એક ગાંડો ઘેલો કવિ, નામ એનું શંકર પેન્ટર

આજે દિગ્ગજ બહુજન કવિ શંકર પેન્ટર સાહેબની જન્મતિથિ છે ત્યારે કર્મશીલ રાજુ સોલંકીએ તેમના શબ્દોમાં આપેલી અંજલિ અહીં નજીવા ફેરફાર સાથે પ્રસ્તુત છે.

એક ગાંડો ઘેલો કવિ, નામ એનું શંકર પેન્ટર
image credit - શામત રાજવંશી, રાજેશ પેન્ટર

શંકર પેન્ટરે ક્યારેય નાસ્તિક હોવાનો દાવો કર્યો નથી કે પોતે મોટો આઇડીયોલોગ છે એવો ઢંઢેરો પણ પીટ્યો નથી. એક સીધોસાદો ગામડીયા જેવો માણસ, જેણે એના હૃદયની ઉર્મિઓને વ્યક્ત કરી, થોડીક દલિત કવિતાઓ રચી અને બીજા દલિત કવિઓની જેમ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો એવોર્ડ લીધો. 

પણ વાત આટલેથી પતતી નથી. 

મને કહેવા દો, એક્યાસી-પંચાસીમાં જ્યારે ગુજરાતમાં અનામત-વિરોધી વંટોળ ફૂંકાયો અને દલિત સમાજ પર ભયાનક હુમલા થયા ત્યારે આ શંકર પેન્ટર નોકરી-ધંધો, ઘરબાર મૂકીને નીકળી પડ્યો; ગામે-ગામ, ચાલીએ ચાલીએ ભટકીને એની ગાંડીઘેલી ભાષામાં દલિત સમાજ આગળ કવિતાઓનું પઠન કર્યું; ગાંધીનગરમાં 1985માં પાંચ લાખની રેલી નીકળી તો એણે ‘કરવટ બદલે કોમ ઉંઘતી, તમે જાગો નવજુવાનો’ જેવી કવિતા રચીને રેલીમાં જોડાયેલા હજારો લોકોનો જુસ્સો વધાર્યો; સાંબરડાના દલિતોએ ગઢવીઓના ત્રાસથી હિજરતી કરી, ત્યારે ‘સાંબરડાનું સાંબેલું દિલ્લીમાં જઇને ડોલે, ખોલે ખોલે ખોલે એના પોલ ઝંબુરીયો ખોલ,’ કહીને તત્કાલીન રાજસત્તાને પડકારી; જોટાણામાં દલિત બહેનના અપ્રતિમ પ્રતિકારને ‘બાઈ રતનને રંગ, એની માવડીને છે રંગ, રંગ જોટાણાના જવાનીયોઓને દુનિયા થઈ ગઈ દંગ,’ લખીને અમર કરી દીધો. 

જ્યારે નગારે ઘાવ પડ્યો ત્યારે શંકર પેન્ટર જેવા કોક જ વીરલાઓ મેદાનમાં ઉભા હતા. એ ધાર્મિક હતા કે નહીં એ મારા માટે ક્યારેય કોઈ મુદ્દો બન્યો નહીં. વિદ્વાન ચિંતકો ઘરમાં બેસી રહ્યાં અને અભણોએ લડાઈ લડી નાંખી. શંકર પેન્ટર એ લડાઇનો પહેલી હરોળનો મશાલચી હતો એ જ વાત મને યાદ છે. બાકી બધું તો ઠીક મારા ભાઈ.

  • રાજુ સોલંકી

આગળ વાંચોઃ બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.