ઓસ્ટ્રેલિયાના વિઝાની લાલચ આપી 26 દલિતો સાથે રૂ. 65 લાખની ઠગાઈ
આણંદમાં એક ગઠિયો વણકર સમાજના 26 યુવાનોને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમીટ વિઝાની લાલચ આપી રૂ. 65 લાખની છેતરપિંડી કરી ગયો છે.
અમદાવાદના એક ગઠિયાએ ઓસ્ટ્રેલિયામાં વર્ક પરમીટ વિઝા અપાવવાની લાલચ આપી આણંદ પંથકના 26 લોકો સાથે કુલ 65 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે ખંભાત તાલુકાના પાંદડ ગામે વણકરવાસમાં રહેતો 29 વર્ષીય મેહુલ મહેન્દ્રભાઈ પરમાર હાલ સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે છે. જૂન 2020માં મેહુલ અને તેના ત્રણ મિત્રો આણંદના સાગોળપુરામાં આવેલી દિવ્યદયા સોસાયટીમાં રહેતા કાંતિભાઈના ઘરે અમદાવાદમાં રહેતા લોઈડ રોઝારીયો નામની વ્યક્તિને મળ્યા હતા. એ વખતે તેમની સાથે બીજા 15 જેટલાં યુવાનો પણ હાજર હતા. દરમિયાન લોઈડ રોઝારીયોએ જણાવ્યું હતું કે, તે ઓસ્ટ્રેલિયા, ફિલિપાઈન્સ જેવા દેશોમાં ફળોની વાડીમાં ફ્રૂટપીકર તરીકે છોકરાઓને મોકલી આપે છે અને તેને ત્યાંની કંપની સાથે વ્યક્તિ દીઠ 33 હજાર ઓસ્ટ્રેલિયન ડોલરનો વાર્ષિક કોન્ટ્રાક્ટ કરેલો છે. કંપની તરફથી રહેવા-જમવાની સુવિધાઓ ઉપરાંત ઇન્સ્યોરેન્સ ફી, વિઝા ફી તથા ઓસ્ટ્રેલિયા આવવા-જવાનું ભાડું પણ કંપની આપશે. વધુમાં તેણે જણાવ્યું હતું કે, જેને પણ જવું હોય તેમણે વ્યક્તિ દીઠ અઢી લાખ રૂપિયા સિકયુરિટી ડિપોઝીટ પેટે આપવા પડશે, આ રકમ જેને વિઝા મળશે તેઓને પરત મળશે.
લોઈડ રોઝારીયોની વાત સાંભળી મેહુલ અને તેના મિત્રોને ઓસ્ટ્રેલિયા જવાની લાલસા જાગી હતી. એ પછી તેમણે પોતપોતાના પરિવારની મંજૂરી મેળવ્યા બાદ રોઝારીયોનો સંપર્ક કરતા તેણે વિદેશ જવા માંગતા મેહુલ અને તેના મિત્રો સહિત 26 લોકોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. જેમાં તે નિયમિત રીતે કોઈને કોઈ મેસેજ નાખતો રહેતો હતો. જેથી મેહુલ સહિતના લોકોને શંકા ન જાય.
ત્યારબાદ લોઈડે 20-7-2020ના રોજ આણંદ ખાતે કાન્તીભાઈ ઈગ્નાસભાઈ પરમારના ઘરે મિટીંગ કરી તમામ લોકોના ડોક્યુમેન્ટ્સની નકલો લીધી હતી અને પછી 30-9-2020ના રોજ મિટીંગ કરી તમામ 26 લોકો પાસેથી અઢી લાખના ચેક લીધા હતા. સાથે જ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરાર કરાવી, તમારા બધાંનું ઓસ્ટ્રેલિયા ખાતે જવાનું કામ એક વર્ષમા થઈ જશે તેમ જણાવ્યું હતું.
જોકે, એક વર્ષ વિત્યા બાદ પણ વિઝાનું કામ ન થતાં મેહુલ અને તેના મિત્રોએ લોઈડ સાથે વાતચીત કરતા તેણે કોરોનાને કારણે મોડું થઈ રહ્યું હોવાનું બહાનું કાઢ્યું હતું. એ પછી અચાનક કે જૂન 2023માં પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને વિદેશ ભાગી ગયો હતો. આ મામલે આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વિદેશ વર્ક પરમીટ વિઝા અપાવવાની લાલચ આપી 26 લોકો પાસેથી રૂ. 65 લાખની છેતરપિંડી થયાના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
KANTIBHAI PARMABHAI VANKARBAHUJAN SAMAJ MATE TAME KAM KARO CHHO DHANYAVAD