સોમનાથમાં કોળી સમાજનું મોટું આંદોલન, જંગી બાઈક રેલી નીકળી
40 વર્ષથી કોળી સમાજ પાસે રહેલી જમીન પર અચાનક ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ. 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આજે જંગી બાઈક રેલી નીકળી હતી.
સોમનાથમાં કોળી સમાજને સોમનાથ ટ્રસ્ટ દ્વારા છેક 1994માં ફાળવવામાં આવેલી જમીન પર નગરપાલિકાએ અચાનક ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી દેતા રોષ ફાટી નીકળ્યો છે. કોળી સમાજ છેલ્લા ચાર દિવસથી આ મામલે આંદોલન કરી રહ્યો છે અને આજે જંગી બાઈક રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મામલો શું છે?
સોમનાથ ખાતે વર્ષ 1994થી ઠરાવ કરી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને જગ્યા ફાળવવામાં આવી હતી. આ જગ્યા છેલ્લાં 30 વર્ષથી કોળી સમાજ પાસે છે. અહીં રામદેવપીરનું મંદિર અને ગૌશાળા આવેલી છે, જેમાં અપંગ, નિરાધાર અને અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સારવાર અને સેવા કરવામાં આવે છે. આ જગ્યામાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની જાણ વગર ગાયોને વેરાવળ પાંજરાપોળમાં ટ્રાન્સફર કરીને જગ્યાના ડિમોલેશન કરવા જણાવ્યું હતું. જો કે કોળી સમાજના આગેવાનો ભેગાં થઈ જતા ડિમોલેશન અટકી ગયું હતું. એ પછી આ જગ્યા ઉપર કોળી સમાજના આગેવાનો અને લોકોએ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. આંદોલનના ચોથા દિવસે વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીએ કલેક્ટર કચેરીએ પહોંચી કલેકટરના માધ્યમથી પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરી હતી કે આ જગ્યા કોળી સમાજની છે અને તેમને જ આપવામાં આવે.
ધારાસભ્યથી લઈ મોટી સંખ્યામાં લોકો જોડાયા
આ બાઈકરેલીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા, માંધાતા ગ્રુપના પ્રમુખ રામભાઇ ચૌહાણ, સમસ્ત કોળી સમાજના પ્રમુખ લખમણભાઇ સોલંકી, સુત્રાપાડા કોળી સેનાના પ્રમુખ દેવેન્દ્રભાઈ સોલંકી, મોટા કોળી સમાજના પ્રમુખ દિનેશભાઇ બામણીયા, નાના કોળી સમાજના પ્રમુખ પ્રવિણભાઇ ચુડાસમા, વેરાવળ કોળી સમાજના પ્રમુખ વીરજીભાઈ જેઠવા સહિતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં સમાજના યુવાનો બાઈક રેલીમાં જોડાયા હતા.
મુખ્ય બજારો સમર્થનમાં બંધ રહ્યાં
આ આંદોલનના સમર્થનમાં પ્રભાસ પાટણના મુખ્ય બજારોના વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. સોમનાથ શોપીગ સેન્ટરના દુકાનદારો, પાથરણાવાળા, દરિયાકિનારે ચોપાટી ઉપરના દુકાનદારો અને પ્રભાસ પાટણના મુખ્ય બજારના વેપારીઓએ દુકાનો બંધ રાખી આંદોલનને સમર્થન આપ્યું હતું. કોળી સમાજે વધુમાં જણાવ્યું છે કે, આ જગ્યા તેમની છે અને જો તેમને નહીં ફાળવાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને ભૂખ હડતાળથી લઈને રાજ્ય સ્તરે આંદોલન કરશે.
આ પણ વાંચો: ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?