શા માટે ઈન્ટરનેટ પર લોકો આતિશીની 'જાતિ' સર્ચ કરી રહ્યાં છે?
ઈન્ટરનેટ યૂઝર્સ હાલ દિલ્હીની આગામી મુખ્યમંત્રી આતિશીની જાતિ (Atishi Caste)વિશે સૌથી વધુ સર્ચ કરી રહ્યાં છે. શા માટે આવું થઈ રહ્યું છે તે જાણવું જરૂરી છે.

Atishi Caste: હાલ ઈન્ટરનેટ પર આતિષીની 'જાતિ' સૌથી વધુ સર્ચ થઈ રહેલો કીવર્ડ બની ગયો છે. જે બતાવે છે કે, આ દેશમાં માણસની આવડત સહિત બીજું બધું પછી આવે છે, સૌથી પહેલા તેની જાતિ જ આવે છે અને તે જ સૌથી મહત્વની છે. આશ્ચર્ય ત્યારે થાય જ્યારે દલિતોને તેમની જાતિના આધારે સદીઓથી સત્તાથી દૂર રાખ્યા પછી જ્યારે તેઓ સમાનતા ધોરણે સત્તામાં ભાગીદારીની માંગ કરી રહ્યાં છે ત્યારે તેમના પર જ જાતિવાદી હોવાનો આક્ષેપ કરવામાં આવે છે.
આજે અરવિંદ કેજરીવાલે પોતાના અનુગામી તરીકે આતિશીની દિલ્હીના મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરી છે ત્યારે ઈન્ટરનેટ પર આતિશીની 'જાતિ' સૌથી વધુ સર્ચ થતો કીવર્ડ બની ગયો છે. વધુને વધુ લોકો આતિશીની જાતિ વિશે જાણવા માંગે છે. શા માટે લોકોને તેની જાતિ જાણવી છે તે સવાલનો જવાબ બધાં જાણે છે. આ દેશમાં લોકો કોઈ રાજ્યના મુખ્યમંત્રીને તેની આવડતને આધારે નહીં પરંતુ પોતાની જાતિનો છે કે નહીં તેના આધારે મૂલવે છે. જો તે ગમે તેટલો આવડત ધરાવતો હોય પણ પોતાની જાતિનો નથી તો તેની કિંમત તેમના માટે ઝીરો છે.
કોણ છે આતિશી?
દિલ્હીની કાલકાજી વિધાનસભાના ધારાસભ્ય આતિશીના પિતા વિજયસિંહ અને માતા તૃપ્તા છે. બંને દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રહી ચૂક્યા છે અને પંજાબી રાજપૂત પરિવારમાંથી આવે છે. 43 વર્ષની આતિશીએ સામાજિક કાર્યકર પ્રવિણ સિંહ સાથે લગ્ન કર્યા હતા, તેઓ પણ રાજપૂત છે.
આ પણ વાંચો: સંજીવય્યાથી પહાડિયા સુધી, આ છે દેશના પ્રથમ 4 દલિત મુખ્યમંત્રીઓ
આતિશીએ સ્પ્રિંગડેલ સ્કૂલ, નવી દિલ્હીમાંથી શાળાનો અભ્યાસ અને સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ઈતિહાસ વિષય સાથે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે. આ સિવાય ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી તેણે પહેલા શેવનિંગ શિષ્યવૃત્તિ પર માસ્ટર ડિગ્રી અને બાદમાં શૈક્ષણિક સંશોધનમાં રોડ્સ સ્કોલર તરીકે બીજી માસ્ટર ડિગ્રી મેળવી હતી.
આતિશી પાછળ લાગતા 'માર્લેના' શબ્દ પાછળ શું રહસ્ય છે?
આતિશીના માતાપિતાએ તેના નામની પાછળ કોઈ અટક નહોતી લગાવી પરંતુ આખું નામ આતિષી માર્લેના રાખ્યું હતું. અટકની જગ્યાએ 'માર્લેના' લગાવવા પાછળ કહેવાય છે કે તેના પિતા ડાબેરી વિચારધારાના માર્ક્સ અને લેનિનથી પ્રભાવિત હતા. એટલે બંને દિગ્ગજ ડાબેરી નેતાઓના નામને મિક્સ કરીને પોતાની દીકરીની પાછળ અટક તરીકે 'માર્લેના' લગાવ્યું હતું.
વિપક્ષોએ ખ્રિસ્તી હોવાનો આક્ષેપ કરતા 'માર્લેના' હટાવી લીધું
જોકે હવે આતિશી તેના નામમાં કોઈ અટક કે નામ વગેરે ઉમેરતી નથી. 'માર્લેના' લખવાનું પણ બંધ કરી દીધું છે. કેમ કે, જ્યારે આતિશીએ 2019ની લોકસભાની ચૂંટણી લડી રહી હતી, ત્યારે વિપક્ષે તેના નામને મુદ્દો બનાવ્યો હતો અને તેને ખ્રિસ્તી જાહેર કરી હતી. 'માર્લેના' અટકને કારણે આવી મૂંઝવણ ઊભી થઈ અને સોશિયલ મીડિયા પર ઘણાં ફેક ન્યૂઝ ફેલાવા લાગ્યા હતા. આ પછી આતિશીએ તેના નામ પાછળથી 'માર્લેના' શબ્દ હટાવવાનો નિર્ણય કર્યો હતો. હવે તે પોતાનું નામ માત્ર 'આતિશી' લખે છે અને લોકો પણ તેને એ જ નામથી સંબોધે તેમ ઈચ્છે છે.
આતિશીના માતાપિતાએ અફઝલ ગુરૂની તરફેણ કર્યાનો આક્ષેપ
દિલ્હીના સીએમ તરીકે આતિશીનું નામ ફાઈનલ થયા પછી તેના માતા-પિતા પણ ચર્ચામાં છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને AAP નેતા રહી ચૂકેલી સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે આતિશીના માતા-પિતાએ સંસદ હુમલાના દોષિત અફઝલ ગુરુને સમર્થન આપ્યું હતું. આતિશીના પિતા વિજય સિંહ અને માતા તૃપ્તાએ અફઝલ ગુરુની દયા અરજી (મર્સી પિટિશન) પર હસ્તાક્ષર કર્યા હતા. સોશિયલ મીડિયા પર પણ આ અંગે ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો: આતિશી નહીં, આ દલિત નેતા દિલ્હીના મુખ્યમંત્રી બનશે?