કાળી મજૂરી કરતા 78 વર્ષના આ દલિત વૃદ્ધ 32 ચૂંટણી હારી ચૂક્યાં છે, પણ હિંમત નથી હાર્યા

કાળી મજૂરી કરતા 78 વર્ષના આ દલિત વૃદ્ધ 32 ચૂંટણી હારી ચૂક્યાં છે, પણ હિંમત નથી હાર્યા
Photo By Google Images

રાજકીય લડાઈમાં નસીબ અજમાવવા માટે નેતાઓ ભાજપ, કોંગ્રેસ જેવા મોટા પક્ષોની ટિકિટ પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે પરંતુ કેટલાક એવા પણ છે જેમના ખિસ્સા ખાલી છે આમ છતાં એમણે પણ રાજકીય અખાડામાં ઝંપલાવ્યું છે. આવા જ લોકોમાંથી એક છે રાજસ્થાનની કરણપુર વિધાનસભાના વૃદ્ધ ઉમેદવાર તીતર સિંહ, જેઓ અહીંના એક નાનકડા ગામમાં રહે છે અને પેટિયું રળવા મનરેગામાં મજૂર તરીકે કામ કરે છે. ચૂંટણી લડતા લડતા હવે એમની ઉંમર ઢળી ચૂકી છે. તેઓ ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધીની દરેક ચૂંટણી લડ્યા છે, પરંતુ એ અલગ વાત છે કે તેઓ સિત્તેરના દાયકામાં જેના માટે ચૂંટણી લડ્યા હતા તે અધિકાર આજ સુધી તેમને મળ્યા નથી. દલિત સમુદાય સાથે જોડાયેલા તીતર સિંહ લગભગ 20 ચૂંટણી લડ્યા છે પરંતુ સંખ્યાબળને કારણે દર વખતે હાર્યા છે.

હાર નિશ્ચિત છે તો ચૂંટણી શા માટે લડવી છે? એવું પૂછતાં તીતર સિંહ ઊંચા અવાજે કહે છે, "કેમ ન લડીએ? સરકારે જમીન આપવી જોઈએ, સુવિધાઓ આપવી જોઈએ...આ ચૂંટણી ન્યાયી અધિકારની લડાઈ છે." આ વડીલ ફરી એકવાર એ જ જોશ, ઉત્સાહ અને મિશન સાથે વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર છે.

બલ્કે, પોતાના હક્કો હાંસલ કરવા માટેનું એમની પાસે એક એવું શસ્ત્ર છે જેની ધાર સમય અને ઉંમર વીતી જવા છતાં બુઠ્ઠી નથી થઈ. રાજસ્થાનના કરણપુર વિધાનસભા ક્ષેત્રના એક નાનકડા ગામ '25 એફ'માં રહેતા તીતર સિંહને સિત્તેરના દાયકામાં જ્યારે તેઓ નાના હતા ત્યારે ચૂંટણી લડવાનો શોખ જાગ્યો હતો અને તેમના જેવા ઘણા લોકો કેનાલ વિસ્તારોમાં જમીનની ફાળવણીથી વંચિત હતા.

તેમની માંગ હતી કે સરકારે જમીન વિહોણા અને ગરીબ મજૂરોને જમીન ફાળવવી જોઈએ. આ માંગણી અને આશયથી તેણે ચૂંટણી લડવાનું શરૂ કર્યું અને પછી જાણે તેને આદત પડી ગઈ. એક પછી એક ચૂંટણી લડી. જો કે, વ્યક્તિગત સ્તરે જમીન ફાળવવાની તેમની માંગ હજુ પૂરી થઈ નથી અને તેમના પુત્રો પણ દાડિયા મજૂર તરીકે કામ કરે છે.

તીતર સિંહે 10 લોકસભા ચૂંટણી લડી છે

તીતર સિંહે જણાવ્યું કે અત્યાર સુધી તેઓ લોકસભાની દસ, વિધાનસભાની દસ, જિલ્લા પંચાયત પ્રમુખની ચાર, સરપંચની ચાર અને નગર પાલિકાની ચાર ચૂંટણી લડી ચૂક્યા છે. નોમિનેશન પેપર સાથે દાખલ કરવામાં આવેલ એફિડેવિટ મુજબ તેમની ઉંમર હાલ 78 વર્ષ છે. તીતર સિંહે પીટીઆઈને જણાવ્યું હતું કે તેમને ત્રણ દીકરીઓ અને બે દીકરા છે. પૌત્ર-પૌત્રીઓના પણ લગ્ન થઈ ગયા છે. તેમની પાસે જમા મૂડીના નામે 2500 રૂપિયાની રોકડ છે. જમીન નથી, મિલકત નથી, વાહનો અને ઘોડા નથી. તેમણે કહ્યું કે આ ઉંમરે પણ, સામાન્ય દિવસોમાં, તે સરકારની રોજગાર ગેરંટી યોજના 'મનરેગા' હેઠળ રોજમદાર મજૂર તરીકે કામ કરે છે અથવા જમીનદારોને ત્યાં ખેતમજૂરી કરે છે. પરંતુ ચૂંટણી આવતા જ તેમની ભૂમિકા બદલાઈ જાય છે. તેઓ ઉમેદવાર બનીને પ્રચાર કરે છે, મત માંગે છે અને પરિવર્તનનું વચન આપે છે. છેલ્લા કેટલાય દાયકાઓથી આવું થઈ રહ્યું છે. જોકે, ચૂંટણીના આંકડા ક્યારેય આ મજૂરની તરફેણમાં રહ્યા નથી અને દર વખતે તેની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે.

ક્યારેય પૂરા 1000 મત પણ મળ્યા નથી!

ચૂંટણી વિભાગ અનુસાર તીતર સિંહને 2008ની વિધાનસભા ચૂંટણીમાં 938 મત, 2013ની વિધાનસભા ચૂંટણીમાં 427 મત અને 2018ની વિધાનસભા ચૂંટણીમાં 653 મત મળ્યા હતા. તેમનું ગામ શ્રીગંગાનગર જિલ્લાના કરણપુર તાલુકામાં છે જ્યાંથી તેઓ અપક્ષ ઉમેદવાર છે. ભાંગીતૂટી હિન્દી અને મિશ્રિત પંજાબી બોલતા તીતર સિંહે કહ્યું કે તેમને અને તેમની પત્ની ગુલાબ કૌરને સરકાર તરફથી વૃદ્ધાવસ્થા પેન્શન મળે છે, જે તેમને જીવવામાં મદદ કરે છે. તે ચૂંટણીઓમાં અન્ય કંઈ ખર્ચ કરતા નથી.

ચૂંટણી લડવા અંગે તેમને ક્યારેય કોઈ પ્રકારના સામાજિક વિરોધનો સામનો કરવો પડ્યો નથી તેવા પ્રશ્ન પર તીતર સિંહે કહ્યું, “એવું કંઈ નથી. ઊલટું, લોકો થોડી મદદ કરે છે." રસપ્રદ વાત એ છે કે આ વૃદ્ધ કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી પરંતુ પત્ની સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા હતા ત્યારનો તેમનો વીડિયો વાયરલ થયો છે. તીતર સિંહ જેવા લોકો બહુજન સમાજને હાર ન માનવાની પ્રેરણા આપે છે. આપણે નાની અમથી બાબતોને લઈને હથિયાર હેઠાં મૂકી દેતા હોઈએ છીએ, ત્યારે 78 વર્ષના આ વડીલના જોશને સલામ.

આગળ વાંચોઃ એક ગાંડો ઘેલો કવિ, નામ એનું શંકર પેન્ટર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.