LIVE UPDATE : હરિયાણામાં શરૂઆતી પરિણામોમાં કોંગ્રેસ જીત તરફ
હરિયાણા અને જમ્મુ કશ્મીરમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે. વાંચો લાઈવ અપડેટ.
Haryana Election Live Update:હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે. હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન થયું હતું. એવામાં હવે તમામ બેઠકો પર મતદાનની ગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી પરિણામોમાં જિંદ જિલ્લાની જુલાના બેઠક સૌથી વધુ ચર્ચામાં છે. કારણ કે અહીંથી વિનેશ ફોગાટ ચૂંટણી લડી હતી. હરિયાણામાં આશરે 66.02 ટકા મતદાન થયું હતું. શરૂઆતી પરિણામોમાં જુલાણાથી વિનેશ ફોગાટ આગળ ચાલી રહી છે.
ઝજ્જર વિધાનસભા પરથી બેલેટ પેપરની ગણતરી દરમિયાન કોંગ્રેસની ઉમેદવાર ગીતા ભુક્કલ આગળ છે. જ્યારે ભૂપેન્દરસિંહ હુડ્ડા ગઢી સાંપલા કિલોઈ બેઠક પરથી આગળ ચાલી રહ્યાં છે.
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ મતગણતરી પહેલા કહ્યું કે, આજે મત ગણતરીનો દિવસ છે અને અમને પુરો વિશ્વાસ છે કે, છેલ્લાં 10 વર્ષમાં ભાજપની સરકારે જે કામ કર્યું છે, તેના દમ પર અમારી ત્રીજી વાર સરકાર બનશે. અમારી સરકાર હરિયાણાના લોકોની સેવા કરતી રહેશે. કોંગ્રેસ સત્તા માટે કામ કરે છે, ભાજપ જનસેવા માટે કામ કરે છે.
કોંગ્રેસના નેતા પવન ખેરાએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર કહ્યું, 'અમને વિશ્વાસ છે કે આજે અમને દિવસભર લાડુ અને જલેબી ખાવા મળશે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જલેબી મોકલવાના છીએ. અમને વિશ્વાસ છે કે જમ્મુ અને કાશ્મીર અને હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.'
અમે 70 સીટો જીતી રહ્યાં છીએ - સૂરજેવાલા
હરિયાણાના કૈથલથી કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલાએ કહ્યું કે એક્ઝિટ પોલ દર્શાવે છે કે અમે રાજ્યની 90માંથી 60 બેઠકો જીતવા જઈ રહ્યા છીએ. પરંતુ હું કહું છું કે અમે 70 સીટો જીતી રહ્યા છીએ અને કૈથલ સીટ પણ જીતીશું. આજે દરેક વ્યક્તિ પરિવર્તન ઈચ્છે છે. ભાજપના 10 વર્ષના ભ્રષ્ટ શાસનથી લોકો કંટાળી ગયા છે. તેઓ પરિવર્તન ઈચ્છે છે. હું જાણું છું કે કોંગ્રેસ પરિવર્તન અને ન્યાય લાવશે.
એક્ટિઝ પોલમાં કોંગ્રેસની જીત બતાવાઈ છે
અગાઉ સી-વોટરના એક્ઝિટ પોલમાં આ વખતે કોંગ્રેસની વાપસીની આગાહી કરવામાં આવી હતી. જેઓ 10 વર્ષથી સત્તામાં છે તેમની 20 થી 28 બેઠકો ઘટી શકે છે. જ્યારે કોંગ્રેસને 50 થી 58 બેઠકો મળી શકે છે. ગત વખતે 10 બેઠકો જીતનાર દુષ્યંત ચૌટાલાની JJPને આ વખતે 0 થી 2 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે અન્યને 10 થી 14 બેઠકો મળી શકે છે.
5 ઓક્ટોબરે મતદાન થયું હતું
હરિયાણામાં 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. આ વખતે હરિયાણાની ચૂંટણીમાં 67.9% મતદાન થયું છે. સૌથી વધુ મતદાન એલેનાબાદમાં 80.61% અને બડખાલમાં સૌથી ઓછું 48.27% હતું. જ્યારે લોકસભા ચૂંટણીમાં 64.8% મતદાન થયું હતું.
ગત ચૂંટણીમાં શું પરિણામ આવ્યું હતું
ગત વખતે ભાજપ 90 બેઠકોની વિધાનસભામાં બહુમતી હાંસલ કરી શક્યું ન હતું. બાદમાં દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીએ ગઠબંધનમાં સરકાર બનાવી. જોકે, આ વર્ષે માર્ચમાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ગયું હતું. હાલમાં હરિયાણામાં એનડીએ પાસે 43 અને ઈન્ડિયા બ્લોક પાસે 42 બેઠકો છે.
દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર મીઠાઈ વહેંચાઈ
હરિયાણામાં મતગણતરી વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોમાં સંભવિત જીતને લઈને ઉત્સાહ છે. કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ટીના કાર્યકરો મીઠાઈ વહેંચી રહ્યા છે. શરૂઆતના વલણોમાં કોંગ્રેસને હરિયાણામાં બહુમતી મળી છે.
કોંગ્રેસને આ વખતે હરિયાણામાં બમ્પર જીતનો પૂર્ણ આત્મવિશ્વાસ હતો. શરૂઆતી વલણમાં જ લીડ મળી જતાં કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને ઉજવણી શરૂ કરી હતી.
આ પણ વાંચો: શું કોંગ્રેસ કુમારી શૈલજાને મુખ્યમંત્રી બનાવશે ખરાં?