હવે ઉમેદવારો અને સામાન્ય લોકોને મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ નહીં મળે

ચૂંટણી પંચે નિયમોમાં માત્ર એક લીટી ઉમેરી અને વર્ષોથી ચાલી આવતો નિયમ બદલાઈ ગયો. વિપક્ષો સમગ્ર મામલાને કોર્ટમાં પડકારશે. જાણો શું છે આ નિયમ અને તેનાથી શું ફરક પડશે.

હવે ઉમેદવારો અને સામાન્ય લોકોને મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ નહીં મળે
image credit - Google images

ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. જે અંતર્ગત હવે મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ ઉમેદવારો અને સામાન્ય જનતાને નહીં મળી શકે. આ સુધારા પહેલા ચૂંટણીના આચાર નિયમોની કલમ ૯૩(૨) હેઠળ કોર્ટની પરવાનગી અંતર્ગત સામાન્ય લોકો માટે તમામ ચૂંટણી સંબંધિત કાગળો નિરીક્ષણ માટે ઉપલબ્ધ હતા. પણ ચૂંટણી પંચ દ્વારા હવે આ નિયમોમાં ફેરફાર કરી નાખ્યો છે. એ રીતે તેણે વધુ એક લોકશાહી વ્યવસ્થાનો દરવાજો લોકો માટે બંધ કરી દીધો છે.

આ મામલે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા પર તેની શુદ્ધતા અને પારદર્શિતાનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. સામે પંચનું કહેવું છે કે મતદારોની પ્રાઈવસી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યા છે.

આ ફેરફારો એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચૂંટણી પંચને હરિયાણા વિધાનસભા ચૂંટણી સંબંધિત દસ્તાવેજો એડવોકેટ મહેમૂદ પ્રાચાને આપવાનો નિર્દેશ આપ્યો હતો. એડવોકેટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેણે હરિયાણા ચૂંટણી દરમિયાન લીધેલા વિડીયોગ્રાફી, સીસીટીવી કેમેરા ફૂટેજ, ફોર્મ ૧૭-સી ભાગ ૧ અને ભાગ ૨ની નકલો માંગી હતી. અત્યાર સુધી નિયમો અને નિયમોમાં એક યાદી હતી, જે સક્ષમ કોર્ટની સૂચનાથી લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. પરંતુ ચૂંટણી પંચે તેમાં એક લીટીનો ઉમેરો કરીને આખી વ્યવસ્થાને સામાન્ય માણસ માટે બંધ કરી દીધી છે. જેમાં ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે પેપરોની યાદીમાં એવા દસ્તાવેજો કે ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્‌સ સામેલ નહીં હોય, જેનો નિયમોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે તેમની પાર્ટી આ ફેરફારોને કોર્ટમાં પડકારશે. તેમણે કહ્યું કે જો ચૂંટણી પંચે ચૂંટણીની અખંડિતતાને અસર કરવા માટે તાજેતરના સમયમાં કોઈ પગલું ભર્યું હોય તો તે આ છે. જો કે ચૂંટણી પંચના સૂત્રોએ આ ફેરફારોને યોગ્ય ઠેરવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સીસીટીવી ફૂટેજ કોઈને પણ ઉપલબ્ધ કરાવવાથી મામલો ગંભીર બની શકે છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને નક્સલ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આ સુરક્ષાનો મુદ્દો બની શકે છે.

ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચૂંટણીના તમામ કાગળો અને દસ્તાવેજો સામાન્ય લોકોના નિરીક્ષણ માટે ઉપલબ્ધ છે. કોઈપણ સંજોગોમાં ઉમેદવારો તમામ પ્રકારના રેકોર્ડ વિશે જાણી શકે છે. અધિકારીએ કહ્યું કે પ્રાચા તેમના વિધાનસભા મતવિસ્તારના તમામ દસ્તાવેજો મેળવવા માટે પણ હકદાર છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર નિયમોમાં જે દસ્તાવેજો જાહેર જનતાને ઉપલબ્ધ ન કરાવવાનું કહેવામાં આવ્યું છે તે ઈલેક્ટ્રોનિક રેકોર્ડ છે. ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ કોઈ પણ વ્યક્તિ આઇએ દ્વારા તેની સાથે છેડછાડ કરી શકે છે. તેથી આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વોટ આપતી વેળાનું ચિંતન


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.