આણંદમાં 1200 જેટલા શિક્ષકો રાત્રે 12 વાગ્યા બાદ શિષ્યવૃત્તિના ફોર્મ ભરે છે
ડિજિટલ ગુજરાતની વેબસાઈટ પર દિવસ દરમિયાન સર્વર એરર, ચાલુ એન્ટ્રીએ ઓટોમેટિક લોગઆઉટ, એન્ટ્રી બાદ માહિતી સેવ ન થવી જેવી સમસ્યા નડે છે.
રાજ્ય સરકાર દ્વારા થતા ડિજિટલ ઈન્ડિયાના મસમોટા દાવાઓ વચ્ચે જમીની હકીકત શું છે તે સૌ જાણે છે. છતાં તેને વધુ સારી રીતે સમજવી હોય તો હાલ ચાલતા શિષ્યવૃત્તિના ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી પર નજર કરી લેવી. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં શિક્ષકો શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે રીતસરના ઉજાગરા કરી રહ્યાં છે. હાલ આણંદ જિલ્લાના 1200થી વધુ શિક્ષકો હાલ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે.અહીં તમામ શાળાઓમાં હાલ શિષ્યવૃત્તિ માટેની દરખાસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી વેબસાઈટ પર શિષ્યવૃતિના ફોર્મની એન્ટ્રી કરવામાં શિક્ષકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર સર્વર એરર, ચાલુ એન્ટ્રીએ ઓટોમેટિક લોગ આઉટ, સમગ્ર એન્ટ્રી કર્યા બાદ સબમિટ પર ક્લિક કર્યાં બાદ એન્ટ્રી કરેલી માહિતી સેવ ના થવી જેવી સમસ્યાઓથી તેઓ ત્રાહિમામ પોકારી ગયા છે.
શિક્ષકો દિવસે સ્કૂલ ટાઈમમાં પ્રયત્નો કરે ત્યારે સર્વરને લગતી સમસ્યા આવતી હોય છે, જેથી રાત્રે 12 વાગ્યે જાગીને સર્વર ફ્રી હોય ત્યારે એન્ટ્રી કરવી પડે છે. જેને લઇને ઘણીવાર સ્કૂલે સમયસર પહોંચી શકવામાં તકલીફ પડી રહી છે. સ્કૂલમાં કલાસ લેવાનો હોય ત્યારે ઉજાગરો નડતા પુરતું ધ્યાન આપી શકતા ન હોવાની ફરિયાદો વ્યાપક બની રહી છે. શિક્ષકોએ મોડે સુધી કોમ્પ્યુટર પર બેસી રહેવું પડતું હોવાથી આંખોને નુકશાન થવાની ભીતી વર્તાઇ રહી છે. તેમાંય એન્ટ્રી પૂર્ણ થવાને આરે હોય ત્યારે ટેકનિલ ઍરર આવતા ભરેલું ફોર્મ ફરીથી ભરવું પડે છે. કેટલાય દિવસથી શિક્ષકો આ કામમાં અટવાઇ જતાં અન્ય કામો કરી શકતા ન હોવાની ફરિયાદ ઉઠી છે.
પ્રથમ સત્ર પૂરું થવા આવ્યું છતાં 80 હજારથી વધુ એન્ટ્રી બાકી
હાલ શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે શાળાઓનાં પ્રથમ સત્ર પૂરું થવા આવ્યું તેમ છતાં હજુ શિષ્યવૃતિની એન્ટ્રી પુરી થઈ નથી. ત્યારે 80 હજારથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ક્યારે મળશે એ પ્રશ્નોનો વાલીઓને જવાબ આપવો શિક્ષકો માટે અઘરો બની ગયો છે. આવી પરિસ્થિતિમાં આચાર્યો શિક્ષકોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ છે. આ બધાં ટેક્નિકલ પ્રશ્નો ઝડપથી સોલ્વ કરી ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિની સાઈટ કાર્યાન્વિત થાય તેની રાહ જોઈ રહ્યા છે.
હજી ઘણી શાળાના લોગીન એક્ટિવ થયાં નથી
ઘણી સ્કૂલોના તો લોગીનમાં ઈનએક્ટિવ બતાવે છે તેથી તેવી શાળાઓએ લોગીન એક્ટિવ કરાવવા જિલ્લા સમાજ કલ્યાણ ખાતાનો સંપર્ક કરતા ત્યાંથી જણાવ્યું કે ગાંધીનગર નાયબ નિયામકને લેખિત આપવું પડે. તે મુજબ આચાર્ય દ્વારા લેખિત પણ અપાયુ છે, તેને ઘણો સમય થઇ ગયો હોવા છતાં હજુ સુધી આવી શાળાઓના લોગીન એક્ટિવ થયાં નથી. બીજી બાજુ શિક્ષણ વિભાગ દ્વારા આચાર્યો શિક્ષકોને શિષ્યવૃતિની એન્ટ્રી કરી પ્રપોઝલ બનાવી હાયર ઓર્થોરિટીને મોકલવા કરવા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે.
વેબસાઈટમાંથી ટેક્નિકલ ખામી દૂર કરવા માંગણી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તારાપુર તાલુકાના અધ્યક્ષ જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિત સાથે જોડાયેલી આ બાબતે શિક્ષકો અને આચાર્યોને પડતી મુશ્કેલીઓ બાબતે અમે રાજ્ય સંગઠનના માધ્યમથી રજૂઆત કરી છે બહુ ઝડપથી ડિજિટલ ગુજરાતની વેબસાઈટના સરળીકરણ સાથે ટેક્નિકલી મુશ્કેલીઓ ન આવે તે મુજબ વેબસાઈટમાં જરૂરી સુધારા કરવા સંબધિત વિભાગને અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો: પ્રક્રિયા અઘરી બનતા સેંકડો ગરીબ બાળકો શિષ્યવૃત્તિ નહીં મેળવી શકે