“મને ગુપ્તાંગ પર વીજશોક આપ્યો, ગુદામાર્ગે પેટ્રોલ નાખ્યું” – નળસરોવર પોલીસનો આરોપીઓ પર અમાનુષી અત્યાચાર, VPP કાર્યકરોની મદદથી પોલીસ વિરૂદ્ધ હાઇકોર્ટમાં પિટિશન દાખલ

ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ પર થતા અમાનુષી અત્યાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યોછે, જેની વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ થઈ છે. જાણો શું છે સમગ્ર મામલો..

“મને ગુપ્તાંગ પર વીજશોક આપ્યો, ગુદામાર્ગે પેટ્રોલ નાખ્યું” – નળસરોવર પોલીસનો આરોપીઓ પર અમાનુષી અત્યાચાર, VPP કાર્યકરોની મદદથી પોલીસ વિરૂદ્ધ હાઇકોર્ટમાં પિટિશન દાખલ

ગુજરાતમાં વિવિધ ગુનામાં આરોપીઓ પાસેથી કબૂલાત કરાવવા પોલીસ અત્યાચાર ગુજારતી હોવાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. એવો જ એક કિસ્સો વીરમગામ પાસેના નળસરોવર પોલીસ વિસ્તારનો સામે આવ્યો છે. જેમાં ચોરીનો ગુનો કબૂલ કરાવવા માટે પોલીસે સાત આરોપીઓને ગેરકાયદે રીતે અટકાયતમાં લીધા બાદ તેમના પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તમામ હદ હટાવીને પોલીસે આરોપીઓને ગુપ્ત ભાગે વીજશોક આપ્યાનો અને ગુદામાર્ગે પેટ્રોલ નાખવાનો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે, જેને લઈને હાઇકોર્ટ સમક્ષ ન્યાયની માંગણી કરવામાં આવી છે.

મામલો શું હતો?

એપ્રિલ ૨૦૨૩માં નળસરોવર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડચોરીનો ગુનો નોંધાયો હતો. મૂળ આરોપીઓ ન પકડાતા સપ્ટેમ્બર ૨૦૨૩માં નળસરોવર પોલીસ દ્વારા બાતમીના આધારે ૭ જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જેમની સામે IPC ૪૫૭, ૧૧૪ અને ૩૮૦ મુજબ કાર્યવાહી કરવામાં આવી. સાદા ડ્રેસમાં તેમના ઘરે આવીને પૂછપરછ કરવાની છે તેમ જણાવી પોલીસ સ્ટાફ એમને નળસરોવર પોલીસ સ્ટેશન લઈ ગયો હતો, જ્યાં કસ્ટડીમાં આરોપીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

અરજદારોનું કહેવું છે કે, પોલીસે ધરપકડ કર્યાના ૨૪ કલાકમાં આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરવાના બદલે એમને ૭ દિવસ સુધી ગેરકાયદેસર કસ્ટડીમાં ગોંધી રાખ્યા હતા. એ દરમ્યાન તેમની પર અમાનુષી જુલમ ગુજારાયો હતો. તેઓને ગુપ્તભાગોમાં વીજશોક આપવામાં આવ્યા હતા. નાકમાં પાણી રેડી દેવામાં આવ્યું હતું, એટલું જ નહિ પટ્ટા અને ધોકા વડે પણ ખૂબ માર મારવા આવ્યો હતો. બાદમાં તેમને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. પોલીસે ગુજારેલા અત્યાચારનું નિવેદન સાણંદની કોર્ટમાં પણ આરોપીઓએ આપ્યું હતું. એક સરકારી હોસ્પિટલમાં તેમની શારીરિક તપાસ પણ થઈ હતી. જો કે અરજદારોનું કહેવું છે કે મેડિકલ ઓફિસરે શરીર પર ઇજા હોવા છતાં ઇજા નથી એવું સર્ટિફિકેટ બનાવીને આપ્યું હતું. ઉપરાંત અરજદારોએ અમદાવાદ રૂરલ SPને પણ પોલીસ અત્યાચાર બાબતે અરજી આપી હતી. પરંતુ એસપી દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. 

 

ન્યાય ન મળતાં હાઇકોર્ટમાં અરજી

આરોપીઓએ પોલીસ અત્યાચાર બાબતે એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે હાઇકોર્ટમાં અરજી કરી છે, જેમાં કહ્યું છે કે, તેમણે ચોરી નથી કરી પરંતુ પોલીસ બળજબરીથી તેમની પાસેથી ગુનો કબૂલ કરાવી રહી છે. હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં DGPને પણ પક્ષકાર બનાવી, તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે. હવે હાઇકોર્ટ સમક્ષ બનાવના સમગ્ર પુરાવા સુનાવણી સમયે મુકવામાં આવશે.

RTI અંગે પોલીસે કોઈ જવાબ ન આપ્યા

આરોપીઓએ એક RTI પણ કરી હતી. જેમાં પૂછવામાં આવ્યું હતું કે પોલીસે આરોપીને FIRની નકલ આપવી જોઈએ કે નહીં? પોલીસ આરોપીની ધરપકડ કરે ત્યારે તેના પરિવારને જણાવવું જોઈએ કે નહી? રિમાન્ડ વગર પોલીસ આરોપી સાથે મારપીટ કરી શકે? વગેરે. જો કે આ અરજીઓનો કોઈ જવાબ મળ્યો નહોતો. આ ઉપરાંત રાજયના ગૃહ વિભાગ, માનવ અધિકાર આયોગ અને અમદાવાદ જિલ્લા કલેકટરને પત્ર પણ લખવામાં આવ્યા હતા.

વ્યવસ્થા પરિવર્તન પાર્ટી(VPP)ના કાર્યકરો આવ્યા મદદે

આ કેસમાં આરોપી યુવાનો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અમાનુષી અત્યાચારની વાત સામે આવતા જ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી(VPP)ના વીરમગામ તાલુકા પ્રમુખ પીન્ટુભાઈ કોળી સહિતના કાર્યકરો એક્ટિવ થયા હતા અને તેમણે પીડિત યુવાનોની મુલાકાત લઈને સમગ્ર મામલે નળસરોવર પોલીસ સામે તમામ લાગતા વળગતા વિભાગો, અધિકારીઓને જાણ કરી હતી. વીપીપી કાર્યકરોનું કહેવું છે કે, પોલીસ જ રક્ષક મટીને ભક્ષક બની રહી હોય ત્યાં સામાન્ય માણસનું બીજું કોણ?

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.