એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં

એટ્રોસિટી એક્ટ હેઠળ થતી અનેક ફરિયાદોમાં કોર્ટ પીડિતોને સાંભળવાની તક આપ્યા વિના આરોપીઓને જામીન પર છોડી મૂકતી હોય છે. એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ મુજબ તે યોગ્ય નથી. હાલમાં જ આ મામલે દિલ્હી હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચૂકાદો આપ્યો છે ત્યારે નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ કે.બી. રાઠોડ સાહેબ અહીં આ સંદર્ભમાં વિસ્તારથી સમજણ આપે છે.

એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં
image credit - Google images

- કે.બી. રાઠોડ

તાજેતરમાં તા 14/2/2024 ના રોજ દિલ્હી હાઈકોર્ટેના જસ્ટિસ નવીન ચાવલાની બેંચે એક દલિત પીડિતાએ કરેલ અપીલમાં ચુકાદો આપીને દિલ્હીની સાકેત કોર્ટ સ્થિત સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે આરોપીને જામીન આપવાનો કરેલ હુકમ રદ કરેલ છે.

એક દલિત યુવતી પર સવર્ણ સમાજના આરોપીએ કરેલ બળાત્કાર, છેડતી અને ગુનાહિત ધમકી અંગે IPC કલમ 376, 354B, 506(2) ઉપરાંત એટ્રોસિટી એક્ટ ની કલમ 3(1)(w)(i), 3(2)(v) ના ગુનાની FIR નોંધાયેલ. તે ગુનાઓમાં પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલેલ. આ કેસમાં આરોપીએ જામીન અરજી કરતા કોર્ટે પીડિત યુવતીને સાંભળવાની તક આપ્યા વિના જામીન પર છોડવાનો હુકમ કરેલ.


આ હુકમ વિરુદ્ધ બળાત્કાર પીડિત દલિત યુવતીએ દિલ્હી હાઇકોર્ટમાં એટ્રોસિટી એક્ટની કલમ 14A ની જોગવાઈ મુજબ અપીલ કરેલ. અપીલમાં એવો કાનૂની મુદ્દો ઉઠાવેલ કે એટ્રોસિટી એક્ટની કલમ 15A(3) અને 15A(5) મુજબ કોર્ટે જામીન અરજીમાં ફરિયાદી કે પીડિતને નોટિસની બજવણી કરી સાંભળવા ફરજીયાત છે. તેમ છતાં સ્પે જજની કોર્ટે ફરિયાદી પીડિતને નોટિસની બજવણી કર્યા વિના આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે તેથી કાયદાની આ જોગવાઈમાં જે ફરજીયાત પ્રક્રિયા(procedure) કરવી જોઈએ તેનું ઉલ્લંઘન કરી જામીન પર છોડેલ છે. તે સંજોગોમાં જામીન રદ કરવા જોઈએ.


દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં સીમાચિહ્નરૂપ ચુકાદો આપીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) સામેના અત્યાચાર સંબંધિત કેસોમાં પ્રક્રિયાગત ન્યાયીપણાના સર્વોચ્ચ મહત્વ પર ભાર મૂક્યો છે. અને પીડિતોના અધિકારો અને ન્યાયતંત્ર પરની પ્રક્રિયાગત જવાબદારીઓ અંગે નોંધપાત્ર દાખલો બેસાડે તેવો ચુકાદો આપેલ છે.


તે પહેલા હરીરામ ભાંભિ વિરુદ્ધ સત્યનારાયણના કેસમાં સુપ્રીમ કોર્ટે તા 29/10/2021ના ચુકાદામાં પણ ઠરાવી આપેલ છે કે એટ્રોસિટી એક્ટ નીચેના ગુનાની જામીન અરજીની સુનવણી કરતા પહેલા એટ્રોસિટી એક્ટની કલમ 15A (3) મુજબ ફરિયાદી/પીડિતને નોટિસની બજવણી કરવી જોઈએ. અને કલમ 15A(5) મુજબ ફરિયાદી/પીડિતને સાંભળવાની તક આપવી ફરજીયાત છે. આ કાર્યવાહી (procedure) નું પાલન કરવું ફરજીયાત છે. તેનું ઉલ્લઘન થયેલ હોય તો જામીન રદ થાય.


આમ એટ્રોસિટી એક્ટની કલમ 15A(3) અને (5) માં સ્પષ્ટ જોગવાઈ કરેલ છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટના ચુકાદામાં આ કાનૂની સિધ્ધાંત પ્રતિપાદીત કરેલ હોવા છતાં ગુજરાતની એટ્રોસિટી એકટ નીચેની અમુક સ્પેશ્યલ કોર્ટો અમુક કિસ્સામાં જામીન અરજીઓમાં ફરિયાદી કે પીડિતને પાર્ટી તરીકે જોડેલ ન હોય તો પણ જામીન અરજીઓ સ્વીકારીને રજીસ્ટરે લઈ માત્ર ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીને નોટિસની બજવણી કરતી હોય છે. હકીકતમાં ઉપરોક્ત દિલ્હી હાઇકોર્ટના ચુકાદા મુજબ ફરિયાદી કે પીડિતને નોટિસની બજવણી થયા અંગેની ખાત્રી કરી તે અંગેનું રેકર્ડ જામીન અરજીમાં રેકર્ડ પર આવ્યા પછી જ જામીન અરજીનો નિર્ણય કરવો જોઈએ. ઘણા કિસ્સાઓમાં ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારી ફરિયાદીને મોબાઈલ કોલ કરી જામીન અરજીની જાણ કરી કોર્ટમાં હાજર રહેવાની મૌખિક સૂચના આપી કોર્ટમાં રજૂઆત કરતા હોય છે કે અમે ફરિયાદીને મોબાઈલ કોલથી જાણ કરેલ છે. આ પ્રેક્ટિસ ગેરકાયદેસર છે. છતાં ચલાવી લેવાય છે. અમુક કિસ્સાના તપાસ કરનાર પોલીસ અધિકારીને કોર્ટ નોટિસ કરે તેમાં ફરિયાદીને જાણ કરી હાજર રખાવવાની સૂચના આપે તેના પરથી તે અધિકારી પોતાની સહી કરી એક પત્ર લખી ફરિયાદીને જામીન અરજી બાબત અને તેની મુદતની જાણ કરતા હોય છે. અમુક કિસ્સામાં આ પોલીસ અધિકારીઓ જામીન અરજીની મુદતની ખોટી તારીખ જણાવતા હોય છે કે જે દિવસે જામીન અરજીની મુદત હોતી નથી. આમ કરી પીડિત અને ફરિયાદીને ગેરમાર્ગે દોરતા હોય છે.


એટ્રોસિટી એક્ટની કલમ 15A(5) માં જામીન અરજીમાં ફરિયાદી/પીડિતને સાંભળવાની તક આપવાની સ્પષ્ટ જોગવાઈ કરી છે. આ બધી જોગવાઈઓ એટ્રોસિટી એક્ટમાં 2016માં ધરખમ સુધારા કરી એટ્રોસિટી એક્ટ નીચેના ગુનાઓમાં પીડિતોના હક્ક અને અધિકારો માટે સ્પેશ્યલ જોગવાઈઓ કરેલ છે. તેમ છતાં અમુક કોર્ટો જામીન અરજીમાં કે આ કાયદા નીચેની બીજી કોઈ પણ કાર્યવાહીમાં ફરિયાદી કે પીડિતને કે તેની પસંદગીના વકીલ ને સાંભળવાનો સ્પષ્ટ ઇન્કાર કરીને સાંભળતી જ નથી. તેઓના તરફથી કોઈ દલીલ કે રજૂઆત કરવામાં આવે તો તેને ના પાડીને એમ સંભળાવી દેવામાં આવે કે તમારે બોલવાનું નથી. ઘણા કિસ્સામાં કોર્ટ તરફથી "પબ્લિક પ્રોસોક્યુટર આ કેસ ચલાવે છે એટલે તમે બોલશો નહીં" તેમ કહી આ જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવે છે.

(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને ન્યાયિક વ્યવસ્થામાં પડતી સમસ્યાઓ અંગે ચિંચિત વડીલ છે)

આ પણ વાંચોઃ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં SC, ST, OBCની 48 હજારથી વધુ નોકરીઓ ખાલી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • C B Parmar
    C B Parmar
    Congratulations Particular legal social matter take up and result came out good job salute
    7 months ago