કલોલના ચરાડુ ગામના ઠાકોર સમાજે વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભર્યું
જાતિવાદી હુમલાઓ માટે કુખ્યાત થઈ ચૂકેલા ગાંધીનગરના કલોલ તાલુકામાં હાલમાં જ અનુસૂચિત જાતિ સમાજના લગ્નપ્રસંગોમાં હુમલાની ત્રણ ઘટનાઓ બની છે. આ ત્રણેય ઘટનાઓમાં ઓબીસી ઠાકોર સમાજના લોકો આરોપી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આ જ કલોલ તાલુકામાં એક એવી ઘટના પણ બની છે જેણે માનવતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. શું છે આખો મામલો, વાંચો આ અહેવાલ.
એક બાજુ ગુજરાતમાં દલિત સમાજના યુવક-યુવતીઓના લગ્ન પ્રસંગોમાં જાતિવાદી તત્વો દ્વારા હુમલાઓ થઈ રહ્યાં છે. તેમને વરઘોડો કાઢવા દેવામાં નથી આવતો, ડી.જે. સાથે ગામના મુખ્ય માર્ગો પરથી નીકળવા દેવાતા નથી, વરરાજા ઘોડી પર ચઢી જાન લઈને આવે તો હુમલા થાય છે. મોટાભાગના આવા બનાવોમાં ઓબીસી સમાજના લોકો સામેલ હોય છે. ગુજરાતમાં ચાલુ વર્ષે દલિતોની જાન પર બનેલી મોટાભાગની ઘટનાઓ પર નજર કરતા પણ તે પેટર્ન વર્તાઈ આવે છે. આવી ઘટનાઓમાં ઓબીસીમાં પણ મુખ્યત્વે ઠાકોર સમાજના લોકોનો હાથ હોવાનું સામે આવ્યું છે.
ઓબીસી ઠાકોર સમાજ દ્વારા દલિતોના લગ્નમાં હુમલાની સૌથી વધુ ઘટનાઓ આપણી નજર સામે છે, બીજી તરફ આ જ ઠાકોર સમાજમાં કેટલાક એવા લોકો પણ વસે છે જેઓ મનુવાદીઓની આ ચાલને બરાબર સમજે છે અને એટલે જ દલિતો, ઓબીસી વચ્ચેની ખાઈને પુરવાનો પ્રયત્ન કરતા રહે છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો હાલ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાંથી સામે આવ્યો છે. જ્યાં એક દલિત યુવકના લગ્નમાં તેના મોસાળના ગામના ઠાકોર સમાજ દ્વારા સૌ કોઈની આંખો પહોળી થઈ જાય તેવું મામેરું ભરવામાં આવ્યું હતું.
એક બાજુ ઠાકોરો દ્વારા દલિતો પર હુમલા, બીજી તરફ માનવતાની સરવાણી
માનવતા અને ભાઈચારાને ઉત્તેજન આપતી આ ઘટના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરીસાણા ગામની છે, જ્યાં વાલ્મિકી સમાજના કિશોરભાઈ અને સીતાબહેનના દીકરાની જાન ચરાડુ ગામે ગઈ હતી. અહીં સીતાબહેનના ગામના લોકો દ્વારા મામેરું ભરવામાં આવ્યું હતું. આ મામેરું ખાસ એટલા માટે હતું, કેમ કે તે તેમના માતાપિતા અને ભાઈઓ દ્વારા નહીં પરંતુ ગામના ઠાકોર સમાજ દ્વારા ભરવામાં આવ્યું હતું. આ એજ ગાંધીનગર જિલ્લો અને કલોલ તાલુકો છે, જ્યાંના ચડાસણા ગામે થોડા દિવસ પહેલા જ દલિત સમાજની જાનમાં વરરાજાને ઘોડી પર જાન લઈને જતા રોકવામાં આવ્યા હતા અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. અગાઉ અહીંના બિલેશ્વરપુરામાં ઠાકોર સમાજના જ કેટલાક લોકોએ ગામમાં દલિતોની જાન પર હુમલો કર્યો હતો. એક એ ઠાકોર સમાજના છે જે દલિતોના લગ્નપ્રસંગે મનુવાદીઓની ચાલમાં આવી જઈને હુમલાઓ કરે છે. બીજી તરફ આ પણ ઠાકોર સમાજ છે, જે વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભરવા આવ્યો હતો.
મામેરામાં સોનાનાં-ચાંદીના અનેક ઘરેણાં સામેલ
બોરીસાણામાં ઠાકોર સમાજ દ્વારા ભરવામાં આવેલા આ મામેરામાં તેઓ સોના-ચાંદીના અનેક ઘરેણાં લાવ્યા હતા. જેમાં સોનાનું લોકેટ, સોનાની પેડેન્ટ વાળી ચેઇન, સોનાની ચેઇન, સોનાનું કડું, સોનાની બુટ્ટી, સોનાની કાંટી અને ચાંદીના ઝાંઝરનો સમાવેશ થાય છે. આ સિવાય પરિવારજનો માટે કપડાં અને રોકડા રૂ. 25,000 ઠાકોર સમાજ દ્વારા વાલ્મિકી સમાજની દીકરીને અર્પણ કરવામાં આવ્યા હતા. દલિત અને ઓબીસી સમાજ વચ્ચેની વધતી જતી ખાઈ વચ્ચે આ ઘટનાએ આ બંને સમાજને વધારે નજીક લાવવાનું કામ કર્યું છે. ઓબીસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જેના કારણે આ સમાજના યુવાનો સરળતાથી મનુવાદીઓનો હાથો બનીને દલિતો પર હુમલાઓ કરે છે. ઓબીસી સમાજની અનામત પર તરાપ પડી રહી છે, સરકારી પદો પર તેમની ભરતીઓ થતી નથી, બેકલોગ ભરાતો નથી, આ સમસ્યાઓ તરફ તેમનું ધ્યાન ન જાય તે માટે તેમને જ્ઞાતિના ગર્વ અને અંધશ્રદ્ધામાં રાચતા રખાય છે. આવી કપરી પરિસ્થિતિમાં ચરાડુના ઠાકોર સમાજે બંને સમાજમાં કોમી એકતા અને ભાઈચારાની દિશામાં આ પહેલ કરીને ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.
આ પણ વાંચોઃ દલિતો પર હુમલા કરતા ઠાકોર યુવકોને ગુજરાત કોળી સમાજે ચેતવ્યા, કહ્યું, મનુવાદીઓનો હાથો ન બનો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.