રાણીપના ડૉ. આંબેડકર ફાઉન્ડેશનનો બાકી કામોનો મામલો વધુ ઉગ્ર બન્યો, દલિત કર્મશીલો હવે આરપારની લડાઈના મૂડમાં

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના અધુરા કામોને લઈને દલિત કર્મશીલોએ સરકાર સામે લડત માંડી છે. અગાઉ મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયા બાદ હવે લડત સમિતિ દ્વારા વધુ આક્રમક કાર્યક્રમો આપવાનું નક્કી કર્યું છે. વાંચો આ અહેવાલ.

રાણીપના ડૉ. આંબેડકર ફાઉન્ડેશનનો બાકી કામોનો મામલો વધુ ઉગ્ર બન્યો, દલિત કર્મશીલો હવે આરપારની લડાઈના મૂડમાં

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનના વર્ષોથી અધુરા રહેલા કામોનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. અગાઉ કલેક્ટર અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેની વહીવટી તંત્ર અને સરકાર પર હજુ સુધી કોઈ અસર જણાઈ નથી, ત્યારે દલિત કર્મશીલો દ્વારા આવતીકાલે ધરણા, સૂત્રોચ્ચાર અને દેખાવોનો જંગી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભીમયોદ્ધાઓ ઉમટી પડશે.

ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન રાણીપ લડત સમિતિના મુખ્ય કન્વીનર બાલકૃષ્ણ આનંદના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15 વર્ષ પહેલા રાણીપ ખાતે આ રાષ્ટ્રીય ફાઉન્ડેશનનનું લોકાર્પણ કરાયું હતું. તેના અનેક કામો હજુ પણ બાકી છે, આજકાલ કરતા તેને 15 વર્ષ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા અધુરા કામો પૂર્ણ કરવામાં આવતા નથી. આ મામલે અગાઉ લડત સમિતિ દ્વારા કલેક્ટર અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, છતાં યોગ્ય પરિણામ મળ્યું નથી. ત્યારે હવે બાકી કામો પૂર્ણ કરાવવા માટે શહેરના કર્મશીલ નાગરિકોની લડત સમિતિ દ્વારા સરકાર સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આવતીકાલે તા. 18 ફેબ્રુઆરી 2024ને રવિવારના રોજ અમદાવાદના સારંગપુર સર્કલ પર આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ પાસે બપોરે 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ધરણા, સૂત્રોચ્ચાર અને દેખાવોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં જોડાવા માટે શહેરના કર્મશીલ નાગરિકોને અમે અપીલ કરીએ છીએ.

26મી ફેબ્રુઆરીએ રાણીપથી ગાંધીનગર સુધી જંગી રેલી યોજાશે

ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન રાણીપ લડત સમિતિ દ્વારા આગામી 26મી ફેબ્રુઆરી 2024ને સોમવારના રોજ ફાઉન્ડેશનના બાકી કામો પૂર્ણ કરવાની માંગણીઓ સાથે રાણીપ સ્થિત ડૉ. આંબેડકર ફાઉન્ડેશનથી ગાંધીનગર પ્રેરણા ભૂમિ ખાતેના ડૉ. આંબેડકરના સ્ટેચ્યૂ સુધી જંગી વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વાહન રેલીમાં જોડાવા માંગતા કર્મશીલોએ પોતાનું નામ, વાહન નંબર અને જોડાનાર વ્યક્તિઓની યાદી તૈયાર કરીને ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન રાણીપ લડત સમિતિના કન્વિનરો જે.સી. પરમાર(મો. 9426376297) અને જયંતિ ઉસ્તાદ (મો. 9662136367)ને મોકલી આપવાની રહેશે. આ મામલે વધુ જાણકારી માટે લડત સમિતિના મુખ્ય કન્વીનર બાલકૃષ્ણ આનંદ (મો. 9824507569)નો સંપર્ક કરી શકશો.

આ પણ વાંચો : માતા રમાબાઈઃ એ મહિલા જેમના ત્યાગે 'ભીમા' ને ડો. ભીમરાવ આંબેડકર બનાવ્યા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.