જેલમાં જગ્યા એટલી સાંકડી હતી કે પડખું ફરવું અશક્ય હતું...
ફ્રાંસના એક ફિલ્મમેકર દલિત મહિલાઓ પર ફિલ્મ બનાવવા માટે ભારત આવ્યા હતા. પણ પછી તેમની સાથે જે થયું તે રુંવાડા ઉભા કરી દે તેવું હતું.
ફ્રાંસના ફિલ્મ નિર્દેશક વેલેંટિન હેનૉની ગયા વર્ષે ગોરખપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એ વખતે તેઓ અહીં આંબેડકર જન માર્ચમાં સામેલ થયા હતા. તેઓ દલિત મહિલાઓ પર થતા અત્યાચારો પરની એક ફિલ્મ પર કામ કરવા માટે ભારત આવ્યા હતા. ઓક્ટોબરમાં ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં દલિતોની માર્ચમાં કથિત રીતે સામેલ થયા પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ફ્રાંસના સમાચારપત્ર લ મોંદના એક રિપોર્ટ મુજબ બાદમાં તેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા. પણ તેમની સામે જારી લુકઆઉટ નોટિસને કારણે જામીન મળ્યાના છ મહિના પછી પણ તેઓ ભારતમાંથી બહાર નહોતા જઈ શક્યા.
પોતાને જે યાતનાઓ સહન કરવાની આવી તેના વિશે વાત કરતા હેનૉએ એક ડિજિટલ પ્લેટફોર્મને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, નૈતિક યાતનાઓ સાથે પનારો પાડવો મને સૌથી વધુ કઠિન લાગ્યો. કેમ કે, તમને ખબર નથી હોતી કે તમે અમુક દિવસો માટે જેલમાં છો કે અમુક વર્ષો સુધી જેલમાં છો.
હેનૉ દલિત મહિલાઓ પર થતા અત્યાચારો પર આધારિત એક ફિલ્મ પર કામ કરવા માટે 10 ઓગસ્ટ 2023ના રોજ ભારત આવ્યા હતા. ઉત્તરપ્રદેશ પહેલા તેમણે બિહાર અને ઝારખંડનો પ્રવાસ કર્યો હતો. 10 ઓક્ટોબર 2023ના રોજ તેમણે ખેડૂત મહિલાઓના નેતૃત્વમાં આયોજિત આંબેડકર જન માર્ચમાં ભાગ લીધો હતો, જ્યાં મહિલાઓ દલિતો માટે જમીનના હકની માંગણી કરી રહી હતી.
રિપોર્ટ મુજબ તેમને સ્થાનિક સિક્રેટ એજન્ટોએ ઘેરી લીધા હતા, કેમ કે મંચ પરના એક વક્તા જે તેમને પહેલેથી જ ઓળખતા હતા તેમણે આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોની હાજરી નોંધવા માટે તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો.
લ મોંદને પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, હેનૉને એજન્ટોએ અમુક પ્રશ્નો પૂછ્યા બાદ તેમને કાર્યક્રમ સ્થળેથી જવા દીધા હતા. પણ પોલીસ તે જ દિવસે તેમને તેમની હોટલેથી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે તેમના પર કથિત રીતે ફોરેન એક્ટના આર્ટિકલ 14બી અંતર્ગત વીઝા શરતોનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ જાણીજોઈને ભારતમાં પ્રવેશ કરવા માટે નકલી પાસપોર્ટનો ઉપયોગ કરે છે કે કાયદેસરના હક વિના દેશમાં રહે છે તો તેને કમ સે કમ બે વર્ષની જેલ થઈ શકે છે અને તેને 8 વર્ષ સુધી લંબાવી શકાય છે.
રિપોર્ટ મુજબ, જો કે, કાયદા અમલીકરણ અધિકારીઓનું કહેવું છે કે, તેમણે પોતાની વિઝા અરજીમાં ધનબાદના એક સંપર્કનો ઉલ્લેખ કર્યો હતો અને તેમને ઝારખંડ છોડવાની મંજૂરી નહોતી. પરંતુ આ આરોપ સંપૂર્ણપણે ખોટો છે. તેમના ઈ બિઝનેસ વીઝા, જે એક વર્ષ માટે માન્ય છે તેમાં કોઈ ભૌગોલિક પ્રતિબંધ સામેલ નથી.
લ મોંદ મુજબ ધરપકડના એક દિવસ બાદ હેનૉને એક પાર્કિંગ સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક જજે તેમની ધરપકડ સંબંધિત દસ્તાવેજો પર સહી કરી અને એ પછી તેમને ગોરખપુર જેલમાં મોકલી દેવામાં આવ્યા.
આ પણ વાંચોઃ ટુ કિલ અ ટાઈગર- એક હચમચાવી નાખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ
ફ્રાંસના દૈનિકને પોતે જેલમાં વિતાવેલા એ સમયને લઈને હેનૉએ કહ્યું હતું કે, હું જમીન પર સૂતો હતો, જગ્યા એટલી સાંકડી હતી કે પડખું ફરવું પણ અશક્ય હતું. જમીન લોકોથી ભરેલી હતી. રિપોર્ટ મુજબ તેમને માનસિક અસ્થિત લોકોથી ભરેલા સેલમાં રાખવામાં આવ્યા હતા.
લ મોંદે હેનૉનો હવાલો આપીને જણાવ્યું છે કે, તેમને ચૂપ રહેવા માટે શારીરિક રીતે હેરાન કરવામાં આવ્યા. પણ ત્યાં રહેવું સારી વાત હતી, કેમ કે ત્યાં જમીન પર થોડી વધુ જગ્યા હતી.
એ દરમિયાન તેઓ પહેલા દિવસે જેલમાંથી જ ફ્રાંસના દૂતાવાસ સાથે સંપર્ક કરવામાં સફળ રહ્યા હતા. એમ્બેસીએ તેમને એક વકીલ સાથે સંપર્ક કરાવ્યો હતો. ધરપકડના ત્રીજા અઠવાડિયે એમ્બેસીના એક અધિકારીએ જેલમાં તેમની મુલાકાત લીધી હતી. એ પછી તેમના પિતા તેમને મળવા આવ્યા અને પોતાનો વકીલ બદલી નાખ્યો. એ પછી તેઓ જામીન મેળવવામાં સફળ રહ્યા અને 10 નવેમ્બર 2023ના રોજ છુટ્યાં.
જો કે, હેનૉ વિરુદ્ધ જારી લુકઆઉટ સર્ક્યુલર હટાવવામાં નહોતું આવ્યું અને મે સુધી તેમનો પાસપોર્ટ પોલીસ પાસે હતો. હવે જતા તેઓ ફ્રાંસ જવા સક્ષમ થયા છે. રિપોર્ટ મુજબ આ કપરી પરિસ્થિતિ વચ્ચે ફ્રાંસની એમ્બેસીએ તેમના પરિવારને જાણ કરી હતી કે ચૂંટણીના કારણે પ્રક્રિયામાં મોડું થઈ રહ્યું છે.
હેનૉએ જણાવ્યું હતું કે, આખરે મેં 4 મેના રોજ ભારત છોડી દીધું. અહીં એ યાદ રાખવું રહ્યું કે, રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર દ્વારા બહાર પાડવામાં આવેવા વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સમાં ભારત 176 દેશોમાં 159માં ક્રમે છે.
આ પણ વાંચો: નાનો હતો ત્યારે પિતાજી મને ‘ગાંધી’ ફિલ્મ જોવા લઈ ગયા હતા, જે મારે નીચે બેસીને જોવી પડી હતી કેમ કે...