માતા રમાબાઈઃ એ મહિલા જેમના ત્યાગે 'ભીમા' ને ડો. ભીમરાવ આંબેડકર બનાવ્યા

કહેવાય છે કે એક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. જો આ જ વાત જિનિયસ ડૉ. ભીમરાવ આંબેડકરની સફળતા વિશે કહેવી હોય તો ચોક્કસ માતા રમાબાઈને તેનો શ્રેય આપવો પડે. બાબાસાહેબના અર્ધાંગિનીના ઉલ્લેખ વિના તેમની સફળતાની કહાની અધૂરી ગણાય. આજે માતા રમાબાઈની જન્મજયંતિનો દિવસ છે ત્યારે એ ત્યાગમૂર્તિને યાદ કરીએ જેના કારણે આપણને ભીમામાંથી જિનિયસ ડૉ. ભીમરાવ આંબેડકર મળ્યા.

માતા રમાબાઈઃ એ મહિલા જેમના ત્યાગે 'ભીમા' ને ડો. ભીમરાવ આંબેડકર બનાવ્યા

ભારતીય બંધારણના રચયિતા અને આઝાદ ભારતના પ્રથમ કાયદામંત્રી ડૉ. ભીમરાવ આંબેડકરે તેમના જીવનમાં ડગલેને પગલે પડકારોનો સામનો કર્યો પરંતુ ક્યારે અટક્યા નહીં. આ સંઘર્ષમય સફરમાં ઘણાં બધાં લોકોએ તેમને સાથ આપ્યો. કયારેક તેમની શાળાના શિક્ષકે તેમની અસામાન્ય પ્રતિભાથી પ્રભાવિત થઈને તેમની અટક આપી દીધી, તો વડોદરાના પ્રજાવત્સલ રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ મોકલી આપ્યા. આ બધાં વચ્ચે એક નામોલ્લેખ વિના બાબાસાહેબની સફળતાની કહાણી અધૂરી રહી જાય, અને તે નામ એટલે માતા રમાબાઈ આંબેડકર.

રમાબાઈ ડૉ. આંબેડકરના પત્ની હતા. આજે પણ લોકો તેમને 'માતોશ્રી'ના નામથી ઓળખે છે. માતા રમાબાઈ આંબેડકર(Ramabai Ambedkar) નો જન્મ 7 ફેબ્રુઆરી 1898ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના વણંદગામમાં એક અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. તેઓ પિતા ભિખુ ઘુત્રે(વળંગકર) અને માતા રુક્મણી સાથે વણંદગામમાં નદી કિનારે મહારપુરા વસ્તીમાં રહેતા હતા. તેમને 3 બહેનો અને શંકર નામના એક ભાઈ હતા.

તેમના પિતા માછલીઓ ભરેલી ટોપલી બજારમાં પહોંચાડવાનું કામ કરતા હતા. સતત વજન માથે ઉચકવાને કારણે તેમને કાયમ છાતીમાં દર્દની ફરિયાદ રહેતી હતી. રમાબાઈ નાનપણમાં જ માતાને ખોઈ ચૂક્યા હતા. બિમારીને કારણે તેમનું નિધન થયું હતું. માતાના અવસાનની તેમના મન પર ભારે અસર થઈ હતી. થોડા સમય પછી તેમના પિતાનું પણ અવસાન થયું અને આખો પરિવાર એકલો પડી ગયો. એ પછી તેમના વલંગકર કાકા અને ગોવિંદપુરકર મામા બધાં બાળકોને લઈને મુંબઈ જતા રહ્યાં અને અહીંની ભાયખલા ચાલીમાં રહેવા લાગ્યા હતા.

એ દરમિયાન તેમની મુલાકાત સૂબેદાર રામજી સકપાલ સાથે થઈ. તેઓ તેમના પુત્ર ભીમરાવ માટે કન્યા શોધી રહ્યા હતા. ત્યાં તેમને રમાબાઈ વિશે ખ્યાલ આવ્યો. તેઓ રમાબાઈને જોવા ગયા, રમાબાઈ તેમને પસંદ આવ્યા અને તેમણે પુત્ર ભીમરાવ સાથે તેમના લગ્ન કરાવવાનો નિર્ણય કરી લીધો. લગ્નની તારીખ નક્કી થઈ અને એપ્રિલ 1906માં રમાબાઈના લગ્ન 9 વર્ષની ઉંમરમાં બૉમ્બે(હવે મુંબઈ)ના બાયકુલા માર્કેટમાં 14 વર્ષના ભીમરાવ સાથે થયા. 

લગ્ન સમયની પરિસ્થિતિનું કરૂણાસભર વર્ણન પદ્મભૂષણ ડૉ. ધનંજય કીરે બાબાસાહેબના જીવનચરિત્રમાં અદ્દભૂત રીતે કર્યું. ‘ડો. આંબેડકરઃ જીવન અને કાર્ય’ નામના આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ મૂળજીભાઈ ખુમાણે દેવેન્દ્ર કર્ણિક સાથે મળીને કર્યો છે. જેમાં બાબાસાહેબ અને માતા રમાબાઈના લગ્ન વખતે બાયકુલા માર્કેટમાં વરસતા વરસાદમાં કેવી રીતે લગ્ન લેવાયા હતા તેનું કરૂણાસભર વર્ણન કરાયું છે.

રમાબાઈને ભીમરાવ પ્રેમથી 'રામૂ' કહી બોલાવતા હતા અને તેઓ તેમને 'સાહેબ' કહીને બોલાવતા. લગ્ન પછી તરત જ રમાબાઈને સમજાઈ ગયું હતું કે વંચિત વર્ગોનું ઉત્થાન જ બાબાસાહેબના જીવનનું લક્ષ્ય છે. અને એ ત્યારે જ સંભવ હતું, જ્યારે તે ખુદ એટલા શિક્ષિત થાય કે પૂરા દેશમાં શિક્ષણની મશાલ પ્રગટાવી શકે. 

બાબાસાહેબના આ સંઘર્ષમાં રમાબાઈએ તેમના છેલ્લા શ્વાસ સુધી સાથ આપ્યો. બાબાસાહેબે પણ પોતાના જીવનમાં રમાબાઈના યોગદાનને ખૂબ જ મહત્વપૂર્ણ માન્યો છે. તેમણે પોતાના પુસ્તક 'થોટ્સ ઓન પાકિસ્તાન' ને રમાબાઈને સમર્પિત કરતા લખ્યું કે, તેમને મામુલી ભીમાથી ડો.આંબેડકર બનવાનો શ્રેય રમાબાઈને જાય છે. 

દરેક પરિસ્થિતિમાં રમાબાઈ બાબાસાહેબને સાથ આપતા રહ્યા. બાબાસાહેબ વર્ષો સુધી પોતાના શિક્ષણ માટે બહાર રહ્યા અને એ સમયમાં લોકોની ખરીખોટી વાતો સાંભળવાની સાથે પણ રમાબાઈએ ઘર સંભાળી રાખ્યું. ક્યારેક તેઓ ઘેર ઘેર જઈને ઉપલા વેચતાં, તો ઘણીવાર બીજાના ઘરોમાં કામ કરતા હતા. તેઓ દરેક નાનું મોટું કામ કરી આજીવિકા મેળવતા અને બાબાસાહેબના શિક્ષણના ખર્ચ માટે પણ મદદ કરતા. 

જીવનની જદ્દોજહદમાં તેમના અને બાબાસાહેબના પાંચ બાળકોમાંથી માત્ર યશવંત જ જીવિત રહ્યાં. તેમ છતાં પણ રમાબાઈ હિંમત હાર્યા વિના બાબાસાહેબનું મનોબળ વધારતા રહ્યા. બાબાસાહેબ અને આ દેશના લોકો પ્રત્યે જે સમર્પણ રમાબાઈનું હતું, તેને જોતાં ઘણાં લેખકોએ તેમને 'ત્યાગવંતી' નું સન્માન આપ્યું હતું.

આજે બાબાસાહેબ આંબેડકરની જેમ જ માતા રમાબાઈના જીવન પર પણ નાટક, ફિલ્મ વગેરે બને છે. તેમના નામ પર દેશની ઘણી સંસ્થાઓના નામ પણ રાખવામાં આવ્યા છે. એમના પર ‘रमाई,’ ‘त्यागवंती रमामाऊली,’ અને ‘प्रिय रामू’ જેવા શિર્ષકોથી પુસ્તકો લખાયા છે. પુરા 29 વર્ષ સુધી બાબાસાહેબનો સાથ નિભાવ્યા પછી 1935માં 27મી મેના દિવસે એક લાંબી બિમારીના કારણે માતા રમાબાઈનું નિધન થઈ ગયું.

હિદાયત પરમાર (લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે)

આ પણ વાંચો : ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.