સાવિત્રીબાઈ ફૂલેઃ ઓરિજિનલ બેટી બચાવો આઈકોન

સાવિત્રીબાઈ કોણ? આ સવાલનો વિગતવાર જવાબ ઘણો લાંબો થઈ શકે પણ ટૂંકો જવાબ એટલે એક, પરંપરાને વશ પિયરમાં અભણ રહેનાર અને પતિના ઘરે જઈને ભણનાર ભારતની પ્રથમ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ.

સાવિત્રીબાઈ ફૂલેઃ ઓરિજિનલ બેટી બચાવો આઈકોન

મેહુલ મંગુબહેન

૨૦૧૬માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' હિટ ગઈ હતી. એમાં વાત યોદ્ધાની લવ સ્ટોરીની હતી. ફિલ્મમાંથી પેશવા પરિવારની મુસ્લિમ સ્ત્રીની સંતાન મસ્તાની પ્રત્યેની રૂઢિવાદી માનસિક્તાનો ચિતાર તો મળ્યો પરંતુ એ સમયની સામાજિક હકીકતોનો આછેરો ઉલ્લેખ પણ મળતો ન હતો. ૧૮મી સદીના એ સમયમાં વર્ણવ્યવસ્થા આજના કરતાં અનેકગણી વધારે કટ્ટર હતી. પેશવાઓના રાજમાં શુદ્રોને જો રસ્તા પર અન્ય ઉચ્ચ વર્ણનું કોઈ ચાલી રહ્યું હોય તો પસાર થવાનો અધિકાર નહોતો. સવર્ણો અછૂતો અને નીચ વર્ણના લોકોને દૂરથી જ ઓળખી શકે તે માટે તેમણે કાંડા પર કાળો દોરો બાંધવો પડતો હતો અને પેશવાની રાજધાની પૂણેમાં તો એમણે પોતાનાં પગલાંનાં નિશાન ભૂંસાઈ જાય એ માટે કમરની પાછળ ઝાડૂ બાંધવું પડતું હતું. ભણતર શબ્દનો અર્થ ફકત બ્રાહ્મણો તથા ઉચ્ચ વર્ણોને જ લાગુ પડતો હતો. આ સિવાય પાણી સહિત કોઈ પણ કુદરતી સંપદાનો ઉપયોગ કરવામાં કડક અંકુશ, વેઠ તેમ જ અન્ય રીતે શારીરિક શોષણ તો ખરાં જ. પેશવાઓ સંચાલિત મરાઠા સામ્રાજયનો ૧૮૧૮માં અંત આવ્યો અને એના ૧૩માં વર્ષે ૧૮૩૧ની ૩ ફ્રેબ્રુઆરીએ પેશવાઈ સમાજની રૂઢિઓને તોડનાર અને ભારતમાં શિક્ષણ અને મહિલા અધિકારનો વિજયધ્વજ ખોડી દેનાર સાવિત્રીબાઈ ફૂલેનો જ્ન્મ થયો.


સાવિત્રીબાઈ જન્મ્યાં ત્યારે છેલ્લો પેશવા, બાજીરાવ બીજો અંગ્રેજોની શરણાગત સ્વીકારીને કાનપુર નજીક બિઠૂરમાં ઠરીઠામ થઈ ગયો હતો પણ બાકીનો ક્રૂર રૂઢિવાદી સમાજ તો ત્યાં જ હતો. જયાં સ્ત્રીઓએ કદી ન જન્મવું જોઈએ એવા સમાજમાં અને એવા વખતમાં સાવિત્રીબાઈ જન્મ્યાં અને એ પણ શુદ્ર પરિવારમાં.


ભારતમાં સમાજ સુધારણાની વાત કરવામાં આવે એટલે મોટે ભાગે આપણને પાઠયપુસ્તકોમાંથી ગોખાવી દેવામાં આવેલાં નામ જ યાદ આવે છે. રાજાઓના ઇતિહાસમાં પ્રજાની બાદબાકી થાય એમ સામાજિક સુધારણાના ઇતિહાસમાંથી પણ શુદ્રો કે નિમ્નવર્ગના લોકોની લીટી નાની કરી દેવામાં આવતી હોય છે. એટલે જ સરેરાશ સુધરેલો અને ભણેલોગણેલો માણસ પણ એમ પૂછી બેસતો હોય છે કે સાવિત્રીબાઈ કોણ?


સવાલનો વિગતવાર જવાબ ઘણો લાંબો થઈ શકે પણ ટૂંકમાં મુદ્દાસર જોઈએ તો. એક, પરંપરાને વશ પિયરમાં અભણ રહેનાર અને પતિના ઘરે જઈને ભણનાર ભારતની પ્રથમ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. 


બે, સાવિત્રીબાઈ એટલે ૧ જાન્યુઆરી ૧૮૪૮માં દેશની પ્રથમ મહિલા શાળાના સ્થાપક અને પ્રથમ મહિલા શિક્ષક. 


ત્રણ, જેમણે સાસરીમાં આરામથી રહેવાને બદલે શુદ્રોને ભણાવવા બદલ પતિ સાથે પહેરેલ કપડે સાસરી છોડવાનું પસંદ કર્યુ એ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. ત્રણ, પેશવાઓની રાજધાની સતારા, પૂણે અને અહમદનગરમાં બીજી શાળાઓ શરૂ કરી. 


ચાર, સાવિત્રીબાઈ એટલે એવી સ્ત્રી કે ઘરેથી બે સાડી લઈને સ્ત્રીઓને ભણાવવા શાળાએ જતાં કેમ કે રસ્તામાં કટ્ટરવાદીઓ રોજ કચરો ફેંકીને એમનું સ્વાગત કરતાં હતાં, એમાં એક સાડી બગડી જતી હતી. પાંચ, બ્રાહ્મણ સમાજમાં અત્યંત દયનીય સ્થિતિમાં જીવતી વિધવાઓની પડખે ઊભાં રહેનાર અને એમની માટે બાળહત્યા પ્રતિબંધક ગૃહ શરૂ કરનાર સ્ત્રી એટલે સાવિત્રીબાઈ.


પાંચ, સાવ નાની વયે વિધવા બનેલી અને મલાજાને નામે શોષણનો ભોગ બનતી છોકરીઓનાં અનેક સંતાનોની એ માતા બન્યાં, એટલું જ નહીં સમાજ જેને નાજાયઝ ઔલાદ કહે છે એવા દીકરાને છડેચોક દત્તક લીધો. 


છ, સાવિત્રીબાઈ એટલે એ સ્ત્રી કે જેઓ વિધવા સ્ત્રીઓનું મુંડન બંધ કરાવવા ઐતિહાસિક હજામ હડતાળને અંજામ આપવામાં સક્રિય રહ્યાં. ફિલ્મમાં બાજીરાવની માને માથે વાળ કેમ નથી એવો સવાલ જો ન થયો હોય તો નોંધી લો કે એ સમયે વિધવા થયેલી બ્રાહ્મણ સ્ત્રીઓનાં વાળ અત્યંત ક્રૂરતાથી કાપી દેવામાં આવતા હતાં. 


સાત, સાવિત્રીબાઈ એટલે પ્રથમ આધુનિક મરાઠી કવિયિત્રી. ૧૮૫૪માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો જેનું નામ હતું ‘કાવ્યફૂલે’. 


આઠ, સાવિત્રીબાઈ એટલે એ કે જેમણે દેશમાં પહેલીવાર ખેડૂતો અને મજૂરો માટે રાતની નિશાળ શરૂ કરી. નવ, જેમણે પોતાના ઘરનો કૂવો અતિશુદ્રો માટે ખુલ્લો મૂકયો. દસ, સાવિત્રીબાઈ એટલે સામાજિક સુધારણા માટે મથનાર સત્ય શોધક સમાજની સક્રિય કર્મશીલ. અગિયાર, ૧૮૯૭માં પૂણેમાં ફેલાયેલા ભયંકર પ્લેગ વખતે પોતે પ્લેગનો ભોગ બન્યાં એ હદ સુધી લોકોની સેવા કરનારાં સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. છેલ્લે એ ઓળખાણ પણ ખરી કે મહાત્મા ગાંધી અગાઉના મહાત્મા એવા પાયાના સમાજસુધારક જોતિબા ફૂલે એ સાવિત્રીબાઈના પતિ થાય.


ભારતના લોકોએ, ઈતિહાસકારોએ અને સ્વરાજ આવ્યા પછીની સરકારોએ પણ એના ખરા સમાજસુધારકો સાથે પૂરો ન્યાય નથી કર્યો. સાવિત્રીબાઈને નામે મહારાષ્ટ્ર સરકાર સમાજસુધારણાનો એવોર્ડ આપે છે. અમુક-તમુક સરકારી યોજનાઓ પણ હશે એમનાં નામે. છેક ૧૯૯૮માં અવસાનની શતાબ્દીએ એક ટપાલ ટિકિટ પણ બહાર પડી હતી અને હજી ગત વર્ષે જ પૂણે વિશ્વવિદ્યાલય સાથે સાવિત્રીબાઈનું નામ જોડાયું છે પણ સાવિત્રીબાઈ અને જોતિબાની સમાજસુધારણાનું વિશાળ ફલક જોતા આવી અંજલિઓ ઘણી નાની ગણાય.

(લેખક વરિષ્ઠ પત્રકાર, લેખક, કવિ અને વિખ્યાત  rekhta foundationમાં એડિટર તરીકે કાર્યરત છે)

આ પણ વાંચો : Jyotiba Phule સ્મૃતિ દિવસ સ્પેશ્યિલઃ જ્યોતિબા ફૂલે એટલે 'મહાત્મા' પહેલાના 'મહાત્મા'

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.