ્વતાપૂર્ણ શબ્દો જ છે.
આમુખમાં થરૂર એમ કહેવાનું પણ ચૂકતા નથી કે, દલિતો વિશે બીનદલિતો લખે એ કરતાં દલિતો ખુદ લખે એ વધારે અસરકારક હોય છે, એ હકીકતથી પોતે ભલીપેરે વાકેફ છે.
આગળ ઉલ્લેખ કર્યો તેમ ડૉ. આંબેડકરની જીવનયાત્રાની તલસ્પર્શી હકીકતોથી સુમાહિતગાર થવાને, થરૂર આ પુસ્તક લખતાં પહેલાં દળદાર આંબેડકરીય ગ્રંથોમાંથી પસાર થયા છે. આથી ડૉ. આંબેડકરના જન્મ વર્ષ ૧૮૯૧થી નિર્વાણવર્ષ ૧૯૫૬ સુધીના વર્ષોને આવરી લેતા આ પુસ્તકના વિભાગ-૧ હેઠળના તમામ પ્રકરણોમાં ડૉ. આંબેડકરના પૂરા જીવનકાળમાં ઘટેલી એ તમામ ઘટનાઓ કે જેનાથી સર્વસામાન્ય આંબેડકરી વાચક વાકેફ છે, તે અહીં પણ છે. જો કે અનેક દળદાર ગ્રંથોમાં વિસ્તરેલી ડૉ. આંબેડકરની જીવનયાત્રાની તુલનામાં થરૂરે કરેલું વિવરણ સ્વાભાવિકપણે જ ઘણું સંક્ષિપ્ત છે.
મારા મતે આ પુસ્તકનો જો કોઈ વિશેષ હોય તો તે છે, પોતાના વિશાળ વાંચનના બળે આ પુસ્તકના લેખન સારુ થરૂરે ખાસ જહેમત લઈ ને એકઠા કરેલા અનેક સંદર્ભો અને, ડૉ. આંબેડકરના જીવનકાળની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓને પોતાના આગવા દૃષ્ટિકોણથી જોઈને, પુસ્તકના પાને-પાને રજૂ કરેલું પોતાનું અર્થઘટન, અવલોકન અને આપેલો અભિપ્રાય.
ડૉ. આંબેડકરના જીવનકાળની એવી હકીકતો જે ઘટી હોય તો પણ શબ્દસ્થ નથી થઈ તે તથા પ્રવર્તમાન સમયમાં નવી નવી કલમો જે નવી નવી હકીકતો પર પ્રકાશ પાથરીને ડૉ. આંબેડકરની પ્રસ્તુતતાને અને તેમની બહુમૂલ્યતાને પુરવાર કરી રહી છે તે, આ પુસ્તકમાં એક વીજચમકારની જેમ આપણું ધ્યાન આકર્ષિક કરે છે.
હું કહીશ કે, આ પુસ્તકના વિભાગ-૨માં - ડૉ. આંબેડકરની સદેહે ઉપસ્થિતિ વિનાના આ સમયમાં - માનવસહજ મર્યાદાઓ સાથે પણ કાળની કસોટી પર ખરા ઉતરેલા ડૉ. આંબેડકરના વિચારવારસા પર અને તેમની પ્રસ્તુતતા પર થરૂરે રજૂ કરેલા મૌલિક ચિંતનમાં આ ચમકારા કંઈ વિશેષ વર્તાય છે! નમૂના દાખલ
આ પણ વાંચો:બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?
(૧) જ્યારે ઉચ્ચવર્ગીય દેશવાસીઓ માત્ર ‘બી.એ. (ફેઈલ)’ લખીને જ ગૌરવ લેતા હતા ત્યારે આંબેડકર બી.એ. પાસ થઈ ગયેલા! (પા. નં.૧૧)
(૨) ઘણાના મતે વિદેશોમાં અભ્યાસ કરેલો તેથી આંબેડકર શુટ-ટાઈ પહેરતા, કિન્તુ મારા મતે જન્મજાત થોપી દેવાયેલી પોતાની ઓળખ સામેનો એ એમનો વિદ્રોહ હતો. (પા.નં. ૨૬)
(૩) ૧૯૩૦ નવેમ્બરની ૧૨મી તારીખે લંડનમાં વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડના અધ્યક્ષપદવાળી ભવ્ય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો પંચમ જ્યોર્જે આરંભ કરાવ્યો ત્યારે, ૩૯ વર્ષીય ચશ્માધારી, મજબૂત બાંધાનો એક અસ્પૃશ્ય યુવાન બેફિકરાઈથી ત્યાં બેઠો હતો. ઊભા થઈને યુવાને કહ્યુઃ ‘બ્રિટીશ ઈન્ડિયા શાસન હેઠળની ૧/૫ વસ્તીના પ્રતિનિધિ તરીકે હવે હું આ સભાને સંબોધવા જઈ રહ્યો છું.’ (પા. નં. ૫૨)
(૪) અંગ્રેજોએ આ દેશની નિરક્ષરતા નિવારવા જો ઠોસ પગલાં લીધાં હોત તો આ દેશમાં અસ્પૃશ્ય કે પછાત એવો વર્ગ રહ્યો જ ન હોત, એવી મદનમોહન માલવિયાની દલીલ સામે આંબેડકરે કહ્યુઃ ‘મારી આટલી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત છતાં મને અસ્પૃશ્ય જ ગણવામાં આવે છે.’ (પા. નં. ૫૮)
(૫) ગોળમેજી પરિષદ દરમિયાનના ગાંધીના દલિતધ્વેષની આંબેડકરે બહુ આકરી ટીકા કરી હતી. એનાથી દિગમૂઢ બની ગયેલા ગાંધી દેશભરમાં અસ્પૃશ્યતા નિવારણ માટેના લાંબા પ્રવાસ પર નીકળી પડેલા ! (પા. નં. ૬૯)
(૬) પરિવારના આગ્રહને વશ થઈ કરવી પડેલી પિતાની મરણોત્તર ક્રિયામાં આંબેડકરે બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપવાને બદલે પોતાના ૪૦ વિદ્યાર્થીઓને જમાડ્યા હતા. (પા. નં. ૭૨)
(૭) ઈ.એમ.એસ. નામ્બુદિરીપાદે આંબેડકરને સંપૂર્ણ આઝાદીના નહિ કિન્તુ અસ્પૃશ્ય વર્ગની સિમિત આઝાદીના હિમાયતી ગણાવ્યા હતા. (પા. નં. ૮૭)
(૮) અસ્પૃશ્યો માટે ગાંધીએ આપેલો ‘હરિજન’ શબ્દ આંબેડકરને સ્વીકાર્ય નહોતો તેથી તેમણે બહિષ્કૃત, દલિત અને બંધારણની રચના બાદ અનુસૂચિત જાતિ શબ્દ સ્વીકાર્યો હતો. આમ છતાં ‘હરિજન’ શબ્દ સામેનો તેમનો વિરોધ આજીવન રહ્યો. (પા. નં. ૯૧)
(૯) ૧૯૪૬માં કેબિનેટ મિશન સાથે ક્રિપ્સ ભારત આવ્યા તેમણે અસ્પૃશ્યોના પ્રશ્ને આંબેડકરે આપેલા મેમોરેન્ડમનો અસ્વીકાર કરી, દેશમાં વચગાળાની સરકાર અને બંધારણ રચવા સમિતિની દરખાસ્ત કરી. જ્યાં સુધી બ્રિટીશરોને સંબંધ છે, એ તેમના અંતની શરૂઆત હતી,તો આંબેડકર માટે વધુ મોટા પડકારોની એ શરૂઆત હતી. (પા. નં. ૯૯)
(૧૦) પોતાની શૈક્ષણિક સંસ્થાની સ્થાપનાના કારણોસર આંબેડકર ઔરંગાબાદ આવેલા અને ત્યાં એ હોટલમાં રોકાયેલા, જેમાં પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા દિલીપકુમાર પણ રોકાયેલા.દિલીપકુમારે સંવિધાન રચયિતા આંબેડકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એની ત્રણ વાયકાઓ સાંભળવામાં આવી છે. (૧) દિલીપકુમાર તો આતુર હતા મળવાને પણ આંબેડકરનો પ્રતિભાવ શુષ્ક હતો. (૨) દિલીપકુમાર ડૉ. આંબેડકરની સંસ્થાને આર્થિક યોગદાન આપવા ઈચ્છતા હતા, કિન્તુ ફિલ્મના માણસો માટે ખાસ આદર નહિ ધરાવતા આંબેડકરે, એમનું અનુદાન સ્વીકારવા ઈન્કાર કરેલો અને (૩) આંબેડકર અને દિલીપકુમારની મુલાકાત માટે મધ્યસ્થી બનેલ વ્યક્તિને નીતિમત્તા પર લાંબુ ભાષણ આપીને આંબેડકરે ખખડાવી નાખેલો ! (પા. નં. ૧૦૦)
(૧૧) આંબેડકરના શબ્દોથી પ્રભાવિત પ્રજાને, શારદા કબીર (માઈસાહેબ) સાથે પુનઃલગ્ન કરતા પહેલા, પોતાની થનાર સાસુમાને આંબેડકરે લખેલા આ શબ્દો માનવામાં ન આવે એવા આશ્ચર્યકારી છે. ડૉ. આંબેડકરે પત્રમાં લખેલું: ‘આમ હું એક શાંત પણ અઘરો વ્યક્તિ છું. મારા પર એવો આરોપ છે કે હું સ્ત્રીઓ સાથે બહુ વાત કરતો નથી, પણ એમ તો અંગત કે પરિચિત ન હોય તો હું પુરુષો સાથે પણ વાત કરતો નથી. આમ હું ગંભીર પણ ધૂની વ્યક્તિ છું. દુન્વયી સુખો મને બહુ આકર્ષી શકતા નથી. મારા બનનાર સાથીએ મને સહન કરવો પડશે. મારા ખરા સાથી તો મારા પુસ્તકો જ છે.’ (પા. નં. ૧૦૯)
(૧૨) ડૉ. આંબેડકર વિવિધતા ધરાવતા રાજ્યોની એકતા સાથેના એક રાષ્ટ્રના હિમાયતી હતા અને તેમણે ઉતર અને દક્ષિણના રાજ્યો અને તેમની ખાસિયતો વિશે સચોટ અવલોકનો કરીને કેટલીક ચેતવણીઓ પણ ઉચ્ચારી હતી. ક્યાં ખબર હતી કે એમની વિદાયના ૬૦ વર્ષો પછી એમણે કરેલી આગાહીઓ સપાટી પર આવવાની છે. (પા. નં. ૧૨૫)
(૧૩) વિભાજન બાદ પોતે કાયદામંત્રી હતા ત્યારે, ‘પાકિસ્તાનના મુસ્લિમો તમારા મિત્રો નથી’ એમ કહી ત્યાંના દલિતોને ભારત આવી જવા આંબેડકરે એક નિવેદન જારી કર્યું હતું અને તેમને સલામત ભારત પરત લઈ આવવા વડાપ્રધાન નહેરૂને અપીલ પણ કરી હતી. (ધર્મપરિવર્તન કરતા મુસ્લિમ ધર્મ ન સ્વીકારવાનું કદાચ આ પણ એક કારણ હશે.) (પા. નં. ૧૨૫)
(૧૪) અન્યાય સામે ઝઝૂમતા અમેરિકન નિગ્રો (અશ્વેતો)ને દમનમાંથી બહાર લાવવા ત્યારના ક્રિશ્ચિયનોએ કંઈ મદદ કરી નહોતી તથા અશ્વેતોના કારણે ત્યાં ગૃહયુદ્ધ ફાટી નિકળવાની અણી પર હતું ત્યારે, તે ક્રિશ્ચિયનોએ જ તેને નિષ્ફળ બનાવેલું. (ધર્મ પરિવર્તન કરતાં ક્રિશ્ચિયન ધર્મ ન સ્વીકારવાનું કદાચ આ પણ એક કારણ હશે.) (પા. નં. ૧૨૬)
(૧૫) આંબેડકરને ભય હતો કે જો તેઓ મુસ્લિમ ધર્મ સ્વીકારશે તો દેશમાં મુસ્લિમ જનસંખ્યા વધી જવાનું જોખમ ઊભું થશે અને શીખ ધર્મ સ્વીકારશે તો ત્યાં દલિતો બીજા દરજ્જાના શીખ બની રહેશે. (પા. નં. ૧૨૬)
(૧૬) નજરે જોનારા કહે છે કે, ધર્મ પરિવર્તનની ક્ષણે લાખોની મેદનીને સંબોધતા આંબેડકર બહુ લાગણીશીલ બની ગયેલા અને તેમનો અવાજ રૂંધાઈ ગયેલો. (પા. નં. ૧૨૮)
(૧૭) વધુ પડતા વાંચન, લેખન, પ્રવાસ અને પ્રવચનોના કારણે આંબેડકરનું સ્વાસ્થ્ય કથળી ગયેલું. સંધિવા, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, પીંડીઓના દુખાવા સાથે એમનું જમવાનું પણ બહુ ઓછું થઈ ગયેલું. આબેડકર દંપતિએ દિલ્હીથી મુંબઈ આવવા તા.૧૪ ડિસેમ્બર ૧૯૫૬ના રોજની એરટિકિટ પણ બુક કરાવેલી...અને ૬ ડિસેમ્બર ૧૯૫૬ એ તો આંબેડકર સદાય માટે ચાલ્યા ગયા. (પા. નં. ૧૩૧)
(૧૮) લખાણની ઝડપ, એની પ્રવાહિતી, ગુણવત્તા તથા તીવ્ર બુદ્ધિમતાયુક્ત પરિશ્રમી સ્વભાવના સાયુજ્યથી આંબેડકરે આપણા માટે એટલો મોટો વિચારવારસો છોડ્યો છે કે, એમણે લખવા સિવાય બીજું કંઈ ન કર્યું હોત તોય સદીઓ સુધી તેઓ યાદ રહેવાના છે. (પા. નં. ૧૩૩)
(૧૯) પોતાની કોઈ ભૂલ વિના ડગલે ને પગલે જેણે અન્યાય સહ્યો છે તેને અધિકાર છે કે તે અન્યોથી અલગ પુરવાર થઈને રહે. લાગણીવેડા તેમને ગમતા નહિ. આ કારણે એમને ચાહનારા તો ઘણા હતા પણ મિત્રો બહુ ઓછા હતા. એક અર્થમાં રાજકારણ તેમને ફાવ્યું નહિ અને એ જ કારણે એમણે શરૂ કરેલા રાજકીય પક્ષો લાંબુ ચાલ્યા નહિ. (પા. નં. ૧૩૪)
(૨૦) ભારત આવીને માર્ટિન લ્યૂથર કિંગને પણ અહેસાસ થયો હતો કે નિગ્રો અને દલિતોની સ્થિતિમાં ઘણી બધી સામ્યતા છે. એ જ દર્શાવે છે કે આંબેડકરના વિચારોનો વ્યાપ ક્યાં સુધી પહોંચ્યો હતો. (પા. નં. ૧૪૦)
(૨૧) આ દેશે પહેલા એમને અપમાનિત કર્યા અને પછી ગૌરવાન્વિત કર્યા. એમને દલિતોના ઉદ્ધારક કહ્યા પણ એમના તેજાબી વિચારોને તો છૂપાવ્યા જ કર્યા. (પા. નં. ૧૪૧)
(૨૨) દેશે તેમને અસ્પૃશ્યોના ઉદ્ધારક તરીકે અને બંધારણના ઘડવૈયા તરીકે તો સ્વીકાર્યા પણ તેમના રાજકીય અને આર્થિક વિચારોને ક્યાં સ્વીકાર્યા છે? (પા. નં. ૧૪૧)
(૨૩) એમના જીવનનો એકમાત્ર મકસદ હતો, એમનો અસ્પૃશ્ય સમાજ સ્વમાનની જીંદગી જીવે. (પા. નં. ૧૪૩)
(૨૪) આઝાદી માટેનો સંઘર્ષ બ્રિટીશ શાસનથી મુક્તિ માત્રનો ન હતો, બ્રિટીશરોના તુમાખીભર્યા-એકહથ્થુ કાયદો - વ્યવસ્થાના શાસનથી મુક્તિનો પણ હતો અને એમાંથી જ ‘Constitutional Morality- બંધારણીય નૈતિકતા’ ના આદર્શનો જન્મ થયો. આંબેડકરે બંધારણીય સભાની ચર્ચાઓમાં એનો અવારનવાર ઉલ્લેખ પણ કર્યો. એ શબ્દોનો ઉપયોગ આજે અદાલતોમાં ફેશનની જેમ થઈ રહ્યો છે ! (જો કે બંધારણીય નૈતિકતાનો સૌ પ્રથમ વિચાર અંગ્રેજ ઈતિહાસકાર જ્યોર્જ ગ્રોટેએ રજૂ કર્યો હતો) (પા. નં. ૧૪૭)
(૨૫) એ આંબેડકર જ હતા જેઓ ૧૯૧૯ની સાઉથબરો કમિટિથી લઈ ૧૯૪૬ના કેબિનેટ મિશન સુધી ચાલેલી બંધારણીય રચવા માટેની કવાયતોમાં સામેલ હતા. (પા. નં. ૧૪૯)
(૨૬) માત્ર અનુસૂચિત જાતિ/જનજાતિ માટેની જ અનામત બાદ ૧૯૯૦માં મંડલ કમિશન દ્વારા અન્ય પછાતવર્ગો માટે અનામતની જાેગવાઈ આવી, કિન્તુ કહેવું જોઈએ કે આંબેડકરનો ઉદ્દેશ તો અનામત દ્વારા જાતિઉચ્છેદનો હતો, જ્યારે હવે તો જાતિઓ જાણે મજબૂત થાય છે. (પા. નં. ૧૫૧)
(૨૭) ૨૦૧૯માં બ્રિટીશ ટેલીવિઝન પર પ્રસારિત થયેલ દસ્તાવેજી ચિત્રમાં કહેવાયું કે બ્રિટનમાં વસતા ભારતીયોમાં પણ જાતિવાદનું તત્વ મોજૂદ છે. (પા.નં. ૧૬૭)
(૨૮) આધુનિક પર્યાવરણ નિષ્ણાતો દેશના શોષિતો - દલિતો માટે ‘Environmental Justice-પર્યાવરણીય ન્યાય’ની પણ માંગ કરે છે. જેમાં તેમને શોષિતોના સારા સ્વાસ્થ્ય, કુદરતી સંશાધનોનો સમાન ઉપયોગ, ગટર સફાઈ ને માનવમળ ઉલેચવા જેવા ગંદા કામોથી મુક્તિ જેવા મુદ્દાઓ તથા વિકાસને નામે એમની વસાહતોને તંત્ર દ્વારા તહસનહસ કરવાના મુદ્દાઓ અભિપ્રેત છે. (પા. નં. ૧૬૯)
(૨૯) રાજકીય પક્ષો દ્વારા એમના નામને પોતાના પક્ષ સાથે જોડવાની અને વોટ મેળવવાના હેતુ સર (રાજકીય લાભ લેવાને) તેમના વિચારોને અનુકૂળતા અનુસાર તપાસવાની અને બદલવાની આજે હોડ મચી છે. (પા. નં. ૧૮૦)
(૩૦) રાજકીય વ્યૂહાત્મકતા માટે જાણીતા ભાજપાને ખબર છે કે, આંબેડકરને આગળ કર્યા વિના દલિતોના વોટ તેને મળી શકે તેમ નથી. સાથે જ તે ઉચ્ચ હિન્દુ વર્ગની તેની મજબૂત વોટબેન્કને પણ નારાજ કરી શકે તેમ નથી. (પા. નં. ૧૮૧)
(૩૧) આજે આંબેડકરના નામે સંસ્થાઓ, એરપોર્ટ્સ, સ્મારક સ્થળો, સ્મારકો, યુનિવર્સિટીઓ બને છે અને આખેઆખા જિલ્લાઓના નામ તેમને મળે છે, પણ આ બધું ૫૦ વર્ષ પહેલાં થવું જોઈતું હતું. ખેર, આ જ એનું પ્રમાણ છે કે આંબેડકરનુ કદ કેટલું વિસ્તરેલું છે. (પા. નં. ૧૮૩)
(૩૨) એક સમયનો તેમનો વિરોધી ઇજીજી પણ હવે તો આંબેડકરને હિન્દુ ધર્મની ત્રૂટિઓ સુધારનાર તરીકે જોઈને, હિન્દુ એકતાના પ્રતીક ગણે છે. ઇજીજી ના આગેવાનો આંબેડકર પર પુસ્તકો પણ લખી રહ્યા છે ! (પા. નં. ૧૮૩)
(૩૩) આંબેડકરના સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, કાયદાશાસ્ત્ર અને ભારતના લોકતંત્ર પરના વિચારોને વાંચવા જેટલા મહત્વના છે, તે કરતાંય આ સંદર્ભે તેમણે લીધેલા એક્શનને સમજવા વધારે મહત્વના છે, અને આ પુસ્તક દ્વારા મારો એ પ્રયાસ છે. (પા. નં. ૧૯૧)
અહીં પૂર્વ કેન્દ્રિય મંત્રી, તંત્રી-પત્રકાર-લેખક અરૂણ શૌરી એ ‘Worshing False Gods’ પુસ્તક દ્વારા કરેલી આંબેડકરની આકરી ટીકાઓ અને થરૂરે વાળેલા તેના પ્રત્યુત્તરો પર પણ એક નજર કરીએ.
આ પણ વાંચો:2024ની ચૂંટણીમાં આંબેડકરવાદની કસોટી થશે
શૌરીએ આરોપ મૂકતા કહ્યું છે ‘હકીકતોને તોડીમરોડીને આંબેડકરને ખોટી રીતે મહાન ચિતરવામાં આવ્યા છે તેમની ખોટી પૂજા થાય છે તેઓ અંગ્રેજો તરફી અને સ્વતંત્રતા વિરોધી હતા આઝાદી આંદોલનના તબક્કે જ્યારે જ્યારે નિષ્ફળતા મળી, તાળીઓ પાડનારાઓમાં આંબેડકર સામેલ હતા.સ્વતંત્રતા ચળવળને ખાળવા અને કોંગ્રેસીઓના વિરોધ માટે અંગ્રેજોને આંબેડકરનું વલણ અનુકૂળ આવતું હતું’ વગેરે વગેરે.
આ સામે શશી થરૂરે વાળેલા પ્રત્યુત્તરો પણ જોઈએ. થરૂર લખે છેઃ ‘શૌરીના આરોપો સામે આંબેડકરના શબ્દો જ પુરતા છે અને શૌરીને ખબર હોવી જોઈએ કે આંબેડકરની પહેલા પણ મહાત્મા ફુલે એ કહી ગયા છે કે, જ્યાં શૂદ્ર, આદિવાસી, ભીલ, માછીમાર સાચા અર્થમાં શિક્ષિત અને સ્વતંત્ર ન હોય તેને ‘રાષ્ટ્ર’ કહી શકાય નહી. બ્રિટીશ શાશકો ભલે ઉત્તમ પ્રશાસકો - વહીવટકર્તા ન હોય તો પણ ઉચ્ચવર્ગીય હિન્દુઓ દ્વારા અસ્પૃશ્યોની થતી સતામણી અને અત્યાચારની સરખામણીમાં તો આંબેડકરના મતે એ સારા જ હતા. આંબેડકરનું વલણ હંમેશા તર્કસંગત રહ્યું છે. જે વિદેશી શાસન પોતાના સમાજની તકલીફો ઓછી કરતું હોય અને તકો આપતું હોય, તો શા માટે એવા શાસનનો ઉપયોગ કોઈ ન કરે ? આંબેડકર તો માનતા જ હતા કે તેમના માટે રાજકીય કરતાં સામાજીક સ્વતંત્રતા વધારે મહત્વની છે. સ્વરાજની લડત શરૂ થઈ ત્યારે અસ્પૃશ્યોના મૂળભૂત અધિકારોની રક્ષા માટે કોઈ ચિંતા જ ન કરવામાં આવી, તો પછી એવું સ્વરાજ પણ અસ્પૃશ્યોને અને આંબેડકરને શા ખપનું હોય? કોંગ્રેસની સ્વતંત્રતાની લડાઈ, અસ્પૃશ્યોની મુક્તિ માટેની પણ લડાઈ છે, એમાં આંબેડકરને શંકા હતી અને તેથી જ ત્યારે એમણે કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માંગેલી કે પહેલા એ કહો કે કોની આઝાદી? આંબેડકર ટીકાકારોથી વાકેફ હતા ને તોય અડગ રહ્યા, કેમકે એમને ખબર હતી કે તેઓ સાચા છે. આંબેડકર કહેતા કે અંગ્રેજોનું શાસન જશે એટલે ઉચ્ચ હિન્દુઓનું શાસન આવશે તો ત્યાં પણ અસ્પૃશ્યોની સ્થિતિ સુધરશે નહીં. તેઓ કહેતા કે ઉચ્ચવર્ગીય હિન્દુઓ જો અસ્પૃશ્યો પર અત્યાચાર કરશે, તો ફરિયાદ લઈને જનારા એ અસ્પૃશ્યો સામે શાસનમાં બેઠેલા હિન્દુઓ ન્યાય તો આપશે નહિ પણ એમના જ ભાઈઓને બચાવવાનું કામ કરશે. ડૉ. આંબેડકરની જેમ રાજા રામમોહન રોયે પણ બ્રિટીશ શાસનકાળમાં જ સમાજ - સુધારાની ચળવળ ચલાવી હતી. શું એમના પ્રદાનને પણ અવગણવાનું?’ વગેરે વગેરે.
આ પણ વાંચો:મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?
થરૂર જેવા અભ્યાસી કંઈ લખે અને એમાં એમનો તુલનાત્મક અભિગમ ન આવે, એ તો વળી બને જ કેમ ?આ પુસ્તકમાં પણ તેમને આવા ચારેક મુદ્દા જડ્યા છે! (૧) તેમના મતે અનુસૂચિત જાતિ (દલિતો)ની તુલનામાં આંબેડકરે અનુસૂચિત જનજાતિ (આદિવાસીઓ)ની કંઈક ઓછી ચિંતા કરી છે. (૨) અસ્પૃશ્યોના ઉદ્ધારના મુદ્દે ઉચ્ચવર્ગીય હિન્દુઓનો સાથ લેવો કે છેડો ફાડી નાખવો? એ મુદ્દે આંબેડકર અવઢવમાં રહ્યા છે! (૩) મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય કર્યું હોવા છતાં અને તેમણે ખુદ એવી કબૂલાત કરી હોવા છતાં કે ‘એ મારી નિષ્ફળતા છે કે, હું તમારી (આંબેડકરની) નજીક આવી ન શક્યો. તમે કહો ત્યાં અને ત્યારે મળવા આવું’ આંબેડકર હંમેશા ગાંધી સામે કડવાશ જ રાખતા ગયા. એમનો ગાંધી વિરોધ વધારે પડતો હતો. (૪) દલિતોના ઉત્થાન માટે કાયદો-વ્યવસ્થાનું સચોટ પાલન કરી શકે તેવા કેન્દ્રિય શાસનના હિમાયતી આંબેડકર એ ભૂલી ગયા હતા કે મન-હૃદયથી પણ લોકોને જોડી શકાય છે. સંત ચોખામેલા, કબીર અને વિવેકાનંદ જેવાઓના પ્રદાનની શું કોઈ ગણતરી નહી?
આમ છતાં, પુસ્તકના અંતે થરૂર કહે છે તેમ આ ટીકાઓ તેથી આ પુસ્તકમાં વર્ણવેલી આંબેડકરની સિદ્ધિઓને જરાય ઓછી નથી કરતી. પ્રશંસા અને આલોચના તો માનવજીવન સાથે સહજ વણાઈ ગયેલ છે. સફળતા-નિષ્ફળતા વચ્ચે જ માનવી આગળ વધતો હોય છે. આંબેડકરને જ જુઓને. જ્યારે જ્યારે તેમને લાગ્યું કે તેમની અવગણના થઈ છે, ને ત્યારે તરત એક બીજી તક એમની પાસે આવીને ઊભી રહી છે. ૧૯૪૬ની ચૂંટણીઓમાં પોતે સાઈડલાઈન થયાનું અનુભવી રહ્યા હતા તેના પછીના જ વર્ષે તેઓ ભારતના કેબીનેટ મંત્રી બન્યા ! પોતે જેનો વિરોધ કરતા રહ્યા એ કોંગ્રેસ આખરે સ્વતંત્રતા મેળવવામાં સફળ રહી, તો તુરત આંબેડકર ભારતીય બંધારણ સમિતિના અધ્યક્ષ બન્યા ! તેમણે રજૂ કરેલા હિન્દુ કોડ બીલનો વિરોધ થયો, તો પછી તુરત પોતાના લાખો અનુયાયીઓને તેઓ બૌદ્ધ ધર્મ તરફ દોરી જવામાં સફળ રહ્યા! અરે ! મૃત્યુ પણ તેમના વિચારોના ધસમસતા પ્રવાહને ખાળી ન શક્યું, આંબેડકર સતત અને સતત વિરાટ થતા જ ગયા થતા જ ગયા.
‘Ambedkar: A Life’ (લેખકઃ શશી થરૂર), પ્રકાશક:લેફ બુક કંપની (રૂપા પબ્લીકેશન્સ), ૭/૧૬, અન્સારી રોડ, દરિયાગંજ, નવી દિલ્હી: ૧૧૦૦૦૨; પૃષ્ઠ-૨૨૬; કિંમત: રૂા. ૫૯૯.
(લેખક વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ સંયુક્ત માહિતી નિયામક છે)
આ પણ વાંચો:ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Kishan valaખૂબ સરસ, આલેખ.... શશિ થરૂર લિખિત પુસ્તકની પરિચય કરાવવા બદલ આપનો આભાર ????