ભારતની પહેલી દલિત અભિનેત્રીએ ફિલ્મમાં એક સવર્ણ મહિલાનું પાત્ર ભજવ્યું તો જાતિવાદીઓએ તેનું ઘર સળગાવી નાખ્યું!

ભારતની પહેલી દલિત અભિનેત્રીએ ફિલ્મમાં એક સવર્ણ મહિલાનું પાત્ર ભજવ્યું તો જાતિવાદીઓએ તેનું ઘર સળગાવી નાખ્યું!

ઘણીવાર એવું કહેવાય છે કે કલાકારની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. તે માત્ર એક કલાકાર છે, જે પોતાની કલા દ્વારા સમાજની સેવા કરે છે. પરંતુ કેટલીક હકીકતો એવી બહાર આવે છે જે આ વાતનું ખંડન કરે છે. ભૂતકાળમાં એક એવી ઘટના બની છે જ્યારે અભિનેત્રીની કારકિર્દી તેની જાતિના કારણે શરૂ થતાં જ અટકી ગઈ હતી. તે અભિનેત્રીનું નામ છે પી.કે. રોઝી. મીડિયા રિપોર્ટ પ્રમાણે પી.કે. રોઝી ભારતની પ્રથમ દલિત અભિનેત્રી હતી. ફિલ્મી પડદે તેના આગમનથી કેટલાક લોકો એટલા ગુસ્સે થયા કે તેમણે પી.કે. રોઝીનું ઘર સળગાવી દીધું. ડરી ગયેલી અભિનેત્રી બીજી ફિલ્મ કરવાની હિંમત ન કરી શકી અને અભિનયમાંથી નિવૃત્ત થઈ ગઈ...

ફિલ્મની પ્રિન્ટ પણ ઉપલબ્ધ નથી

પી.કે. રોઝી મલયાલમ સિનેમાની પ્રથમ અભિનેત્રી હતી. એવું બનવું જોઈતું હતું કે આજે આપણે તેના અભિનય કૌશલ્યની ચર્ચા કરીએ અને તેની ફિલ્મોનો ઉલ્લેખ કરીએ. પરંતુ, જાતિના ભેદભાવથી પીડિત સમાજમાં આ શક્ય નહોતું અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે પી.કે. રોઝીને ફિલ્મોમાં અભિનય માટે ભારે કિંમત ચૂકવવી પડી હતી. હા, દલિત હોવા છતાં તેણે ફિલ્મી પડદે આવવાની હિંમત કરી હતી. પી.કે. રોઝીનું ઘર સળગાવી દેવામાં આવ્યું અને તેના અસ્તિત્વને ભૂંસી નાખવાના શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા. આજે એ જ કારણે ઈન્ટરનેટ સર્ચ એન્જિન પર પણ તેની એકમાત્ર તસવીર ઉપલબ્ધ છે. તેની ફિલ્મની પ્રિન્ટ કે રીલ્સ પણ ઉપલબ્ધ નથી.

ફિલ્મમાં ઉચ્ચ જાતિની મહિલાની ભૂમિકા ભજવી હતી

પીકે રોઝીનો જન્મ વર્ષ 1903માં ત્રિવેન્દ્રમના નંદનકોડ ગામમાં થયો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેના માતાપિતા પુલિયા જાતિના હતા અને તેમણે તેનું નામ રાજમ્મા રાખ્યું હતું. દલિત જાતિની હોવા ઉપરાંત રોઝીનો પરિવાર આર્થિક રીતે પણ નબળો હતો. નાની ઉંમરમાં પિતાના અવસાનને કારણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ વધુ નબળી બની ગઈ હતી. જો કે, તેમના મનમાં કલા માટે હંમેશા વિશેષ સ્થાન હતું. ખૂબ જ નાની ઉંમરે રોઝીએ અભિનય અને લોકનૃત્ય-નાટક શીખ્યા. એ પછી, પીકે રોઝીએ વર્ષ 1928માં પ્રથમ મલયાલમ ફિચર ફિલ્મ 'વીગતથકુમારન' (ધ લોસ્ટ ચાઈલ્ડ)માં અભિનય કર્યો હતો. આ ફિલ્મ જેસી ડેનિયલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં દલિત મહિલા પીકે રોઝીએ સરોજિની નામની ઉચ્ચ જાતિની નાયર મહિલાની ભૂમિકા ભજવી હતી.

 

સ્ક્રીનીંગ દરમિયાન લોકોએ ભારે વિરોધ કર્યો

પહેલી ફિલ્મમાં ભજવાયેલું પાત્ર જ પીકે રોઝી માટે સમસ્યા બની ગયું હતું. લોકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો. પીકે રોઝી ફિલ્મની કોઈપણ ઈવેન્ટમાં જોવા નહીં મળે એવી શરત રાખવામાં આવી હતી. અન્યથા ફિલ્મનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી. જ્યારે પીકે રોઝીની ફિલ્મ 7 નવેમ્બર 1928ના રોજ કેપિટલ થિયેટરમાં પ્રદર્શિત કરવામાં આવી હતી ત્યારે મોટા પ્રદર્શનો થયા હતા. અહેવાલો અનુસાર, મલયાલમ ફિલ્મ ઉદ્યોગના ઉચ્ચ જાતિના લોકોએ પણ આ ફિલ્મ જોવાની ના પાડી દીધી હતી. તેમણે શરત મૂકી કે જો પીકે રોઝી ઓડિયન્સમાં બેસશે તો તેઓ ફિલ્મનું સ્ક્રીનિંગ નહીં જુએ. સ્ક્રીનિંગ દરમિયાન ઘણી તોડફોડ પણ કરવામાં આવી હતી. વિરોધની આગ રોઝીના ઘર સુધી પહોંચી અને તેના ઘરને આગ ચાંપી દેવામાં આવી. ત્યાર બાદ પીકે રોઝીએ કેરળ છોડી દીધું.

 

જીવન ગુમનામીમાં વિતાવ્યું

અહેવાલો અનુસાર પીકે રોઝી એક ટ્રક ચાલકની મદદથી તેના ગામથી તમિલનાડુ ભાગી ગઈ હતી. બાદમાં તેમણે લોકનાટ્યોમાં કામ કરવાનું શરૂ કર્યું, તેનું નામ રાજમ્માથી બદલીને રોજમ્મા કર્યું. અહેવાલો અનુસાર એ પછીના દિવસોમાં તેમણે ખેતી કરીને પોતાનું જીવન પસાર કરવું પડ્યું હતું. તેમને બે બાળકો હતા - પદ્મા અને નાગપ્પન. બંને બાળકોને ક્યારેય ખ્યાલ નહોતો કે તેમની માતા અભિનેત્રી છે. રોઝી પર ફિલ્મ બનાવનાર જેસી ડેનિયલને પણ ફિલ્મ બનાવવાનું પરિણામ ભોગવવું પડ્યું અને તેણે પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવ્યું.

 

દુનિયા છોડ્યા પછી ઓળખ મળી

પીકે રોઝી, જેમને જીવતેજીવ સમાજ માન આપી શક્યો ન હતો, તેમને આ દુનિયામાંથી વિદાય પછી ઓળખ મળી. વર્ષ 1988માં લેખક વિનુ અબ્રાહમે જેસી ડેનિયલ અને મલયાલમ સિનેમાની પ્રથમ અભિનેત્રી પીકે રોઝી વિશે નવલકથા લખી હતી. ત્યાર પછી વર્ષ 2013માં કમલ દ્વારા આ જ નવલકથા પર 'સેલ્યુલોઇડ' નામની ફિલ્મ બનાવવામાં આવી, જેના કારણે વધુ લોકોને પીકે રોઝીના યોગદાન અને તેના સંઘર્ષ વિશે જાણવા મળ્યું. દુઃખની વાત એ છે કે, રોઝીને ઓળખ મળે તે પહેલાં જ તેમણે 1988માં દુનિયાને અલવિદા કહી દીધી હતી. અગાઉ 27 એપ્રિલ 1975ના રોજ જેસી ડેનિયલનું પણ ગુમનામ જીવન જીવતા મૃત્યુ થયું હતું. ભારત જેવા જાતિવાદથી ખદબદતા દેશમાં જાતિ જ સર્વસ્વ છે એના બીજા કેટલાક ઉદાહરણો જોઈએ?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • amitkumar solanki
    amitkumar solanki
    રોમેન્ટિક સીન વાળી વાત ખોટી છે એ નીચી જાતિ ની હતી અને એને પિકચર માં સવર્ણ જાતિ ની મહિલાનું પાત્ર ભજવ્યું હતું એટલે એનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતું એટલા માટે તમને વિનંતી છે હેડિંગ બદલવા માટે