પીએમની સભામાં આવેલી મહિલાઓને જૂની સાડીઓ પધરાવી દીધી
સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની સભામાં ભીડ દર્શાવવા ધ્રાંગધ્રા અને હળવદથી મહિલાઓને સાડીની લાલચ આપીને લવાઈ હતી, જાણો પછી શું થયું.
લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન મોદી ગુજરાતમાં ફરી તમામ 26 બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ માટે તેઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જાહેર સભાઓ કરી રહ્યાં છે. આ સભાઓમાં ભીડ એકઠી કરવા માટે ભાજપના સ્થાનિક કાર્યકરોને ટાર્ગેટ આપવામાં આવે છે અને તેઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને પ્રલોભનો આપીને ચૂંટણી સભામાં લઈ આવે છે. આવું દરેક પક્ષના કાર્યકરો મોટા નેતાઓની સભા દરમિયાન થતું હોય છે. જો કે ગઈકાલે વડાપ્રધાનની સુરેન્દ્રનગરમાં યોજાયેલી સભામાં ધ્રાંગધ્રા અને હળવદથી આવેલી મહિલાઓને સાડી અને ભોજનની લાલચ આપીને સભામાં લવાયા બાદ જૂની સાડીઓ પેકિંગ કરીને આપી દેવાતા મહિલા કાર્યકરો નારાજ થઈ ગઈ હતી અને હોબાળો મચાવ્યો હતો. બાદમાં અન્ય મહિલા આગેવાનો અને કાર્યકરોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
શું થયું હતું?
ચૂંટણી પ્રચાર માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પીએમ મોદી ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. 2મેના રોજ તેમણે રાજ્યના જુદી જુદી લોકસભા બેઠકો પર સભા ગજવી હતી જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો પણ સમાવેશ થતો હતો, જ્યાં ગઈકાલે નરેન્દ્ર મોદીની સભા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કલ્પના સોરેનઃ રાજકીય મેદાનમાં આદિવાસી મહિલાઓનો મજબૂત અવાજ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સભામાં મહિલાઓની સંખ્યા દર્શાવવા માટે અને ભીડ એકઠી કરવા માટે ભાજપના સ્થાનિક કાર્યકરો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી મહિલાઓને સાડી અને ભોજનની લાલચ આપીને સભામાં લાવવામાં આવી હતી. હળવદ અને ધ્રાંગધ્રા વિધાનસભાના ગામડાઓમાંથી આવેલી આ મહિલાઓને સુરેન્દ્રનગર સભા સ્થળ સુધી પહોચાડવા અને પરત લાવવા માટે પ્રાઇવેટ વાહનની વ્યવસ્થા સાથે ભોજન અને સાડી આપવાનું નક્કી થયું હતું. એ પ્રમાણે સભા પૂર્ણ થયા પછી દરેક મહિલાને પેકિંગ કરેલી સાડી આપવામાં આવી હતી. પણ જ્યારે મહિલાઓએ તે ખોલ્યું તો સાડીઓ જૂની નીકળી હતી. જેથી રોષ ફાટી નીકળ્યો હતો અને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.
એક મહિલાએ નામ અને ફોટો ન છાપવાની શરતે જણાવ્યું હતું કે, અમને તમામ મહિલાઓને નવી સાડી આપવાનું કહેવામાં આવ્યું હતું પણ ઘેર જઈને જોયું તો સાડીઓ જૂની નીકળી હતી. અમને લાગે છે કે, ભાજપના સ્થાનિક કાર્યકરે આમાં કટકી કરી લીધી હોય તેમ લાગે છે. અમને જૂની સાડી નવા પેકિંગમાં પેક કરીને આપવામાં આવી હતી. મારી જેમ બીજી મહિલાઓએ પણ જ્યારે પોતપોતાના ઘરે જઈને સાડીનું પેકિંગ ખોલ્યું ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે સાડીઓ તો જૂની છે અને ક્યાંય કામમાં આવે તેમ નથી. અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ મામલે આ મહિલાઓએ સ્થાનિક કાર્યકરોનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો, પણ તેઓ જવાબ આપી શક્યા નહોતા. છેલ્લે પક્ષની મહિલા કાર્યકરો અને આગેવાનોએ નારાજગી દૂર કરવા પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચો: તાકાત હોય તો પ્રજ્વલ રેવન્ના જેવા સામે લડો, ફેમિનિસ્ટો સામે નહીં