"હું સ્કૂલે જતાં બીવું છું..." - જાતિવાદી સરપંચથી ત્રાસી ગયેલા જૂના જાંજરિયાની શાળાના દલિત આચાર્યએ ઝેર પીને જીવન ટૂંકાવ્યું!

સંતોની ભૂમિ કહેવાતા સૌરાષ્ટ્રની બીજી ઓળખ આપવી હોય તો જાતિવાદનું એપીસેન્ટર કહી શકાય. અહીં જાતિવાદનું ઝેર સદીઓથી પોષાતું રહ્યું છે તેનો વધુ એક પુરાવો આ રહ્યો...

"હું સ્કૂલે જતાં બીવું છું..." - જાતિવાદી સરપંચથી ત્રાસી ગયેલા જૂના જાંજરિયાની શાળાના દલિત આચાર્યએ ઝેર પીને જીવન ટૂંકાવ્યું!
મૃતક કાંતિભાઈ ચૌહાણ
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરમાં કહે છે કે ભારતમાં જાતિવાદને કોઈ સ્થાન નથી પણ આ જાતિવાદનું ઝેર હજીય દેશમાં કેટલું ફેલાયેલું છે એની સાબિતી આપતા અનેક કિસ્સા અવારનવાર બનતા રહે છે. આવી જ એક ઘટના સૌરાષ્ટ્રમાં બની. અહીં અમરેલીના જૂના જાંજરિયા ગામે સરપંચ અને શાળાનો સવર્ણ સ્ટાફ જ્ઞાતિને લઇ અપમાનજનક શબ્દો કહેતા શાળાના આચાર્યએ જીવન ટૂંકાવી લીધું છે. જ્ઞાતિ વિષયક અપશબ્દો કહેવામાં આવતા આચાર્ય કાંતિભાઈ ચૌહાણે આપઘાત કરી લેતા પરિવાર અને દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 

મીડિયાના અહેવાલો મુજબ પરિવારજનો અને દલિત સમાજે એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાખીને સરપંચ, 3 શિક્ષિકાની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈનકાર કર્યો હતો. અમરેલી પોલીસ અધિકારીઓ દ્વારા મૃતક આચાર્યના પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

સરપંચ અને સ્ટાફ કઈ રીતે અપમાનિત કરતા?
અમરેલી જિલ્લાના જૂના જાંજરિયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા કાંતિભાઈ ચૌહાણે સરપંચ અને શિક્ષક સ્ટાફના ટોર્ચરિંગથી ઝેરી દવા પીધી લીધી હતી. કાંતિભાઈએ ઝેરી દવા પી લેતા તેમને જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપજ્યું હતું. કાંતિભાઈ ચૌહાણે આપઘાત પહેલા વીડિયો વાયરલ કર્યો હતો.
આ મામલે દલિત સમાજના આગેવાને જણાવ્યું કે, ગામના સરપંચ અને શાળાના સ્ટાફથી કંટાળીને કાંતિભાઈએ આપઘાત કરી લીધો. તેમના મૃતદેહને બગસરા પોલીસ સ્ટેશન સામે એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યો હતો. સમાજના બધા આગેવાનો ભેગા થયા હતા. જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહની અંતિમવિધિ કરવામાં નહીં આવે. એવું કહ્યું હતું.

આપઘાત કરતા પહેલા બનાવેલા વીડિયોમાં શું કહ્યું?
અગ્રણીએ વધુમાં જણાવ્યું કે, કાંતિભાઈ ચૌહાણ સારા શિક્ષક હતા, તેઓ સ્કૂલના સમય કરતા પણ બાળકોને 2 કલાક વધારે ભણાવતા હતા. SMC કમિટીમાં જે ગ્રાન્ટ આવતી હતી, તે ગ્રાન્ટમાંથી આ સરપંચ તેમની પાસેથી પૈસા માંગતા હતા, તેવું કાંતિભાઈ ચૌહાણે 4/5 દિવસ અગાઉ વીડિયો જાહેર કરી કહ્યું હતું. 

કાંતિભાઈ ચૌહાણે આપઘાત પહેલા વીડિયો બનાવીને સરપંચ અને સ્ટાફ પર આક્ષેપ કર્યો હતો. એમણે જણાવ્યું હતું કે, ગામના સરપંચ મુકેશભાઈ અવારનવાર આવીને મને ધમકાવે છે તથા મારી પાસે ગ્રાન્ટની માંગણી કરે છે. ગામના લોકોને મારા વિરુદ્ધ ભડકાવે છે અને જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલે છે. ગામના ગ્રુપમાં મારા વિરુદ્ધ ખોટા મેસેજ કરીને ભડકાવે છે." વધુમાં એમણે વીડિયોમાં જણાવ્યું હતું કે, 'મને હવે સ્કૂલે જતાં પહેલા પણ ડર લાગે છે કારણ કે આ માણસ ક્યારે શું કરી નાખે એ કઈ કહી શકાય તેમ નથી. આ વ્યક્તિ ચોખ્ખું કહે છે કે હું તમારી તાત્કાલિક બદલી કરાવી નાખીશ.'


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.