વોટ આપતી વેળાનું ચિંતન

મત આપવા જતી વખતે એક સરેરાશ મતદારના મનમાં ચાલતી ગડમથલને ડો. સ્વપ્લિનલ મહેતા પોતાના આગવા રમૂજી અંદાજમાં વ્યક્ત કરે છે.

વોટ આપતી વેળાનું ચિંતન

ડો. સ્વપ્નિલ મહેતા 

આમ તો મારા ધર્મપત્ની પેજ પ્રમુખ, એટલે અમારા ઘરમાં એની હાંક બોલે. જો કે પેજ પ્રમુખ બન્યા પછી એનામાં ઠાવકાઈનું પ્રમાણ પણ વધ્યું છે અને ચહેરા ઉપરની આછી મૂછો પણ હવે બરાબર ઉપસી આવી છે. આમ તો અમારા મહોલ્લાના રાજકીય કાર્યકરભાઈ હું પોતે પેજ પ્રમુખ બનું એવો આગ્રહ સેવતા હતા.

"તમારા જેવા ભણેલા ગણેલા માણસ રાજકારણથી દૂર જશે તે કેમ ચાલશે? તમારા જેવા સજ્જન માણસોની દેશને જ નહિ આપણા પક્ષને પણ જરૂર છે." જ્યારે આ સામાજિક કાર્યકરભાઈ મારા માટે આવુ મનગમતું બોલ્યા ત્યારે મારો એમના પ્રત્યેનો અભિગમ બદલાયો હતો. નહીં તો મેં હંમેશા એમને નશાયુકત હાલતમાં ગાળાગાળી કરતા અને મારામારી કરતાં જ જોયા હતા. હું હંમેશા એમનાથી એક સામાજીક અંતર બનાવીને ચાલ્યો છું. રાજકારણ ભલે આપણને ગંદુ લાગતું હોય, પણ આવા ઘણાં લોકોને તે સફેદ કપડાં પહેરાવી  શુધ્ધ પણ કરી નાખતું હોય છે. હવે ડિરેકટરીના અમારાવાળા પેજ ઉપર બે પ્રબળ દાવેદાર હતા. જે પૈકી એક જૈફ વયના મારા માતૃશ્રી અને બીજા મારા ધર્મપત્ની.

"સાહેબ તમે કહો એને આપણે પેજપ્રમુખ બનાવી દઈએ" કાર્યકરે એવું કહયું અને યુધિષ્ઠિર પાસે જેટલુ ધર્મસંકટ નહોતું તેનાથી દશ ગણું એકસામટું ધર્મસંકટ મારા ઉપર આવી પડ્યું. હવે પેજ ઉપરનું રાજકારણ મારા ઘરમાં પ્રવેશી રહ્યુ હતું.

"નરો વા, કુંજરો વા" એવું કહીને મે બધી જવાબદારી પેલા કર્મઠ કાર્યકર્તા ઉપર નાંખી દીધી. અડવાણીજી અને મનમોહનસિંહ પછી દરેક પક્ષો વૃધ્ધોને અવગણવા માંડ્યા છે એટલે પછી અંતે પત્ની જ પેજપ્રમુખ બની અને એ પછી તરત જ એના વર્ચસ્વમાં એક પેજ જેટલો વધારો થઈ ગયો. મતદાનના દિવસે મારી ભાર્યાએ દિવાળી વખતે ખરીદેલા રેડીમેઈડ પેન્ટ-શર્ટની જોડ મારા માટે અલગ રાખીને, એ તો સવારથી પક્ષના કામમાં લાગી પડી હતી. જતાં જતાં એ  કહેતી પણ ગઈ કે, "પહેલા જેવા ગાંડા હવે નથી કાઢવાના ખબર છે ને વૉટ કોને આપવાનો છે?" મે હકારમાં માથું હલાવ્યું.

ચાર દિવસથી ઘરમાં પડેલું વાસી ખોરું ચવાણું અને રાતે પક્ષ કાર્યાલયથી આવેલા મેથીના ઠંડાગાર ભજિયા સામે નજર સુધ્ધાં નાખ્યા વગર મેં મારી પવિત્ર ફરજ પુરી કરવા મતદાન મથક જવા ચાલવા માંડયું.

એક વોટની કિંમત શુ હોય છે. એ હું જાણતો હતો. અન્ય એક પાર્ટીમાં સેવાભાવી કાર્યકરે એમની મોંધીદાટ ગાડીમાં મને  બેસાડવા ખૂબ જ આગ્રહ કર્યો પણ હું ટસ થી મસ ના થયો. મારા ઘરના પેજ પ્રમુખ ખુદે એની પ્રચાર રિક્ષા મારી આગળ ખડી કરી દીધી. તે ઉમેદવાર હોય એમ આંગળીઓથી વી આકાર બનાવી, મને વિજય ચિહ્વન દેખાડ્યું. મેં પણ ઔપચારિક સ્મિત કર્યુ. અને ચાલતો જ મતદાન કરવા નીકળી પડ્યો.

હું કોઈ સત્યાગ્રહી હોઉ અને જાણે મોટું આંદોલન કરવા જઈ રહ્યો હોઉં એવું અનુભવી રહ્યો હતો. હું આ દેશની અખંડ લોકશાહીનો એક ખંડ છું. એવું મને વારંવાર પ્રતિત થઈ રહ્યું હતું. હું જ તિરંગો, હું જ લોકશાહી ને હું જ સંવિધાન છું. એવી ભાવના મારામાં પ્રબળ થઈ રહી હતી.

મારા ખિસ્સામાં રહેલા આધારકાર્ડ, પાન કાર્ડ, વોટર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, પોપર્ટી કાર્ડ, પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ, આભા કાર્ડ, મા કાર્ડ, ગટર વેરાની પહોંચ, લાઈટ બિલની નકલ, ગેસના બાટલાની પહોંચ, મિલકતવેરા ભર્યાની પહોંચ, મારું બેંક સ્ટેટમેન્ટ, મારા ઇન્કમટેક્ષ રિર્ટનની પ્રમાણિત નકલ, શાળા છોડયાનું પ્રમાણ પત્ર. સારી ચાલચલગતનો દાખલો, છેલ્લે પેટ્રોલ ભરાયાનો પુરાવો, જન્મનું પ્રમાણપ્રત્ર, આ ઉપરાંત (ન વેચાયેલા રેલ્વેપ્લેટફોર્મની) હમણાં લીધેલી પ્લેટફોર્મ ટિકિટ પણ સાથે રાખી હતી. બધાં દસ્તાવેજો મને સંપૂર્ણ ભારતીય તરીકેની ઓળખ દર્ઢ કરવામા મદદરૂપ થઈ રહ્યા હતા. ટૂંકમાં મારા મરણના દાખલા સિવાય લગભગ બધાં જ ડોક્યુમેન્ટ મારી પાસે મોજૂદ  હતા. એટલું જ નહિ, એક સારા અને નીડર નાગરિક તરીકે કોરોનાની વેકસિન લેતી વખતે પડાયેલો ફોટો અને વિશ્વગુરૂની તસ્વીર વાળું વેકસિન સર્ટિફિકેટ પણ મેં મારા ખિસ્સામાં રાખ્યો હતો. આ દેશમાં હું કાયદેસર વસવાટ કરું છું, એનું ગૌરવ પણ મારી સાથે ભેગાભેગું ચાલતું હતું.

આ પણ વાંચો: દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા

મને આપણા તિંરગાના ત્રણેય રંગો પણ મુંહજબાની યાદ હતા. અશોક ચક્રમાં કેટલા આરા હોય તેની વિગત પણ મેં ગોખી નાંખી હતી. પ્રસંગોપાત હું ભારત માતાનો જય પણ બોલી શકતો હતો. રામમંદિર નિર્માણનિધિ માટે આપેલ રકમની પહોંચ પણ હું સાથે લેવાનું ચૂક્યો નહોતો.

આ મહાન દેશ તરફથી આવેલો ભાવવધારો હસતા મ્હોંએ, વિના વિરોધને સહન કરી શકતો હતો. એક ભારતીય તરીકે આ મારી મોટી વિશેષતા હતી. પાછો હું લોકશાહીમાં ભારોભાર શ્રધ્ધા રાખીને, હું વૉટ આપવા પણ જઈ રહ્યો હતો. ટૂંકમાં એક ભારતીય તરીકે મારામાં કશુંય ખુટતું નહોતું.

દિલધડક રીતે મેં મતદાન મથકમાં એન્ટ્રી કરી. લોકશાહીના રખેવાળો ભરી બંદૂકે લોકશાહીની  રખેવાળી કરી રહ્યા  હતા. મતદાન મથકના સરકારી સ્ટાફ પૈકી કેટલાંક લોકો રાજકીય પક્ષના કાર્યકરો હોય એવું વર્તન કરી રહ્યા હતા. એ મજબૂર લોકોને પણ મેં નજરઅંદાજ કર્યા અને એમના ઈશારાપણ નજરઅંદાજ કર્યાં.

ફરજ પરના અધિકારી મારૂં ભારતીયપણું ઝીણવટભરી નજરે તપાસી રહયા હતા. દસ્તાવેજો બરાબર હોવા છતાં એમણે એક કરતા વધારે મારા ચહેરા સામે જોયું. મારો માસ્ક દૂર કરાવીને પણ જોયું. હું ઈસમ છું કે શખ્સ, એ નક્કી કરવામાં તેઓ વાર લગાડી રહ્યા હતા. આખરે શંકાનો લાભ આપી મને મારી પવિત્ર ફરજ પુરી કરવાની સંમતિ અને કાગળ આપ્યો.

આ મારા માટે વિજયની ક્ષણ હતી. મારૂં રુંવેરુંવું ભારત માતાના જય બોલાવી રહયું હતું ને આખરે હું ઇવીએમ સામે ખડો થઈ ગયો.

ઈવીએમને જોતાં વેંત કેવળ મારી પત્ની, મારા બાળકો અને મારી માં સિવાય, પણ બીજા  મૂછોવાળા, દાઢીવાળા અને મૂછો વગરના રૂપાળા અને બિહામણા અનેકો ચહેરા મારી આંખ સામે તરવરવા લાગ્યા.

મારી સામે પડેલું આ કેવળ ઈવીએમ નહોતું. એક ભારતીય તરીકે મારું શસ્ત્ર  હતું. અસ્ત્ર હતું, ઓજાર હતું, ઉપચાર હતું. આશા હતું. મારા લોહીમાં રમમાણ થયેલી મારી લોકશાહી ઉપર મારી શ્રધ્ધાનેય વધારે ધટ્ટ કરવાનો એક ઉમદા અવસર હતું. એ મારે મન પવિત્ર હતું. બાહ્ય દેખાવથી જ નિર્દોષ દેખાતું હતું. 

પણ બાહ્ય દેખાવથી હું હંમેશા એક સરેરાશ ભારતીયોની જેમ એક કરતા વધારે છેતરાયો છું.  ફરી એક વાર છેતરાવા માટે, લોકશાહી ઉપર પૂર્ણ શ્રધ્ધા રાખીને, બંધારણે આપેલા હકોના બદલામાં મે મારી પવિત્ર ફરજ પુરી કરવા, ક્ષણ એક માટે આંખો મીંચીને એક બટન ઉપર આંગળી દબાવી. ને ઇવીએમ કોઈ અકથ્ય પીડાથી ચીસ પાડી ઉઠયું. કોને વોટ ગયો હશે, એની કશી પણ ચિંતા કર્યા વગર મે મારું મતદાન પુરું કર્યુ. હું પૂરેપૂરો ઠલવાઈ ચુક્યો હતો.

આ પણ વાંચો: ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.