જાતિવાદને કારણે હું પ્રેમ લગ્ન ન કરી શક્યોઃ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી છે, જેમાં જાતિવાદ કેવી રીતે વિલન બન્યો તેને લઈને તેમનું દર્દ છલકાયું હતું.

જાતિવાદ કેટલું મોટું દૂષણ છે તેનો જાતઅનુભવ હવે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યો છે. સિદ્ધારમૈયાને પણ ભૂતકાળમાં જાતિવાદ નડ્યો હતો અને તેના કારણે તેઓ જે છોકરી સાથે લગ્ન કરવા માંગતા હતા તેના પરિવારે તેમનો સ્વીકાર કર્યો નહોતો. એ રીતે તેઓ જે છોકરીને પ્રેમ કરતા હતા તેની સાથે લગ્ન કરી શક્યા નહોતા. યુવાની કાળનું આ દર્દ તેમણે હાલમાં જ એક આંતરજાતિય સમૂહલગ્નમાં વ્યક્ત કર્યું હતું.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાની યુવાનકાળમાં જાતિવાદનો કડવો અનુભવ થયાનો કિસ્સો યાદ કરીને લોકો વચ્ચે મૂક્યો છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે, "હું એક છોકરીને પ્રેમ કરતો હતો, મારે તેની સાથે લગ્ન કરવા હતા, પણ તે બીજી જાતિની હોવાથી લગ્ન ન થઈ શક્યા. એ પીડા હું ભૂલી શકતો નથી. ફક્ત જાતિના કારણે મારા લગ્ન ન થઈ શક્યા. હું ઈચ્છીશ કે બીજા લોકો સાથે આવું ન થાય, એટલે જ હું આંતરજાતિય લગ્નનું સમર્થન કરું છું." ઉલ્લેખનીય છે કે, સિદ્ધારમૈયા ત્યાંની પશુપાલક જાતિમાંથી આવે છે.

જાતિવાદને કારણે મારા લગ્ન ન થઈ શક્યા
સિદ્ધારમૈયાએ પોતાની પ્રેમ કહાનીનો એક કિસ્સો લોકો સાથે શેર કર્યો હતો. તેમણે એ યાદ કરતા કહ્યું કે, કેવી રીતે તેમની પ્રેમકહાનીમાં જાતિવાદ વિલન બનીને આવ્યો હતો. બે દિવસ પહેલા બુદ્ધ પૂર્ણિમાના દિવસે મૈસૂરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ આંતરજ્ઞાતિય લગ્નના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં તેમનું યુવાનીકાળનું દર્દ છલકાયું હતું. સિદ્ધારમૈયાએ પોતાના કોલેજ કાળના દિવસોને યાદ કર્યા હતા.

તેમણે કહ્યું, "હું આંતરજાતિય લગ્ન કરવા માંગતો હતો. પણ છોકરીના પરિવારજનોએ મારો સ્વીકાર ન કર્યો. તેઓ માન્યા નહીં. જ્યારે હું કોલેજ કરી રહ્યો હતો ત્યારે એક છોકરીને પ્રેમ કરતો હતો. મને ખોટો ન સમજતા, પણ હું તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ તે છોકરીનો પરિવાર તેના માટે રાજી નહોતો. તેમને મારી જાતિથી સમસ્યા હતી. જાતિવાદને કારણે મારા તેની સાથે મારા લગ્ન ન થઈ શક્યા."

આ પણ વાંચોઃ ચાંદખેડામાં મહિલાઓ દ્વારા પેટાજાતિવાદ તોડતા અનોખા સમૂહ લગ્ન યોજાયા

આંતરજાતિય લગ્નને ટેકો જાહેર કર્યો
સિદ્ધારમૈયાએ આગળ કહ્યું કે, "અંતે મારા તે છોકરી સાથે લગ્ન ન થઈ શક્યા. મારે મારી જ જાતિની છોકરી સાથે લગ્ન કરવા પડ્યા. એ દિવસો આજે પણ મને યાદ છે. માટે હું આંતરજાતિય લગ્નોને મારો સંપૂર્ણ ટેકો જાહેર કરું છું. મારી સરકાર આવા દરેક લગ્નો માટે જરૂરી તમામ મદદ કરશે."
બુદ્ધ પૂર્ણિમાના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા
સિદ્ધારમૈયાના જણાવ્યા પ્રમાણે, જાતિવાદને ખતમ કરવા માટે અને સમાજમાં સમાનતા લાવવા માટેનો પ્રયાસ તથાગત બુદ્ધ અને ઈસ્વીસન પૂર્વે 12મી સદીમાં કર્ણાટકમાં સમાજ સુધારક બસવેશ્વરના સમયથી થઈ રહ્યો છે. તેમણે એ બાબતને લઈને નિરાશા વ્યક્ત કરી કે, સમાનતા આધારિત સમાજના નિર્માણ માટે અનેક સમાજ સુધારકોએ પ્રયત્નો કર્યા તેમ છતાં તેનું પરિણામ દેખાઈ રહ્યું નથી.

તેમણે કહ્યું કે, "જાતિવાદની સામાજિક સમસ્યાને ખતમ કરવાના બે રસ્તા છે. એક છે આંતરજાતિય લગ્ન અને બીજો છે દરેક સમાજ વચ્ચે સામાજિક-આર્થિક સશક્તિકરણ. સિદ્ધારમૈયાએ કહ્યું કે, સામાજિક આર્થિક ઉત્થાન વિના સમાજમાં સામાજિક સમાનતા ન આવી શકે."

આ પણ વાંચોઃ કલોલના ચરાડુ ગામના ઠાકોર સમાજે વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભર્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.