વાળંદ વાલ્મિકી સમાજના લોકોના વાળ નહોતા કાપતા, જાણો પછી શું થયું
આઝાદી પછી પણ ભારતમાં અનેક જાહેર સલૂનોમાં વાળંદો વાલ્મિકી સમાજના લોકોના વાળ કાપવાનો ઈનકાર કરી દે છે, પણ અહીં જે થયું તે જરા જુદું હતું.
જાતિગત ભેદભાવથી ખદબદતા, ધાર્મિક અંધશ્રદ્ધાઓમાં રાચતા, મહિલાઓ માટે નરક ગણાતા રાજસ્થાનમાં આભડછેટ પણ સ્વાભાવિક રીતે જ ટોચે હોવાની. આઝાદીના 75 વર્ષ પછી પણ અહીં સેંકડો ગામો, નાના શહેરોમાં વાળંદો વાલ્મિકી, ભીલ, મેઘવાળ વગેરે જાતિના લોકોના બાલ-દાઢી કાપવાનો ઈનકાર કરી દેતા હતા. વાળંદો ખુદ પછાત જાતિમાંથી આવતા હોવા છતાં તેમને તેમની જાતિનો ઘમંડ રહેતો હતો. પણ કોઈ જાગૃત નાગરિકે ઉચ્ચ સ્તરે આ મામલે રજૂઆતો કરી અને પોલીસ અધિકારીઓ એક્શનમાં આવ્યા એટલે સૌની સાન હવે ઠેકાણે આવી રહી છે.
તંત્ર એક્શનમાં આવ્યું
રાજસ્થાનના પાટનગર જયપુર અને તેની આસપાસના વિસ્તારમાં આઝાદીના અમૃતકાળમાં પણ અનેક વિસ્તારોમાં વાળંદો વાલ્મિકી સમાજના લોકોના વાળ કાપવાનો ઈનકાર કરી દેતા હતા. આવી ફરિયાદો મુખ્યમંત્રી, ગૃહ વિભાગ, માનવ અધિકાર આયોગ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હતી. જેને લઈને પોલીસ હેડ ક્વાર્ટર દ્વારા અહીંના બાડમેર, સિરોહી, કરૌલી, નાગૌર, જાલોર અને બલોત્રા જિલ્લાના પોલીસ વડાને પત્ર લખીને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી કે આવી ઘટનાનું પુનરાવર્તન થતું અટકાવે અને તેના માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવે.
આ પણ વાંચોઃ જાતિવાદને કારણે હું પ્રેમ લગ્ન ન કરી શક્યોઃ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા
વાલ્મિકી, ભીલ, મેઘવાળના વાળ નહોતા કાપતા
આ જિલ્લાઓમાં ફરિયાદો મળી હતી કે સામાન્ય માણસ માટે ખોલવામાં આવેલી દુકાનો પર વાળંદો વાલ્મિકી, ભીલ, મેઘવાળ વગેરે જાતિના લોકોના વાળ કાપવાની હજુ પણ ના પાડી દે છે. જેને લઈને માનવ અધિકાર વિભાગનો હવાલો સંભાળતા ડીજીપી કિશન સહાયે ત્રણ દિવસ પહેલા બાડમેર, સિરોહી, કરૌલી, નાગૌર, જાલોર અને બલોત્રા જિલ્લાના પોલીસ વડાને પત્ર લખીને જણાવ્યું હતું કે, જાતિના આધારે વાળ કાપવાનો ઈનકાર કરવો એ કાયદાની દ્રષ્ટિએ ગુનો છે અને જાતિ ભેદભાવ તથા માનવ અધિકારના ભંગની શ્રેણીમાં આવે છે. તેમણે સંબંધિત જિલ્લાઓના પોલીસ વડાઓ અને રેન્જ આઈજીને સૂચના આપી હતી કે તેમના તાબા હેઠળના પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારોમાં દરેક બીટ હેઠળ આવતા ગામડાઓમાં વાળ કાપવામાં જાતિના આધારે ભેદભાવ ન કરવા આદેશ કરે. જો કોઈ આવું કરે છે તો તેની સામે કડક કાર્યવાહી કરે.
સલૂનમાલિકોની સાન ઠેકાણે આવી
ડીજીપી માનવ અધિકારીના આ આદેશ બાદ પોલીસ અધિકારીઓ તરત એક્શનમાં આવ્યા હતા અને જ્યાં પણ આવી ઘટનાઓ ઘટી હતી ત્યાં જઈને દુકાનોમાં જાતિભેદ કરતા વાળંદોને આવું ન કરવા જણાવ્યું હતું. એ પછી અનેક દુકાનોમાં વાળંદોની સાન ઠેકાણે આવી ગઈ હતી અને વાલ્મિકી, ભીલ અને મેઘવાળ સમાજના લોકોના વાળ કાપવાનું પણ તેમણે ચાલું કરી દીધું હતું. કેટલીક જગ્યાએ તો માનવ અધિકાર કાર્યકર્તાઓ વાલ્મિકી સમાજના લોકોને સાથે રાખીને વાળ કપાવવા માટે પહોંચી ગયા હતા અને જો વાળંદ ઈનકાર કરે તો પોલીસનો પરિપત્ર બતાવી કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું. જેની ધારી અસર થઈ હતી અને ધીરેધીરે સલૂનોમાં વાળંદોની સાન ઠેકાણે આવતી ગઈ છે. આ આખો ઘટનાક્રમ એ બાબતની સાબિતી પુરે છે કે, કાયદો જો કાયદાનું કામ કરે તો આભડછેટ નામનું દૂષણ કાયમ માટે ખતમ થઈ શકે છે. જરૂર છે સરકારમાં બેઠેલા અને કાયદાનું પાલન કરાવનારાઓની સાફ દાનતની.
આ પણ વાંચોઃ ઈતિહાસકારોએ બહુજન વીરાંગના ઝલકારીબાઈને અન્યાય કેમ કર્યો?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Harish Solankiકે સરકાર કે અધિન હૈ અગર સરકાર એક એલાન કરતી હૈ કે જાતિવાદ ખતમ હો તો કોઈ નહીં કરેગા મગર સરકાર ખુદ જાતિ વાતો ભણાવવા દે રહી હૈ કાયદેકા કડક પાલન હો ઔર જો ગુના કરતા હૈ સજા કા પ્રાવધાન હો આજતક એસસી એસટી એક્ટ કે કિસી પે ભી મુકતમાં નહીં ચલાયા
-
Manish Parmarસાચી વાત છે જો કાયદાનું સંપૂર્ણ અને ન્યાયિક અમલ થાય તો ઘણો સુધારો થઇ શકે.