કૃષ્ણ ભક્તિમાં અંધ માહી, ગૌરી અને માયાએ આત્મહત્યા કેમ કરી?
શરીર નશ્વર છે, કદી મરતું નથી....પરમાત્માને મળવાની ચિઠ્ઠી લખીને 13-15 વર્ષની ત્રણ સગીરાઓએ ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી.
ધર્મગ્રંથો કહે છે કે ઈશ્વર પાસે દરેક સમસ્યાનું સમાધાન છે, ઈશ્વરના શરણમાં આવો, તમારી દરેક સમસ્યાઓનું નિરાકરણ આવી જશે. ધાર્મિક મેળાવડાઓ, કથાઓ, પારાયણોમાં વ્યાસપીઠ પરથી સદીઓથી આ કહેવાતું આવ્યું છે. શ્રદ્ધાળુ લોકો તેમાં વિશ્વાસ ધરાવીને તેને અનુસરતા પણ હોય છે. પણ ક્યારેક આ આધ્યાત્મિકતા, ધર્મ અને ઈશ્વર પ્રત્યેની આસ્થા જીવલેણ પણ સાબિત થતી હોય છે. તેનું તાજું ઉદાહરણ હાલ ત્રણ સગીરાઓની આત્મહત્યાની એક ઘટનામાં પણ દેખાય છે.
મામલો ધર્માંધ અને જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં થોડા દિવસ પહેલા મથુરા જિલ્લામાં ત્રણ સગીરાઓએ રેલવે ટ્રેક પર ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે. મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવા કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આવા વિચારો વ્યક્તિના મનમાં ત્યારે આવે છે જ્યારે તે વાસ્તવિક જીવન અને મુશ્કેલીઓમાંથી બચવા માટે આધ્યાત્મિકતાનો સહારો લે છે અને તેનો શિકાર બને છે. આ માટે સામાજિક અંતર પણ જવાબદાર છે. જેના કારણે તે માનસિક અને ભાવનાત્મક રીતે નબળી પડી જાય છે અને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરતી નથી.
ઘટના શું હતી?
24 મેના રોજ મથુરા-આગ્રા રેલવે ટ્રેક પરથી ત્રણ સગીરાઓના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસને શરૂઆતમાં લાગ્યું કે મથુરા આસપાસ રહેતી યુવતીઓએ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હશે, પરંતુ જ્યારે પોલીસે એક યુવતીના કપડા પર ટેગ જોયું તો તેઓ ચોંકી ગયા. કારણ કે, ટેગ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના દરજીનું હતું. પોલીસને પણ આશ્ચર્ય થયું કે જો ત્રણેય સગીરાઓ મુઝફ્ફરપુરની રહેવાસી હતી તો પછી અહીં આવીને આત્મહત્યા કેમ કરી?
આ પણ વાંચોઃ ત્રણ માસની 'ભગવતી'ને ભૂવાએ અગરબત્તીના ડામ દેતા મોત
આ સવાલના જવાબ માટે મથુરા પોલીસે મુઝફ્ફરપુર પોલીસનો સંપર્ક કર્યો અને મથુરા પોલીસના એસએસપીના આદેશ પર પોલીસની એક ટીમ સીધી ત્યાં પહોંચી ગઈ. અહીં તપાસમાં જાણવા મળ્યું કે અખાડા ઘાટની રહેવાસી ત્રણ છોકરીઓ માહી (16), ગૌરી (14) અને માયા (13) 13 મેના રોજ એકસાથે ગુમ થઈ હતી. જ્યારે પોલીસે પરિવારજનોને આ ઘટનાની જાણ કરી અને તેમના ફોટા બતાવ્યા તો તેઓ પણ ચોંકી ઉઠ્યા. પોલીસ ત્રણેયના પરિવારજનોને લઈને સીધી મથુરા પહોંચી હતી.
ભક્તિમાં ડૂબેલી માહીએ બીજી બેને ડૂબાડી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, માહીના ઘરની બાજુમાં બે સગી બહેનો ગૌરી અને માયા રહેતી હતી. ત્રણેય વચ્ચે સારી મિત્રતા હતી. માહી સાવ નાની હતી ત્યારે તેની માતા મૃત્યુ પામી હતી. એ પછી તેનું જીવન અસ્તવ્યસ્ત થવા લાગ્યું હતું. ભક્તિમાં ડૂબેલી માહીના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે આ શરીર નશ્વર છે. આત્મા ક્યારેય મરતો નથી, તે અમરત્વ પ્રાપ્ત કરે છે. ધીરે-ધીરે તે ધર્મ અને આધ્યાત્મિકતા તરફ વળતી ગઈ. તે સતત કૃષ્ણની ભક્તિમાં લીન રહેતી અને સત્સંગ અને ભજન સાંભળતી હતી. માહીને જોઈને ગૌરી અને માયા પણ એ જ રંગમાં રંગાઈ ગઈ અને માહીની સાથે સત્સંગ, ભજન સાંભળવાની સાથે ધ્યાન પણ ધરવા લાગી હતી.
આ પણ વાંચો: સુરાપુરા ધામ ભોળાદ પરના અંધવિશ્વાસના કારણે યુવકે આત્મહત્યા કરી?
પોલીસ પૂછપરછ દરમિયાન પરિવારજનોએ જણાવ્યું કે માહીની માતા આ દુનિયામાં ન હોવાથી તે ભક્તિમાં એટલી ઝનૂની બની ગઈ હતી કે ક્યારેક તે કહેતી કે તે તેની માતા સાથે પણ વાત કરે છે. પરિવારજનોએ જણાવ્યું કે માહીના મોઢેથી આ બધું સાંભળીને તેઓ ચોંકી ગયા હતા. તે 13 મેના રોજ ગૌરી અને માયાને લઈને ઘરેથી ભાગી ગઈ અને ટ્રેન દ્વારા શ્રીકૃષ્ણના શહેર મથુરા પહોંચી ગઈ હતી.
સુસાઇડ નોટમાં શું લખ્યું હતું?
જ્યારે મથુરા પોલીસ મુઝફ્ફરપુરમાં સગીરાઓના ઘરે ગઈ હતી ત્યારે તેમને ગૌરી અને માયાના ઘરેથી બે પત્રો પણ મળ્યા હતા. માયાના પત્રમાં લખ્યું હતું કે, “બાબાએ મને હિમાલયમાં બોલાવી છે. બધી તકલીફો દૂર થઈ જશે.” બીજો પત્ર ગૌરીનો હતો. ગૌરીએ લખ્યું હતું કે, “માફ કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. તું મરતી નહીં. તારી પહેલા મને મોત આવી જાય. મારી પત્ની, મને માફ કરજે.”
ત્રણેય સગીરાઓ 13 મેથી ઘરેથી ગુમ હતી
માહીના પિતા મનોજ કુમારે જણાવ્યું કે તેમની દીકરી 13 મેથી ગુમ હતી. જ્યારે તેના ફોન પરથી તેનું લોકેશન ટ્રેક કરવામાં આવ્યું તો તેનું છેલ્લું લોકેશન કાનપુરમાં મળ્યું હતું. એ પછી મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. ત્રણેય મથુરા કેવી રીતે પહોંચી ગઈ અને શા માટે આત્મહત્યા કરી તે હજુ સુધી સમજાયું નથી. ગૌરીના કાકાના જણાવ્યા પ્રમાણે, મુઝફ્ફરપુર પોલીસે ગુમ થયેલી છોકરીઓની બાબતમાં અમને કોઈ મદદ કરી નથી. એફઆઈઆર પણ નોંધાઈ ન હતી. જો મથુરા પોલીસ અમને શોધતી અહીં ન પહોંચી હોત તો અમને ખબર પણ ન પડી હોત કે છોકરીઓ હવે આ દુનિયામાં નથી.
ત્રણેય સગીરાઓ અહીંના યોગીયામઠ વિસ્તારમાં રહેતી હતી. તેઓ સતત યુટ્યુબ પર ધાર્મિક પ્રવચનો સાંભળતી રહેતી હતી. તેમણે જાન્યુઆરીમાં માંસ-મચ્છી ખાવાનું બંધ કરી દીધું હતું. સતત કૃષ્ણભક્તિમાં લીન રહેતી હતી અને છેલ્લે હિમાલયમાં બાબાને મળવા જવાની ચિઠ્ઠી લખીને ઘરેથી ભાગી ગઈ હતી.
આ પણ વાંચો: ધર્મની તાકાત શું છે?
પોલીસે ત્રણેય સગીરાઓની બે બીજી બહેનપણીઓની પૂછપરછ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ શીવગુરૂને ટૂંકમાં 'એસવીજી' લખતી હતી. સોશિયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ દ્વારા તેમનામાં શિવગુરૂ ભક્તિનો ભાવ જાગ્યો હતો. જે આખરે અંધભક્તિમાં પરિણમ્યો હતો અને આત્મહત્યા કરી લીધી હતી.
યુવાનો વાસ્તવિકતાથી દૂર રહેવા લાગ્યા છે
મનોવૈજ્ઞાનિકો આ ઘટનાને આભાસી જગતમાં રાચતા હોવા સાથે જોડે છે. તેમનું કહેવું છે કે, વર્ચ્યુઅલ દુનિયામાં રહેવાને કારણે યુવાનો જીવનની વાસ્તવિક ચિંતાઓથી દૂર રહેવા લાગે છે. વધુ રીલ્સ અને વિડિયો જોવાથી મન અને મગજ પર વર્ચ્યુઅલ દુનિયાની અસર વધે છે. સોશિયલ મીડિયા પરની રીલ્સ અને ધર્મગુરુઓ તરફથી તથ્યોનું અધૂરું સત્ય યુવા પેઢી માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. જે લોકો આ વર્ચ્યુઅલ દુનિયાને માત્ર મનોરંજનનું સાધન ન સમજવાની ભૂલ કરે છે તેઓ ઘણીવાર ડિપ્રેશનમાં જીવવા લાગે છે અને વ્યક્તિનો મૂડ બદલાવા લાગે છે. આપણે મનોવિજ્ઞાનમાં આને સનેટીઝમ કહીએ છીએ. આ સ્થિતિમાં આપણે તર્કનો ઉપયોગ કરતા નથી, તમારી વિચારસરણી ખૂબ જ લાગણીશીલ બની જાય છે.
ધાર્મિકતા અને આધ્યાત્મિકતા બંને અલગ છે
ધાર્મિકતા અને આધ્યાત્મિકતા બે અલગ અલગ વસ્તુઓ છે. ધાર્મિકતામાં આપણે કોઈ ધર્મ પ્રત્યે એકતરફી નમી પડીએ છીએ. જ્યારે આધ્યાત્મિકતામાં આપણે બધાં પાસાઓ તપાસીએ છીએ. જેમાં તર્ક સાથે કોઈ ધર્મ તરફ વળીએ છીએ. તેના આધારે આત્મહત્યા જેવું પગલું ભરી લેવું સનૈટિક્સ ભાવને દર્શાવે છે. આવી ચીજો તમારી તાર્કિક અને વિચારવાની ક્ષમતાને ખતમ કરી નાખે છે. આને ધાર્મિક અંધભક્તિ પણ કહે છે. તેનાથી બચવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયા પણ તેને પ્રભાવિત કરે છે.
આ પણ વાંચો: ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી